Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

એકવા યોગ : પાણીમાં ૨૦૦ બહેનોએ કર્યા યોગા

રેસકોર્ષ, સાધુ વાસવાણી રોડ સહિતના સ્વીમીંગ પુલમાં યોજાયો કાર્યક્રમ : વંદનાબેન ભારદ્વાજ અને અલ્પાબેન શેઠ તથા મહિલા કોચના માર્ગદર્શન હેઠળ આયોજન

મ્યુ.કોર્પોરેશન દ્વારા આજે વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત જુદા જુદા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાયા હતા. તેમા ખાસ કરીને મહાનગરપાલિકાના જીજાબાઇ મહિલા સ્વીમીંગ પુલ(સાધુવાસવાણી રોડ), લોકમાન્ય તિલક સ્વીમીંગપુલ(રેસકોર્ષ) ખાતે એકવા યોગનું  આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૨૦૦થી વધુ બહેનો જોડાયા હતા.  ઉપરોકત તસ્વીરમાં પાણીમાં વિવિધ યોગાસનો કરતા નજરે પડે છે.  કાર્યક્રમમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, પુર્વ મેયર રક્ષાબેન બોળિયા, વંદનાબેન ભારદ્વાજ, મનપાનાં આસી.કમિશ્નર વાસંતીબેન પ્રજાપતી વગેેરે ઉપસ્થિત રહ્યા તે વખતની તસ્વીર. (તસ્વીર- અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૧ : 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' પ્રસંગે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરભરમાં જુદા-જુદા કુલ-૮૧ સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમ યોજાએલ, જેમાં કેટલાંક સ્થળોએ એકવા યોગ, એકસપર્ટ યોગ, દિવ્યાંગ યોગ સહિતના વિશિષ્ટ કાર્યક્રમો યોજાયેલ. યોગ દિવસનું વિશિષ્ટ આકર્ષણ એવા 'એકવા યોગ' કાર્યક્રમ શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર(સાધુ વાસવાણી રોડ) તથા શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર(રેસકોર્સ) ખાતે આયોજન કરવામાં આવેલ. આ એકવાયોગ કાર્યક્રમમાં આશરે ૨૨૫ થી પણ વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ તેમજ દેશભકિતના ગીતની કૃતિ પર પાણીમાં તરતા રહીને વિવિધ યોગાસનો કરેલ.
આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહે જણાવેલ કે, યોગ સ્વયંના માધ્યમથી સ્વયં સુધી પહોચવાની યાત્રા છે. ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વભરમાં યોગને સ્વીકૃત કરી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખુબ ઉત્સાહથી ઉજવણી થઇ રહી છે. આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ચાલુ સાલની થીમ 'યોગ ફોર હ્યુમેનીટી' (માનવતા માટે યોગ) છે. યોગ એટલે 'જોડવું'. યોગ વ્યકિતના મન, શરીર અને પર્યાવરણને જોડે છે. આજના દિવસે યોગને એક દિવસ પુરતો સીમિત ન રાખી, આપણા સર્વેના જીવનનો અભિન્ન હિસ્સો બનાવી, વધુને વધુ લોકો યોગના માધ્યમથી સ્વસ્થ અને તંદુરસ્ત રહે, તેવી તેમણે શુભેચ્છા પાઠવેલ.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ જીલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, અગ્રણી વંદનાબેન ભારદ્વાજ, કોર્પોરેટર દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્યાય, શહેર ભાજપ મહિલા મોરચા મંત્રી માધવીબેન ઉપાધ્યાય, વોર્ડ નં.૨ના મહિલા મોરચા પ્રમુખ દીવ્યાનીબેન રાવલ, વોર્ડ કોષાધ્યક્ષ સીમાબેન, મહિલા મોરચાના અગ્રણી હિનાબેન, અમીબેન, અલ્પાબેન તથા મહાપાલિકાના આસી. કમિશનર વાસંતીબેન પ્રજાપતિ, મહિલા કર્મચારી અગ્રણી સુધાબેન, જયોત્સનાબેન વિગેરે ઉપસ્થિત રહેલ.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વંદનાબેન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ એકવા યોગાના ઇન્સ્ટ્રકટર અલ્પાબેન શેઠ, કિંજલબેન શાહ, શિલ્પાબેન સબલપરા, ભારતીબેન વસાણી, અંજનાબેન વિરીજા સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ અને તેઓનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

 

(3:20 pm IST)