Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કાલથી રાજકોટ જિલ્લામાં પ્રવેશોત્‍સવ : મુખ્‍યમંત્રી - મંત્રીઓ - IAS - IPS સહિતના અધિકારીઓ જોડાશે : ૭૫ રૂટ ઉપર ૧૪૬૦૦ બાળકોને પ્રવેશ

કુલ ૮૮૩ પ્રાથમિક શાળાઓ : ૪૮૫૬ શિક્ષકો : ૬ થી ૧૪ વર્ષની ઉંમરના દરેક બાળકનું નામાંકન કરાશે

રાજકોટ તા. ૨૨ : કોરોનાના બે વર્ષના કપરા સમય બાદ વર્ષ-૨૦૨૨નો કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ કાલથી રપ જુન દરમિયાન યોજાશે.જેમાં રાજય સરકારના મંત્રીશ્રીઓ, અધિકારીઓ અને અન્‍ય ક્ષેત્રના મહાનુભાવો ગામે-ગામ જઇને પ્રવેશપાત્ર બાળકોને વાજતે-ગાજતે શાળા પ્રવેશ કરાવશે. ભણતર અધૂરૂં મુકતા વિદ્યાર્થીઓનું પ્રમાણ(ડ્રોપ આઉટ રેશીયો) ઘટાડવા અને પ્રાથમિક શિક્ષણની ટકાવારી વધારવાની દિશામાં આ એક અસરકારક પગલું છે.
રાજય સરકાર દ્વારા નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં ભુલકાઓના શાળા પ્રવેશને ઉત્‍સવ સમજીને કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ - ૨૦૨૨નું આયોજન કર્યું છે. જે અન્‍વયે રાજકોટ જિલ્લામાં ભુલકાંઓના સ્‍વાગત માટે સુચારુ આયોજન કરવામાં આવ્‍યું છે. આ શાળા પ્રવેશોત્‍સવ હેઠળ રાજકોટના ૧૧ તાલુકાઓમાં ૭૫ રૂટના આયોજન સાથે ૧૪,૬૨૧ બાળકો ધોરણ ૧ માં પ્રવેશપાત્ર મેળવશે. જેમાં ૭,૫૫૫ કુમારો, ૭૦૬૬ કન્‍યાઓ અને ૨૮ વિકલાંગ બાળકોનો સમાવેશ થાય છે. ૧૦૦ ટકાના નામાંકનની લક્ષ્ય પ્રાપ્તિ સાથે બાળકોના પ્રવેશોત્‍સવમાં રાજયકક્ષાના મંત્રીશ્રીઓ, IAS, IPS, IFS, DS અને JS  કક્ષાના અધિકારીઓ ભાવભેર જોડાશે. તેમજ વર્ગ-૧ અને વર્ગ-૨ના જિલ્લાકક્ષાના અધિકારીઓ પણ જોડાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુદ્રઢ આયોજન ભાગરૂપે વિવિધ સમિતિઓ પણ બનાવવામાં આવી છે.   
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં શિક્ષણ સમિતિ સંચાલિત ૮૮૩ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જેમાં ૪,૮૫૬ શિક્ષકો દ્વારા ૬૪,૭૬૮ કુમારો અને ૬૧,૭૪૦ કન્‍યાઓ સહિત કુલ ૧,૨૬,૫૦૮ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
આ વર્ષના શાળા પ્રવેશોત્‍સવમાં જિલ્લાના ૧૧ તાલુકાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ તથા અન્‍ય જાતિ ના ૭૫૫૫ કુમારો અને ૭૦૬૬ કન્‍યાઓ મળી કુલ ૧૪,૬૨૧ બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ કરાવવામાં આવશે.
શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન સર્વ શિક્ષા અભિયાન હેઠળ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના દરેક બાળકનું નામાંકન કરવામાં આવશે, પહેલા ધોરણમાં દાખલ થતું બાળક વચ્‍ચે અભ્‍યાસ છોડીને જતું ન રહે, તેની કાળજી લેવાશે. અને બાળકને જીવનોપયોગી અને ગુણવત્‍તાસભર શિક્ષણ આપવા માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. આમ, શાળા પ્રવેશોત્‍સવ એ બાળકોના ઉજ્જવળ ભવિષ્‍ય માટેનું પ્રથમ સોપાન છે. વધુમાં નવા બાળકોના શાળા પ્રવેશોત્‍સવ માટે શિક્ષક સ્‍ટાફ ઉત્‍સાહપૂર્વક કામગીરી કરી રહ્યા છે તેમ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ડી.આર.સરડવાની યાદીમાં ઉમેરાયું છે.

 

(11:04 am IST)