Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

જન્‍મભૂમિ જશાપરમાં પૂ. ધીરગુરૂદેવનો કાલે નગરપ્રવેશ : રવિવારે ચાતુર્માસ પ્રવેશોત્‍સવ

સચિત્ર તત્‍વાર્થ સૂત્રનો વિમોચન વિધિ : તા. ૨૬ના ધુવાડાબંધ ગામ જમણ : શ્રી નંદકિશોર ગૌશાળાનું નૂતનીકરણ

રાજકોટ તા. ૨૨ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જશાપર ગામે ૧૫૦ વર્ષથી વસતા શા. ધનજી પાનાચંદ મણિયાર પરિવારના શા. પોપટલાલ ઝીણાભાઇએ વર્ષો સુધી સરપંચપદે સેવા આપ્‍યા બાદ ૮૦ વર્ષની જૈફ વયે પોતાના પુત્ર સાથે ઇ.સ. ૧૯૮૨માં જૈનધર્મની દીક્ષા સંગીકાર કરનાર પૂ. પ્રેમગુરૂદેવ અને પૂ. ધીર ગુરૂદેવ ગોંડલ સંપ્રદાયની ગરિમા સમાન છે.
જન્‍મભૂમિ જશાપર ગામે માત્ર ૧ જૈનનું ઘર હોવા છતાં ગ્રામવાસીઓની વિનંતીથી પૂ. ધીરગુરૂદેવ તથા સાધ્‍વીજી પૂ. ગુણીબાઇ મહાસતીજી ઠાણાનો સર્વમંગલ ચાતુર્માસ પ્રવેશોત્‍સવ તા. ૨૬ને રવિવારે સવારે ૯.૧૫ કલાકે માલિનીબેન કિશોરભાઇ સંઘવી સેવા સંકુલ ખાતે દેશ-વિદેશના હજારો ભાવિકોની જયનાદે યોજાયેલ છે.
પૂ. ગુરૂદેવની અસીમ કૃપાથી જશાપરમાં મનહરભાઇ અને મુકતાબેન પારેખ - જૈન ઉપાશ્રય, અનિલકુમાર ભૂપતલાલ મણિયાર - ભકિતભવન, શાંતાબેન પોપટલાલ મણિયાર - પ્રેમ ચબુતરો, માલીનીબેન કિશોરભાઇ સંઘવી - સાંસ્‍કૃતિક ભવન, ડો. સી.જે.દેસાઇ અને જશવંતીબેન દેસાઇ - ગૌશાળા, ડો. પ્રભુદાસ અને ચંદ્રીકાબેન લાખાણી - જલધારા, ચોવટીયા ડોસાભાઇ બોઘાભાઇ સાંજવા - બસ સ્‍ટેન્‍ડ વગેરે નજરાણું બની રહેલ છે.
ચાતુર્માસ પ્રવેશોત્‍સવ સમારોહના પ્રમુખપદે અમીશા નીરજ વોરા અને અતિથિપદે સર્વશ્રી અનિલ બી. મણિયાર (મસ્‍કત), દિલીપ મોદી, ડો. રજની મહેતા - અમેરિકા, દિનેશ મણિયાર - દુબઇ, મહેશ કોઠારી - કલકત્તા, શરદ શેઠ - મુંબઇ, દિલીપ ધોળકિયા - દિલ્‍હી, રંજનબેન પટેલ - દારેસલામ, કુંદનબેન નવીનચંદ્ર દોશી - મુંબઇ, રેખાબેન શાહ - મસ્‍કત, કે.ડી.કરમુર વગેરે ઉપસ્‍થિત રહેશે. સમારોહ મધ્‍યે સચિત્ર તત્‍વાર્થ સૂત્રનો વિમોચન વિધિ યોજાયેલ છે.
જ્‍યારે પૂ. ગુરૂદેવનો પોરબંદરથી વિહાર કરી તા. ૨૨ને ગુરૂવારે જશાપર નગરપ્રવેશ સવારે ૮.૩૦ કલાકે યોજાયેલ છે. તા. ૨૬ના રવિવારે આહિર સમાજના કે.ડી.કરમુર તરફથી ધુંવાડાબંધ ગામજમણનો લાભ લેવામાં આવેલ છે. રાજકોટથી જામનગર બાયપાસ લાલપુર, ત્રણ પાટીયા, શીવા, કાટકોલા થઇને તેમજ જામજોધપુરથી સતાપર થઇને જશાપર આવી શકાય છે. વધુ વિગત માટે મો. ૯૮૯૮૭ ૮૫૨૨૨નો સંપર્ક કરવો.

 

(3:03 pm IST)