Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વાહનને ધૂંબા નહોતા માર્યા, તબલા વગાડતો'તો ને ઝઘડો થતાં છરી ઝીંકી'તીઃ આરોપીની કબુલાત

કિટીપરામાં દૂધના ધંધાર્થી આસીફ જૂણેજાની હત્યામાં આરોપી પકડાયો : પ્ર.નગરના ધર્મેશભાઇ ડાંગર, કોન્સ. યુવરાજસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ કે. એ. વાળા અને ટીમે ગોંડલ રોડ ચોકડીએથી પકડ્યો

રાજકોટ તા. ૨૨: કિટીપરામાં બે દિવસ પહેલા વહેલી સવારે ગાયકવાડીના દૂધના ધંધાથી આસીફ ઇકબાલભાઇ જૂણેજા (ઉ.૪૦)ની છાતીમાં છરીનો એક જ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં આરોપી વિક્કી અશોકભાઇ ઉર્ફ બજરીયો ચોવસીયા (ઉ.૨૫-રહે. કિટીપરા)ને   પ્ર.નગર પોલીસે બાતમીને આધારે ગોંડલ રોડ ચોકડીએથી પકડી લઇ છરી કબ્જે લેવા તજવીજ આદરી છે.

જે તે વખતે પોલીસે હત્યાનો ભોગ બનેલા આસીફના પિત્રાઇ ભાઇ જાકીર ઉર્ફ ટપુ જાહીદભાઇ જુણેજાની ફરિયાદ નોંધી હતી. જેમાં જાકીરે કહ્યું હતું કે કિટીપરાના મંદિરે માતાજીનો માંડવો ચાલુ હોઇ પોતે  ત્યાં મિત્ર સુનિલ સાથે ચા પીવા ઉભો હતો ત્યારે તેના નવેનવા એકસેસ પર વિક્કી ધૂંબા મારતો હોઇ તેને ના પાડતાં ગાળાગાળી કરી હતી. એ પછી પોતાના ભાઇ આસીફને બોલાવતાં આસીફ તેને સમજાવતો હતો ત્યારે તેને પણ ગાળો દઇ છરી ઝીંકી દીધી હતી.

દરમિયાન આરોપી વિક્કી ગોંડલ રોડ ચોકડીએ આવ્યાની બાતમી પ્ર.નગરના હેડકોન્સ. ધર્મેશભાઇ ડાંગર અને કોન્સ. યુવરાજસિંહ જાડેજાને મળતાં તેને પકડી લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે. તેણે એવું રટણ કર્યુ હતું કે માતાજીનો માંડવો ચાલુ હોઇ પોતે જાકીરના ટુવ્હીલર પર બેસી પાછળની સાઇડ પેટ્રોલની ટાંકી આવે તે તરફ ટાપલીઓ મારી તબલા વગાડતો હતો ત્યારે જાકીર સાથે ઝઘડો થયો હતો અને તેનો ભાઇ આસીફ આવતાં તેની સાથે પણગાળાગાળી થતાં છરી ઝીંકી દીધી હતી. હત્યા બાદ પોતે મોરબી તરફ ભાગી ગયો હતો.

પોલીસના કહેવા મુજબ અગાઉ વિક્કી વિરૂધ્ધ અગાઉ મારામારી, જાહેરનામા ભંગના ચાર ગુના નોંધાયા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ કે. સી. રાણા, સંજયભાઇ દવે, કરણભાઇ મારૂ, અશોકભાઇ હુંબલ, મહાવીરસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી.

(4:32 pm IST)