Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

સ્ટુડિયો શિવના સંચાલક ભાવિનભાઇ ખખ્ખરની ભજનીક હેમતભાઇ ચૌહાણ વિરૂધ્ધ ફરિયાદ

પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપી કાર્યવાહીની માંગણી કરીઃ હેમતભાઇ તથા એક શખ્સ વચ્ચે થયેલી વાતચીતની રેકોર્ડ પણ રજૂઆતમાં સામેલઃ જેમાં જીવલેણ હુમલો થાય તેવી ગર્ભિત ધમકી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ

રાજકોટ તા. ૨૨: ઢેબર રોડ પર જીઇબીની ઓફિસ સામે ૭-સીટી કોર્નર ખાતે શિવ સ્ટુડિયો ચલાવતાં ભાવીનભાઇ રસિકભાઇ ખખ્ખરે પોલીસ કમિશનરશ્રીને લેખિત ફરિયાદ આપી ભજનીક હેમંતભાઇ રાજાભાઇ ચૌહાણ (રહે. રામસાગર, લક્ષ્મી સોસાયટી, નાના મવા રોડ રાજકોટ) વિરૂધ્ધ રજૂઆત કરી છે. શિવ સ્ટુડિયોના હક્કોવાળા ગીતો હેમતભાઇ અને તેના દિકરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં હોઇ તે મામલે ચાલતા મનદુઃખમાં હેમતભાઇ અને એક કાઠી શખ્સ દ્વારા થયેલી વાતચીત અને ગર્ભિત ધમકીથી પોતે જીવલેણ હુમલો થવાનો ભય અનુભવી રહ્યા હોવાનું ભાવિનભાઇએ લેખિત ફરિયાદમાં જણાવી તાકીદે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

ભાવીનભાઇ ખખ્ખરે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે હું શિવ સ્ટુડિયોના નામથી ધાર્મિક કેસેટ, સીડી, એમપીથ્રી, ડીવીડી વગેરેનું ઘણા સમયથી વેંચાણ રાજકોટ તેમજ ગુજરાત અને અન્ય રાજ્યોમાં કરુ છું. જેના વિરૂધ્ધ અમારી ફરિયાદ છે તે ભજનીક હેમતભાઇ ખુબ જાણીતા છે અને અનેક ઇનામો મેળવી ચુકયા છે. તેઓ સુરક્ષા સેતુ સોસાયટી સાથે સંકળાયેલા હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંપર્કમાં હોઇ તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. સમયાંતરે ખોટા ગુનામાં ફીટ કરી દેવાની મનોવૃતિ ધરાવે છે.

ભાવીનભાઇએ લેખિત રજૂઆત-ફરિયાદ સાથે બે સ્ક્રીપ્ટ પણ સામેલ કરી છે. જેમાં થયેલી વાતચીત પરથી બદઇરાદો પાર પાડવાનો હોય તેવું લાગે છે. પોલીસનો પણ ડર ન હોય એ રીતે પોલીસ વિશે પણ ઉચ્ચારણો કર્યા છે. ગુનેગારનો સાથ લઇ કાવત્રા રચવામાં માહેર હોવાનો આક્ષેપ પણ લેખિત ફરિયાદમાં કરાયો છે.

આગળ જણાવાયું છે કે ગત ૨૬/૭/૨૦૧૫ના રોજ મારા સદ્દગત પિતાશ્રી રસિકભાઇ પરષોત્તમભાઇ ખખ્ખર દ્વારા એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર. ૪૭/૧૫થી ત્હોમતદાર વિરૂધ્ધ આઇપીસી ૫૦૬ (૨), ૫૦૪ મુજબ ફરિયાદ નોંધાવાઇ હતી.  તેમાં પણ ખોટા ગુનામાં સંડોવી દેવાની અને ભજનીકને શોભે નહિ તેવી ગાળો દીધાની ફરિાયદ હતી. જે ગુનાની તપાસમાં વિલંબ થતાં ગુજરાત હાઇકોર્ટમાંથી તપાસ સાથે મનાઇ હુકમ મેળવાયો છે.

અમે ફરિયાદીએ હેમંતભાઇ તથા તેના પુત્ર મયુરભાઇને લેખિત પત્ર દ્વારા અમારા સ્ટુડિયોની તરફેણમાં કરી આપેલ લખાણ વિરૂધ્ધ જઇને આ બંને શિવ સ્ટુડિયોના હક્કવાળા ગીતો ગેરકાયદેસર રીતે વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ-ઇન્ટરનેટના માધ્યમથી પ્રદર્શિત કરી મોટી રકમ કમાય  છે તેવી જાણ કરી હતી. આ સામે બંનેએ અસામાજીક તત્વોનો સાથ લઇ પૈસાના જોરે અમોને જાનહાની કરવા કારસો રચ્યો છે. 

ભાવીનભાઇએ લેખિત ફરિયાદ-રજૂઆત સાથે જે સ્ક્રીપ્ટ જોડી છે તેમાં ૧૭/૭/૨૦ના રોજ હેમતભાઇ અને ભરતભાઇ કાઠી વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો સ્ક્રીપ્ટ સામેલ છે. આ બંને હવે આને ગમે તે રીતે પાડવો પડશે....સ્ટ્રાઇક તું કાઢતો નહિ બાકી તને કાઢી નાંખવો છે...સીધા માણસોને તો પોગીએ આ તો તમારા જેવા વાંકા માણસો મોકલી દે છે...હવે પછી વધી જાય તો શું કરવું હવે ઇ છે ને...ઇ મરવાનો થયો...અન્ય કોઇ નડતા હોય તો કામ લઇએ...આ ય આમ ને આમ જવાનો...સહિતના સંવાદો છે. આ ઉપરાંત 'એને મરાય ઇ રીતે કે ઇ નો મરી જાય નો જીવી શકે, એટલે એને બધી ભાન આવી જાય, આ કયા પરિણામ આપણને મળ્યા...આવુ કઇક સેટીંગ કરી એના ભંગાય પગ...સહિતના સંવાદો પણ હેમતભાઇ અને ભરતભાઇ કાઠી વચ્ચે હોવાનું અને આ રીતે અમો ફરિયાદી (ભાવિનભાઇને) મહાવ્યથા પહોંચાડવા કારસો થયાનું જણાય છે.

મોબાઇલ ફોનની વાતચીતમાં કોઇ રિતીશ નામનો ઉલ્લેખ છે. તેને મેં કદી જોયો નથી. મારે તેની સાથે કોઇ સંબંધ નથી. હેમતભાઇ ચૌહાણ દ્વારા જે વાતચીત થઇ છે તેની ઓડિયો કલીપ પણ લેખિત રજૂઆતમાં સામેલ કરવામાં આવી છે અને મોબાઇલ કોલ ડિટેઇલ, વોઇસ ટેસ્ટ કરાવવાની માંગણી કરવામાં આવી છે.

અરજદાર-ફરિયાદી ભાવીનભાઇએ અંતમાં જણાવ્યું છે કે બનાવને આખરી અંજામ આપવા સોપારી આપનારે અને સોપારી લેનાર દ્વારા સમજુતીના ભાગરૂપે ગમે ત્યારે જીવલેણ હુમલો થાય તેવો ભય છે. આ અંગે ગુનો દાખલ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

(2:43 pm IST)