Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ઇ સ્ટેમ્પીંગના વેચાણમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચારઃ ર૦થી પ૦ રૂ.ના ઉઘરાણા!

રાજય સરકારે કૌભાંડ અટકાવવા ફિઝીકલ સ્ટેમ્પ બંધ કરી ઇ-સ્ટેમ્પીંગ પ્રથા ચાલુ કરી પણ ''બકરૂ કાઢતા ઉંટ પૈઠુ'' જેવી સ્થિતિ... : પ૦ રૂ.ના ઇ-સ્ટેમ્પીંગ વેચાણમાં ૪પ ટકા જેવો તગડો નફો (રોકડી) મળતા અચાનક જ ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રો વધવા લાગ્યાઃ નિયત સ્ટેમ્પની રકમ કરતા વધારે રૂપિયા ન આપે તો 'કનેકટીવીટી બંધ' છે તેમ કહી અરજદારોને હાંકી કઢાઇ છેઃ ગેરકાયદે ઉઘરાણા સામે લોકોમાં ભારે આક્રોશ

રાજકોટ તા. રરઃ રાજય સરકારે જમીન કૌભાંડો અટકાવવાના હેતુથી ફિઝીકલ સ્ટેમ્પ પેપર બંધ કરી ઇ સ્ટેમ્પ પેપર પ્રથા અમલમાં મુકી છે. પરંતુ ''બકરૂ કાઢતા ઉંટ પૈઠુ'' તે કહેવત મુજબ ઇ સ્ટેમ્પીંગ વેચાણમાં ભ્રષ્ટાચાર શરૂ થઇ ગયો હોય સ્ટેમ્પ પેપર દીઠ ર૦ થી પ૦ રૂ.ના ખુલ્લેઆમ ઉઘરાણા શરૂ થઇ ગયાની વ્યાપક લોક ફરીયાદો ઉઠી છે. બહાર આવેલ વિગતો મુજબ રાજય સરકારે ગત ડિસેમ્બર માસમાં ફિઝીકલ સ્ટેમ્પ પેપર બંધ કર્યા બાદ સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન તથા અન્ય ખાનગી એજન્સી મારફત ઇ સ્ટેમ્પીંગ વ્યવસ્થા ગોઠવી હતી શરૂઆતમાં ઇ-સ્ટેમ્પીંગ વેચાણ કેન્દ્રોમાં અવ્યવસ્થા સર્જાતા રાજય સરકારે દરેક લોકોને ઇ-સ્ટેમ્પીંગ પેપર સરળતાથી મળી રહે તે હેતુ માટે સ્ટેમ્પ વેન્ડરો, એકાઉન્ટન્ટો, કંપની સેક્રેટરીઓ તથા નોટરીઓને ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રના લાયસન્સ ઇસ્યુ કર્યા હતા.

રાજકોટ શહેરમાં મોટા ભાગના સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓએ ઇ સ્ટેમ્પીંગ કેન્દ્રના લાયસન્સ લઇ ઇ સ્ટેમ્પીંગ પેપરનું વેચાણ શરૂ કર્યું હતું. શરૂઆતમાં જેટલા રૂપિયાના સ્ટેમ્પ હોય તેટલા જ રૂપિયા લેવાતા હતા. બાદમાં અમુક લે-ભાગુ વિક્રેતાઓએ સ્ટેમ્પદીઠ સર્વીસ ચાર્જના બહાને ૧૦ રૂપિયાના ઉઘરાણા શરૂ કરતા ઉહાપોહ જાગ્યો હતો. ઇ સ્ટેમ્પીંગ વિક્રેતાઓએ બેંક દ્વારા પણ સર્વીસ ચાર્જ લેવાઇ છે તેવી વાતો વહેતી કરી ઉઘરાણા ચાલુ કર્યા હતા અને હજી પણ સર્વીસ ચાર્જના બહાને ર૦ થી પ૦ રૂ.ના ઉઘરાણા ચાલુ છે.

ઇ-સ્ટેમ્પીંગ વિક્રેતાઓએ ઇ-સ્ટેમ્પીંગના વેચાણમાં ફકત ૦.૧પ ટકા જેવું નજીવું કમિશન મળે છે તેવી ઉચ્ચ કક્ષાએ ફરીયાદો કરતા રાજય સરકારે તાજેતરમાં જ ઇ સ્ટેમ્પીંગ વિક્રેતાઓને સ્ટેમ્પ પેપર દીઠ રૂ. ૧૦ કમિશન આપવાની જાહેરાત કરી હતી. પણ વિધાનસભામાં ખરડો પસાર થયા બાદ અથવા તો રાજય સરકાર ખાસ વટહુકમ બહાર પાડે ત્યારે જ  વધારાના કમિશનની અમલવારી થઇ શકે.

જો કે, બીજી બાજુ ઇ-સ્ટેમ્પીંગ વેચાણમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર શરૂ થયો હોય તેમ સ્ટેમ્પ પેપર દીઠ ર૦ થી પ૦ રૂ.ના ખુલ્લેઆમ ઉઘરાણા શરૂ થઇ ગયા છે. સોગંદનામા માટેના પ૦ રૂ.ના ઇ સ્ટેમ્પીંગ પેપર માટે લોકોને પ૦ રૂ.ના ફરજીયાત ૭૦ રૂ.નો ચાંદલો કરવો પડે છે. ઇ સ્ટેમ્પીંગ વિક્રેતાઓ પ૦ રૂ.ના સ્ટેમ્પના ૭૦ રૂ. અને ૩૦૦ રૂ.ના સ્ટેમ્પ પેપરના ૩પ૦ રૂ. તેમજ કોઇ મિલ્કત ધારક મોટી રકમના ઇ સ્ટેમ્પ પેપરની ખરીદી કરે તો નિયત ઇ સ્ટેમ્પીંગ રકમ કરતા ૧૦૦ રૂ. વધુ પડાવાઇ છે. સ્ટોક હોલ્ડીંગ અને ખાનગી  એજન્સી સિવાયના ઇ સ્ટેમ્પીંગ વિક્રેતાઓના ખુલ્લેઆમ ભ્રષ્ટાચારથી લોકો પણ અચંબામાં પડી ગયા છે. એક અરજદારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઇ સ્ટેમ્પીંગ પેપરની રકમ કરતા વધુ રકમ આપવાની ના પાડીએ તો ઇ સ્ટેમ્પ વિક્રેતા કહે છે કે, કનેકટીવીટી બંધ છે જુની અથવા નવી કલેકટર કચેરીમાં ઇ સ્ટેમ્પીંગ મળે છે ત્યાંથી લઇ આવો. રૂપિયા વધારે આપો તો તુર્ત જ ઇ સ્ટેમ્પ પેપર આપી દયે છે.

પ૦ રૂ.ના ઇ સ્ટેમ્પીંગ પેપર દીઠ ર૦ રૂ.ના ઉઘરાણા થતા હોય અને એક સ્ટેમ્પ પેપર દીઠ ૪પ ટકા જેટલો તગડો નફો મળતો હોય છેલ્લા દિવસોમાં કોર્ટ આસપાસ તથા શહેરના મુખ્ય માર્ગો ઉપર અચાનક ઇ સ્ટેમ્પીંગ કેન્દ્રોની સંખ્યામાં વધારો થઇ ગયો છે. અમુક વિક્રેતાઓએ તો તેના લાયસન્સ અન્ય વ્યકિતઓને ભાડે ચલાવવા માટે આપી દીધા હોવાની હકિકતો બહાર આવી છે.

ઇ સ્ટેમ્પીંગ પેપરના વેચાણમાં ર૦ થી પ૦ રૂ.ના ઉઘરાણાથી ખાસ કરીને ગરીબ વર્ગ લુંટાઇ રહ્યો છે. ગરીબ વર્ગ માટે ર૦ થી પ૦ રૂ. ની રકમ મોટી કહેવાય છે.

રાજય સરકારે જમીન કૌભાંડ અટકાવવાના હેતુથી ફિઝીકલ સ્ટેમ્પ પેપર બંધ કરી ઇ સ્ટેમ્પ પેપર પ્રથા ચાલુ કરી પણ ''બકરૂ કાઢતા ઉંટ પૈઠુ''ની કહેવત અનુસાર ઇ સ્ટેમ્પીંગ વિક્રેતાઓએ નિયત સ્ટેમ્પની રકમ કરતા વધારે રૂપિયા લઇ ઉઘરાણા શરૂ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના સંવેદનશીલ સરકારની છાપ ખરડાઇ રહી છે. ઇ સ્ટેમ્પીંગના થતા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર સામે સંબંધીત તંત્રવાહકો તાકિદે તપાસ કરી કડક પગલા ભરે તેવી લોકોમાં પ્રબળ માંગણી ઉઠી છે.

સરકારી મૂલ્ય કરતા વધારે રકમ લેવાય તે લાંચ જ ગણાયઃ ડી.વાય.એસ.પી. દોશી

ઇ સ્ટેમ્પીંગ પેપરમાં નિયત રકમ કરતા વધારે રૂપિયા માંગે તો એસીબીના ટોલ ફ્રી નં. ૧૦૬૪ ઉપર લોકો ફરીયાદ કરોઃ ફરીયાદીનું નામ ગુપ્ત રખાશે

રાજકોટ તા. રરઃ શહેરના ઇ સ્ટેમ્પીંગ વિક્રેતાઓ દ્વારા નિયત સ્ટેમ્પની રકમ કરતા વધારે રૂપિયા લેવાતા હોવાની લોક ફરિયદો ઉઠી છે ત્યારે નિયત સ્ટેમ્પની રકમ કરતા વધારે રૂપિયા લેવાય તે લાંચ ગણાય કે નહિં? તે અંગે રાજકોટ એન્ટીકરપ્શન બ્યુરોના ડી.વાય.એસ.પી. એચ. પી. દોશીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, સરકારે નિયત કરેલ મૂલ્ય કરતા વધારે રૂપિયા લેવાય તો તે લાંચ જ ગણાય. સરકારે નિયત કરેલ મૂલ્ય કરતા વધારે રૂપિયા લેવાય અને તેની કોઇ રીસીપ્ટ ન અપાય તો તે લાંચની વ્યાખ્યામાં આવી જાય છે. ઇ સ્ટેમ્પીંગ પેપરની નિયત રકમ કરતા વધારે રકમ કોઇ વિક્રેતાઓ માંગે તો સંબંધીત લોકો (પ્રજા) એન્ટીકરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નં. ૧૦૬૪  ઉપર જાણ કરી શકે છે. એસીબી દ્વારા તુર્ત જ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રાજકોટ સીટીના એન્ટીકરપ્શન બ્યુરોના પોલીસ ઇન્સપેકટર મયુરસિંહ સરવૈયા (મોબાઇલ નં. ૯૯૦૯૯ ૭૪૪૪૭) ઉપર પણ જાણ કરી શકો છો. એસીબીમાં ફરીયાદ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

ઇ સ્ટેમ્પીંગ વિક્રેતાને ત્યાં ગમે ત્યારે ચેકીંગ કરાશેઃ ડે. કલેકટર પૂજાબેન જોટાણીયા

લોકો નિયત સ્ટેમ્પ કરતા વધારે રૂપિયા ન આપે અને વધારે રૂપિયા માંગે તો ફરીયાદ કરો તુર્ત જ પગલા લેવાશે

રાજકોટ તા. રરઃ ઇ સ્ટેમ્પીંગ પેપરમાં નિયત રકમ કરતાં વધારે રૂપિયા લેવાતા હોવાની ઉઠેલ વ્યાપક લોક ફરીયાદો અંગે સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર (ગ્રામ્ય) ના નાયબ કલેકટર પુજાબેન જોટાણીયાનું ધ્યાન દોરાતા તેઓએ જણાવ્યું હતું કે, લોકો નિયત સ્ટેમ્પની રકમ કરતા વધારે રૂપિયા ન આપે અને જો કોઇ સ્ટેમ્પ વેન્ડર વધારે રૂપિયા માંગે તો લેખીત અને મૌખીક ફરીયાદ કરી શકે છે.

અગાઉ પણ ઇ સ્ટેમ્પીંગ વિક્રેતાઓ વધારે રૂપિયા લેતા હોવાની ફરીયાદો આવતા તપાસ કરાઇ હતી. રાજકોટ શહેરમાં ઇ સ્ટેમ્પીંગ વેચતા તમામ વિક્રેતાઓને ત્યાં હવે ગમે ત્યારે ચેકીંગ કરાશે. એટલું જ નહિં તમામ ઇ સ્ટેમ્પીંગ વિક્રેતાઓને ત્યાં ડમી ગ્રાહકો મોકલી તપાસ પણ કરાશે જો નિયત સ્ટેમ્પ કરતા વધારે રૂપિયા લેવાની ગેરરીતિ પકડાશે તો જે તે સ્ટેમ્પ વિક્રેતાઓનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. કોઇપણ ઇ સ્ટેમ્પીંગ વિક્રેતા નિયત સ્ટેમ્પ કરતા વધારે રૂપિયા લ્યે તો મારા મોબાઇલ નં. ૯૯૭૪૯ ૪૮૬૪૩ ઉપર ફરીયાદ કરી શકે છે.

(4:00 pm IST)