Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇના નામે પપ હજારની છેતરપીંડીઃ ઠગ ટોળકીના બે શખ્સો સકંજામાં

પીએસઆઇ જાડેજા બોલુ છુ, મારા પરિવારને ઉદયપુરમાં અકસ્માત નડયો છે રૂપિયાની વ્યવસ્થા કરાવી આપો... : રાજકોટના ભોગ બનનાર યુવાન સાગર ભાલારાની ફરીયાદ ઉપરથી નકલી પીએસઆઇ લીંબડીના પ્રકાશ દેસાણી સહિત પ સામે લોધીકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો : નકલી પીએસઆઇની ઓળખ આપનાર પ્રકાશ દેસાણી હાલ સાબરમતી જેલમાં છે

રાજકોટ તા. રર :.. રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇની ઓળખ આપી રાજકોટના યુવાન સાથે પપ હજારની છેતરપીંડી કરનાર લીંબડીના ઠગ સહિત પ શખ્સો સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે. ઠગ ટોળકીના બે સાગ્રીતોને પોલીસે સંકજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ય વિગતો મુજબ રાજકોટ ગુરૂદેવ પાર્ક ૮૦ ફુટ રોડ ઉપર રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં ગોપાલ નમકીનમાં માર્કેટીંગનું કામ કરતા સાગર અરવિંદભાઇ ભાલારાએ આરોપી પ્રકાશ પ્રભુદાસભાઇ દેસાણી રે. લીંબડી (હાલ સાબરતી જેલ અમદાવાદ) હિદાયત ઇસ્માઇલભાઇ કોડીયા રે. ધ્રાંગધ્રા જડેશ્વર મહાદેવ મંદિર પાછળ, શિવશકિત સોસાયટી હળવદ રોડ, રેશ્મા હિદાયત કોડીયા  રે. ધ્રાંગધ્રા, બીનલ પટેલ રે. મહેસાણા તથા કિશન પ્રભુદાસ દેસાણી રે. સુરેન્દ્રનગર ગોકુળનગર ૮૦ ફુટ રોડ સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી માર્કેટીંગના કામમાં હતા ત્યારે આરોપી પ્રકાશ દેસાણીનો ફોન આવેલ કે, પોતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ જાડેજા બોલે છે, અને તેનો પરિવારને રાજસ્થાનના ઉદયપુરમાં અકસ્માત થયેલ હોય મેડીકલ ઇમરજન્સી હોવાનુ જણાવી તેની કંપનીના ઉદયપુર સ્થિતિ ડીસ્ટ્રીબ્યુટરને ફોન કરી ૩૦,૦૦૦  વ્યવસ્થા કરવાનું જણાવતા ફરીયાદી સાગરે ઉદયપુર સ્થિત ડીસ્ટ્રીબ્યુટરને ફોન કરી ૩૦,૦૦૦ રૂપિયા મોકલાવ્યા હતાં. ઉદયપુરનો ડીસ્ટ્રીબ્યુટર ૩૦,૦૦૦ રૂપિયા દેવા ગયેલ ત્યારે ત્યાં બે મહિલાઓ હતી અને તેણે જણાવેલ કે, ૩૦,૦૦૦ રૂપિયા તો દવામાં વપરાઇ જશે બીજા રપ,૦૦૦ ની વ્યવસ્થા કરવાનું કહેતા ઉદયપુરના ડીસ્ટ્રીબ્યુટરે બીજા રપ,૦૦૦ આ બન્ને મહિલાને આપ્યા હતાં. ત્યારબાદ નકલી પીએસઆઇ બનનાર પ્રકાશ દેસાણીએ પુન ફરીયાદી સાગરને ફોન કરી ઉદયપુરમાં મોકલાવેલ પપ,૦૦૦ રૂપિયા તેના પોલીસ કોન્સ્ટેબલ મારફતે મોકલાવી આપશે. તેમ કહ્યું હતું.

થોડા સમય બાદ ફરીયાદી સાગરે નકલી પીએસઆઇ પ્રકાશ દેસાણી તથા ઉદયપુરમાં જે મહિલાઓને રૂપિયા આપ્યા હતા તેને ફોન કરતા મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતા પોતાની સાથે છેતરપીંડી થયાનું જણાતા સાયબર સેલમાં અરજી કરી હતી અને આ અરજી અન્વયે લોધીકા પોલીસે ઉકત ઠગ ટોળકી સામે ગુન્હો દાખલ કર્યો હતો.

લોધીકા પોલીસે ઉકત ફરીયાદ અન્વયે નકલી પીએસઆઇની ઓળખ આપનાર લીંબડીના ઠગ પ્રકાશ પ્રભુદાસ દેસાણી તથા તેને મદદગારી કરનાર બે મહિલા સહિત પાંચેય સામે આઇપીસી ૪ર૦, ૧૭૦, ૧ર૦ (બી) (પૂર્વયોજીત કાવત્રુ રચવા અંગે) અને ૩૪ મુજબ ગુન્હો દાખલ કર્યો કરી ઠગ ટોળકીના બે સાગ્રીત હિદાયત કોડીયા તથા કિશન દેસણીને સંકજામાં લઇ પુછપતાછ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુખ્ય સુત્રધાર નકલી પીએસઆઇ બનનાર પ્રકાશ દેસાણી હીલ કોઇ ગુન્હા સબબ સાબરમતી જેલમાં છે. લોધીકા પોલીસ તેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવવા તજવીજ હાથ ધરી છે. તેમજ પકડાયેલ ઠગ ટોળકીએ અન્ય કોઇ સાથે આવી રીતે  છેતરપીંડી કરી છે. કે કેમ ? તે અંગે પકડાયેલ બન્ને સાગ્રીતોની વધુ પુછતાછ હાથ ધરી છે. વધુ તપાસ લોધીકાના પીએસઆઇ કે. એ. જાડેજા ચલાવી રહ્યા છે.

(2:47 pm IST)