Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

આર.ટી.ઓ. કચેરી પાસે થયેલ સાહિલ હત્યા કેસના આરોપીના જામીન નામંજુર

રાજકોટ, તા. રર : આર.ટી.ઓ. કચેરીમાં થયેલ સાહિલના ચકચારી મર્ડર કેસમાં પકડાયેલ આરોપીના કરવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની પોલીસના કેસ પ્રમાણેની ટુંકી વિગત એવી કે, ગુજરનાર સાહીલ હનીફભાઇ પાયક તથા તેનાભાઇ વિગેરે આર.ટી.ઓ. કચેરીમાં વાહનોમાં રેડીયમ લગાડવાનું કામ કરતા હોય તા. ૧પ-૧૧-ર૦૧૯ ના રોજ આરોપી અમરીશ ઉર્ફે કનુભાઇ નાથાભાઇ ગોહિલ તથા અન્ય બે શખ્સો આર.ટી.ઓમાં સવારે ૧૧ વાગ્યે પોતાના ટ્રકનું પાર્સીંગ કરાવવા ગયેલ અને રેડીયમ લગાડયા વગર ટ્રકનું પાર્સીગ થતુ ન હોવાનું ફરીયાદી એજાઝભાઇએ જણાવતા બન્ને પક્ષે ઝઘડો થયેલ અને આર.ટી.ઓ. ઇન્સ્પેકટર તેઓને આ બાબતે સમજણ આપતા સમાધાન થયેલ. ત્યારબાદ સાહીલની છરીનો ઘા મારીને હત્યા કરી હતી.

 આ બનાવમાં પોલીસ તપાસ દરમ્યાન આરોપી ધર્મેશ પ્રભાતભાઇ ધ્રાંગાએ મરનાર સાહિલને જયારે છરીના ઘા મારવામાં આવેલ ત્યારે તેને પકડેલ હોવાનો રોલ ખુલવા પામેલ તેમજ આરોપી ધર્મેશ આરોપી નં. ૧ કનુભાઇ આહીર ભાણેજ થતો હોવાનું પણ ખુલેલ બનાવ બાબતે સી.સી. ટી.વી. કુટેજ પણ પોલીસે કબ્જે કરેલ હતા.

જેલમાં રહેલ આરોપી ધર્મેશ પ્રભાતભાઇ ધ્રાંગાએ જામીન ઉપર છુટવા માટે રેગ્યુલર જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં ગુજારેલ હતી જે જમીન અરજીનો વિરોધ આ કેસમાં સરકારશ્રી તરફે ખાસ નિમણુંક પામેલ સ્પે. પી.પી. શ્રી તુષારભાઇ ગોકાણી તથા મુળ ફરીયાદી એજાજભાઇ પાયકની વકીલ રૂપરાજસિંહ પરમાર લેખીત મૌખિક વાંધાનો રજુ કરેલ તથા જામીન અરજી રદ કરવા રજુઆતો કરેલ હતી.

ઉભયપક્ષોની રજુઆતો આરોપીએ ગુન્હામાં ભજવેલ ભાગ ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓમાં રજુ થયેલ સિધ્ધાંતો વિગેરે ધ્યાને લઇ રાજકોટ એડી. સેશન્સ જજ શ્રીમતી કે. ડી. દવેએ આરોપી ધર્મેશ પ્રભાતભાઇ ધ્રાંગાની જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કામે સરકાર પક્ષે સ્પે. પી.પી. શ્રી તુષાર ગોકાણી તથા મુળ ફરીયાદી તરફે રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર તથા ભરત સોમાણી, રોકાયેલ હતા.

(3:57 pm IST)