Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કોરોના કાળમાં મનાઇ હોવા છતાં 'મિલપરા કા મહારાજા' નામે પંડાલ ઉભો થયોઃ ગુનો નોંધાયો

પોલીસે આયોજન જગદીશભાઇ ભટ્ટ સામે કાર્યવાહીઃ પત્રીકાઓ પણ છપાવી હતી

રાજકોટ તા. ૨૨: કોરોનાને કારણે તમામ ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે. અગાઉથી જ પોલીસે સુચનાઓ આપી હતી કે ગણેશ ઉત્સવ માટે આ વખતે કોઇએ પણ પંડાલ ઉભા કરવાના નથી કે બે ફુટથી ઉંચી મુર્તિઓ લાવવાની નથી. પીઓપીની કે ફાયબરની મુર્તિઓ વેંચવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો હતો. આમ છતાં શહેરના લક્ષ્મીવાડી-૯-અ શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'મિલપરા કા મહારાજા'ના નામે ગણેશ ઉત્સવની પત્રિકાઓ છપાવવામાં આવી હોઇ તેમજ ગણપતિ દાદાની મુર્તિ સ્થાપિત કરવા માટે જાહેરમાં મંડપ-પંડાલ ઉભો કરવામાં આવ્યો હોઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા સહિતના જાહેરનામાનો અમલ કરાવવા માટે પેટ્રોલીંગમાં નીકળ્યા ત્યારે લક્ષ્મીવાડી-૯માં ગણેશજીના સ્થાપન માટે મંડપ પંડાલ ઉભા કરાયાનું જોવા મળતાં લોકોને બોલાવી પુછતાં શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન થયાનું જણાવાતાં ત્યાં નજીકમાં આવેલી ઓફિસે જઇ તપાસ કરતાં પ્રમુખ જગદીશભાઇ શશીકાંતભાઇ ભટ્ટ (ઉ.વ.૫૮) મળી આવ્યા હતાં. તેમની ઓફિસમાંથી આ ટ્રસ્ટ આયોજીત મિલપરા કા મહારાજાની પત્રિકાઓ પણ મળી આવતાં આઇપીસી ૧૮૮ મુજબ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્લાસ્ટર ઓફ પેરિસની મુર્તિ વેંચતો દિનેશ પકડાયો

કોઠારીયા સોલવન્ટ રસુલપરા નજીક તિરૂપતી ડેરી સામે ઝૂપડામાં રહેતો મુળ રાજસ્થાનના પાલીના પ્રતાપગઢનો દિનેશ ભેરાભાઇ ભાટી (મારવાડી) (ઉ.વ.૨૫) ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરિસની મુર્તિઓ બનાવી વેંચાણ કરતો હોઇ તાલુકા પીએસઆઇ એન. ડી. ડામોર, હર્ષદસિંહ ચુડાસમા, અરજણભાઇ ઓડેદરા સહિતે આઇપીસી ૧૮૮ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(4:02 pm IST)