Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

આખરી મતદાર યાદીના ડેટામાં ભયંકર ક્ષતિઓ

પુરૂષના નામ સામે સ્ત્રીનો ફોટો અને સ્ત્રીના નામ સામે પુરૂષનો ફોટો : કયાંક એક જ પાનામાં બે બે વાર નામ : ગેરરીતીની ભીતી : કોંગ્રેસ મહામંત્રી મોહનભાઇ સોજીત્રાની ચુંટણી પંચને રજુઆત

રાજકોટ તા. ૨૨ : આખરી મતદાર યાદીના ડેટામાં ભયંકર ક્ષતિઓ રહી જવા પામી હોવા અંગે પૂર્વ ડે. મેયર અને શહેર કોંગ્રેસ મહામંત્રી મોહનભાઇ સોજીત્રાએ કલેકટર, જિલ્લા ચુંટણી અધિકારી, રાજય ચુંટણી પંચ આયોગને વિસ્તૃત રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે ૧૦ રાજકોટ સંસદીય મતદાર મંડળમાં સમાવિષ્ટ ૬૮ રાજકોટ વેસ્ટ, ૬૯ રાજકોટ વેસ્ટ, ૭૧ રાજકોટ સાઉથની મતદાર યાદીઓ વખતો વખત ક્ષતિ સુધારણા છતા અનેક નામો બેવડાયેલા છે. મરણ પામનારના નામો અંગે અગાઉ કરેલ રજુઆતો છતા કોઇ ફેરફાર નથી.

અનેક ક્ષતિઓ એવી પણ છે જેમાં પુરૂષના નામ સામે ફોટો સ્ત્રીનો અને સ્ત્રીના નામ સામે ફોટો પુરૂષનો જોવા મળે છે.

અમુક મતદારોના નામ જુદા જુદા મતદાર ક્રમાંકમાં નોંધાયેલા છે. જુદી જુદી સીરીઝ નંબરના ઓળખકાર્ડ જુદા જુદા અધિકારી દ્વારા ડેટા એન્ટ્રી મુજબ ઇશ્યુ થયા છે. બે બે ત્રણ ત્રણ મતદાર ઓળખકાર્ડના આધારે પાન કાર્ડ અને રેશનકાર્ડ પણ ડબલ થઇ શકવાની ગેરરીતીની પુરી આશંકા રહે છે.

વળી વિભાગ અને ભાગમાં પરિવારના ઘર નંબર પણ દર્શાવેલ નથી. જેના કારણે બીએલઓને ઘર ગોતવામાં તકલીફ પડી શકે અને મતદાર મતદાનથી વંચિત રહી જાય તેવુ બની શકે.

આ તમામ બાબતો ધ્યાનમાં લઇ ત્વરીત અસરથી ઘટતુ કરવા મોહનભાઇ સોજીત્રાએ માંગણી ઉઠાવી છે.

(3:14 pm IST)