Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

માતાજીની આરાધના આવકાર્ય, પણ ગરબીમાં ધૂણવાના રાસને તિલાંજલી દેજો : વિજ્ઞાન જાથા

રાજકોટ તા. ૨૨ : દેશભરમાં નવરાત્રિમાં માતાજીની આરાધના કરવામાં આવશે. માતાજીની ભક્‍તિ ભાવથી પૂજા અર્ચના કરવામાં આવે આરાધના કરવામાં આવે તે આવકાર્ય છે. પરંતુ પ્રાચીન ગરબીઓમાં ધૂણવાના રાસનું ચલણ ઘુસી ગયુ છે તે અયોગ્‍ય છે. તેમ ભારત જન વિજ્ઞાન જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવી આ નવરાત્રીમાં આવા ધૂણવાના રાસને સ્‍વૈચ્‍છિક સમજદારી દાખવી તિલાંજલી આપવા અપીલ કરી છે. તેઓએ જણાવ્‍યુ છે કે ધૂણવાનો રાસ બાળાઓ માટે તમામ પ્રકારે હાનીકારક હોય છે. બાળાને કાયમી અપંગતા આવી શકે. ગુગળ-અગરબતીના ધૂમાડા વચ્‍ચે ખુલ્લા વાળ રાખીને ડોકુ અનેક પ્રકારે હલાવવાનો પ્રયોગ કરવામાં આવે છે તે કૌતિક સર્જે છે. આવી વધુ પડતી કસરત અને ધુમાડાથી સર્જાતા અંગારવાયુ કે કાર્બન મોનોકસાઇડનું પ્રમાણ વધી જવાથી બેશુધ્‍ધ થઇ જવાના કે પડી જવાના બનાવો પણ બની શકે. ધૂણવાના કારણે માથાના ભાગે નિકળતી નસોને નુકસાન પહોંચી શકે. ભવિષ્‍યમાં માનસિક રોગો ડીસોસીએટીવ ડીસઓર્ડર, ઓબ્‍જેશન, હિસ્‍ટીરીયા થઇ શકે. ધૂણવુ કે સવારી આવવાની બાબતોને વિજ્ઞાન મહાડીંડક અને ધતિંગ માને છે. નવરાત્રી મહોત્‍સવ શ્રધ્‍ધા ભક્‍તિથી મનાવવામાં આવે માં અંબાની પૂજા અર્ચના કરવામાં આવે તે બધુ લેખે છે. બાકી ધૂણવાના રાસ બંધ કરવા ગરબી સંચાલકોએ સ્‍વયં જાગૃતિ દાખવવા વિજ્ઞાન જાથા દ્વારા અનુરોધ કરાયો છે. જાથાની અપીલને માન આપી ઘણા ગરબી સંચાલકો આવા રાસ બંધ કરવા નિર્ણય લઇ ચુકયા છે તેમને વિજ્ઞાન જાથા બિરદાવે છે. તેમ અંતમાં જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ જણાવ્‍યુ છે.

(3:46 pm IST)