Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

મદ્રાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અંગ્રેજી સાહિત્ય અંગે માર્ગદર્શન આપતા રાજકોટના ડો.ઇરોસ વાજા

ભારતની અનેક યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાન આપતા ડો.વાજા : ભૂતકાળમાં કેનેડા, અમેરિકા રશીયા, દુબઇ ખાતે પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચુકયા છે.

રાજકોટ, તા.૨૨: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી બોર્ડના ચેરમેન અને માતુશ્રી વીરબાઇમાં મહિલા કોલેજ રાજકોટના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો.ઇરોસ વાજા દ્વારા ડીપાર્ટમેન્ટ ઓફ ઇગ્લિશ, ડી.જી.વૈષ્ણવ કોલેજ, યુનિવર્સિટી ઓફ મદ્રાસ (ચેન્નઇ)ના પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓને 'અન્ડરસ્ટેન્ડિંગ ઓફ શેકસ્પીરિઅન ટ્રેજેડીઝ : જુલિયસ સીઝર, હેમ્લેટ એન્ડ ઓથેલો વિષય પર ઓનલાઇન માર્ગદર્શન અપાયું હતું.

અંગ્રેજી સાહિત્ય અને પત્રકારત્વ જેવી બબ્બે વિદ્યાશાખાઓમાં પીએચ.ડી.ની ડિગ્રીઓ ધરાવે છે એવા રાજકોટના પ્રોફેસર ડો.ઇરોસ વાજા (મો.૯૮૭૯૭ ૯૧૪૧૬) એ મદ્રાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે શેકસપિઅરના નાટકો આજે પણ એટલા જ પ્રસ્તુત અને મહત્વના છે કારણ કે તેમની કથા વસ્તુ દેશ, કાળથી પર છે.આશરે પાંચસો વર્ષ પહેલા લખાયેલી આ કૃતિઓ માનવ જીવનને આજે પણ સ્પર્શે છે. તેમના નાટકો આપણને માનવ જીવનના મૂલ્યની અને માનવીય સંબંધોની સૌથી મોટી સમજ  આપે છે. શેકસપિઅરના નાટકો દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં અનુવાદિત થયેલાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો.વાજાએ કેનેડા, રશિયા, અમેરિકા, દુબઇ જેવા દેશોના શૈક્ષણિક પ્રવાસો કરી ભારતનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધાર્યુ છે. તેઓ ઇન્ડિયન એસોસીએશન ફોર કેનેડિયન સ્ટડીઝ જેવી ૧૨૮ દેશોમાં ફેલાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાના એકઝેકયુટીવ કાઉન્સિલ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. પી એચ.ડી.ની ગાઇડશીપ ધરાવતા ડો.વાજાના સંશોધન પત્રો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના જર્નલ્સમાં પ્રકાશિત થતા રહ્યા છે. દેશ અને રાજય બહારની ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં ડો.વાજાના વ્યાખ્યાનો નિયમિત રીતે યોજાતા રહે છે.

(11:31 am IST)