Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગોંડલ રોડ પર ગેરેજ, મારબલ તથા સ્‍પેરપાર્ટસ સહિત દસેક દુકાનમાં ચોરીનો પ્રયાસ

તસ્‍કરોએ કંઇ ન મળતા તોડફોડ કરી : સીસીટીવી કેમેરા તોડી નાખ્‍યા : બે તસ્‍કરો કેમેરામાં દેખાયા

રાજકોટ,તા. ૨૩ : ગોંડલ રોડ પર આવેલ રવેચીનગર વિસ્‍તારમાં આવેલી અલગ અલગ દસેક જેટલી દુકાનોને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો. કંઇ હાથ ન લાગતા તસ્‍કરોએ દુકાનમાં ચીજવસ્‍તુઓ તેમજ સીસીટીવી કેમેરા તોડી નાખી નુકશાની કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પરિન ફર્નિચર પાછળ મહંમદીબાગ શેરી નં. ૧૦માં રહુતા રજાકભાઇ નુરમહંમદભાઇ દોઢીયા (ઉવ.૫૨)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, પોતે ગોંડલ રોડ પર રવેચીનગર શેરી નં. ૬ પાસે અભયસિંહ ચૌહાણના શેડમાં વિવેક એન્‍ટરપ્રાઇઝ નામે ઓટો સ્‍પેર પાર્ટનો વેપાર કરે છે. ગઇ કાલે ઘરે હતા ત્‍યારે સવારે ઉઠીને પોતપોતાના મોબાઇલમાં દુકાનમાં લાગેલા સીસીટીવી ફુટેજ જોતા દુકાનમાં સામાન વેરવીખેર જોતા પોતે તાકીદે દુકાને પહોંચી શટરના તાળા ખોલી અંદર જોતા દુકાનની પાછળની બારીમાંથી કોઇ અજાણ્‍યા શખ્‍સો પ્રવેશ કરી ચોરી કરવા આવેલા હોવાનું જાણવા મળ્‍યું હતું. બાદ પોતે દુકાનમાં રાખેલ ટેબલના ખાના ચેક કરતા કોઇ ચીજવસ્‍તુની ચોરી થઇ ન હોવાનું જણાવ્‍યું હતું. બાદ પોતે દુકાનની આસપાસ તપાસ કરતા મજીદભાઇ સુલેમાનભાઇ ડેલાના કારવા ગેરેજમાં ટેબલના ખાના તોડી તસ્‍કરોએ નુકશાન કર્યું હતું. તેમજ તેની બાજુમાં અભયસિંહ પથુભા ચૌહાણના તીરૂપતિ મોટર્સમાં, સંજયભાઇ મોહનભાઇ  દેવળીયાના ગેરેજમાં તસ્‍કરોએ ત્રણ કબાટ તોડી નાખ્‍યા હતા. બાદ સિરાજભાઇ ઓસમાણભાઇ સુમરાના નેશનલ કાર એ.સી. ગેરેજમાં કબાટ  અને સીસીટીવી કેમેરા તોડી નાખ્‍યા હતા. બાદ રાજેશભાઇ ભગવાનદાસભાઇ રામાવતની સદગુરૂ મારબલ દુકાનના દરવાજાના તાળા તેમજ મયુરભાઇ મગનભાઇ વિરોજાની મયુર ગ્રેનાઇટ નામની દુકાનનું અને સંજયભાઇ હેમરાજભાઇ ગાંગાણીની પટેલ ગ્રેનાઇટ એન્‍ડ સીરામીક દુકાનના તાળા તોડી સામાન વેરવીખેર કર્યો હતો. પરંતુ કોઇ ચીજવસ્‍તુની ચોરી થયાનું જણાયુ ન હતું. આ બનાવની જાણ કરતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ એચ.વી.સોમૈયા સહિતે સ્‍થળ પર પહોંચી રજાકભાઇ દોઢીયાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)