Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિતના દિગ્ગજો ભુંડે હાલ હાર્યા

મનસુખભાઇ કાલરીયા, અતુલ રાજાણી, ભરત મકવાણા, મોહન સોજીત્રા સહીતના નેતાઓની હારઃ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલા અને આપના આગેવાન શિવલાલ પટેલને પણ મતદારોનો જાકારો

રાજકોટ, તા., ૨૩: રાજકોટ મહાનગર પાલીકાની ચૂંટણીનું આજરોજ પરીણામ જાહેર થતા ફરી વખત ભાજપનો વિજય વાવટો ફરકયો છે અને કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. બપોરના ર વાગ્યા સુધીમાં ભાજપનો ૫૨ સીટ પર વિજય થતા કોંગ્રેસના શહેર પ્રમુખ અશોક ડાંગર, પુર્વ ડેપ્યુટી મેયર ભરત મકવાણા, મોહનભાઇ સોજીત્રા અને પુર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણી, ઉપનેતા મનસુખભાઇ કાલરીયા સહીતના દિગ્ગજ નેતાઓની હાર થવા પામી છે.  પ્રથમ વખત મહાનગર પાલીકાની ચુંટણીમાં આમ આદમીએ પણ ઝંપલાવ્યું હતું. જો કે  તેઓના ઉમેદવારો પણ હાર્યા છે. અમુક વોર્ડમાં કોંગ્રેસ કરતા વધુ મત 'આપ'ના ઉમેદવારોએ મેળવ્યા છે.

રાજકોટ સહીત ૬ મહાનગર પાલીકાઓની ચુંટણીની મત ગણતરી શહેરના ૬ સ્થળોએ કરવામાં આવી હતી. સવારથી જ ભાજપની પેનલો આગળ ચાલતી હતી. બપોરના ર વાગ્યા સુધીમાં ૧૩ જેટલા વોર્ડનું પરીણામ સતાવાર જાહેર થયું હતું.  જેમાં તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોઓનો વિજય થતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પુર્વ ડેપ્યુટી મેયર મોહનભાઇ સોજીત્રા અને ભરત મકવાણા, પુર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણી, પુર્વ વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયા સહીતના દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડયો છે. જયારે પ્રથમ વખત સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલા (પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન)  અને આપના આગેવાન શિવલાલ પટેલની પણ હાર થવા પામી છે. દરમિયાન રાજકોટના વોર્ડ નં. ૧૭માંથી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર પણ પોતાની પેનલ સાથે ચૂંટણી લડયા હતા. આ વોર્ડમાં અશોકભાઇ ડાંગરનું ઘણું વર્ચસ્વ જણાઇ રહયું છે ત્યારે પણ લોકોએ ભાજપમાં પુર્ણ વિશ્વાસ વ્યકત કરીને ભાજપની આખી પેનલને ખોબલે-ખોબલે મત આપ્યા હતા. પ્રથમ રાઉન્ડના અંતે જ ભાજપની આખી પેનલ ૭ હજારથી પણ વધુ મતથી આગળ નિકળતા અશોકભાઇ ડાંગરે  મત ગણતરી પુર્ણ થાય તે પહેલા જ હાર સ્વીકારી લીધી હતી અને લોકોના ચુકાદાને શિરોમાન્ય ગણ્યો હતો. અશોકભાઇ ડાંગર પ્રથમ રાઉન્ડના અંતે જ મત ગણત્રી કેન્દ્ર છોડીને જતા રહયા હતા.

(4:03 pm IST)