Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રાજકોટ બાર એસો. અને બેંચ વચ્‍ચેના પ્રશ્ને સુખદ સમાધાન : ડીસ્‍ટ્રીકટ જજનો પરિપત્ર પાછો ખેંચાયો

એડવોકેટ કે.ડી.શાહ સામેના કન્‍ટેમના પ્રોસીડીંગ્‍સ વિડ્રો કરી મેટર ફાઇલ કરવા નિર્ણય : પરિપત્ર પાછો ખેંચાતા વકીલ આંદોલનનો સુખદ અંત

રાજકોટ તા. ૨૩ : રાજકોટમાં બાર અને બેંચ વચ્‍ચે તાજેતરમાં થયેલ વિવાદના સંદર્ભે ગત તા. ૨૧ના રોજ રાજકોટ અને ગોંડલ, જેતપુર, જસદણ સહિતની કોર્ટોમાં વકીલોએ કામગીરીનો બહિષ્‍કાર કર્યા બાદ આજે રાજકોટ બાર એસો.ની જનરલ બોર્ડમાં ડીસ્‍ટ્રીકટ જજ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર પાછો ખેંચાતા વકીલ હડતાલનો સુખદ અંત આવ્‍યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના એડવોકેટ કે.ડી.શાહ વિરૂધ્‍ધ કોર્ટ દ્વારા થયેલ કન્‍ટેમ અંગેની કાર્યવાહી બાદ રાજકોટ બાર એસો. દ્વારા ગત તા. ૨૧મીએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્‍કાર કરવામાં આવ્‍યો હતો. જેના પગલે રાજકોટ, જસદણ, જેતપુર, ગોંડલ, ધોરાજી સહિતની કોર્ટોમાં વકીલોએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્‍કાર કર્યો હતો.

દરમિયાન આજે સવારે ડીસ્‍ટ્રીકટ જજ દ્વારા વિવાદી પરિપત્ર પાછો ખેંચાતા તેમજ એડવોકેટ કે.ડી.શાહ વિરૂધ્‍ધ થયેલ કન્‍ટેમના પ્રોસીડીંગ્‍સ વિડ્રો કરી ફાઇલ કરવાનો નિર્ણય લેવાતા આજે મળેલ રાજકોટ બાર એસો.ની જનરલ બોર્ડની બેઠકમાં વકીલ આંદોલનનો અંત આવ્‍યો હતો.

વધુમાં રાજકોટમાં ઘંટેશ્વર ખાતે નવું કોર્ટ બિલ્‍ડીંગ બનેલ હોય તેમાં વકીલોની વિવિધ સુવિધાઓ અંગે વારંવાર રજૂઆતો થયેલ હોય આ બાબતે હાઇકોર્ટના રાજકોટ જિલ્લાના યુનિટ જજ રાજકોટ આવે ત્‍યારે તેમની સાથે મીટીંગ કરવાનું જનરલ બોર્ડમાં નક્કી થયાનું જાણવા મળે છે. જેમાં સુવિધા અંગેના પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ડીસ્‍ટ્રીકટ જજ દ્વારા બહાર પડાયેલ પરિપત્રના વિરોધમાં વકીલોએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્‍કાર કરીને પરિપત્રની હોળી કરી હતી.

દરમિયાન આજે બાર એસો.ના પ્રમુખ લલિતસિંહ શાહીની આગેવાનીમાં મળેલ જનરલ બોર્ડની બેઠકમાં ડીસ્‍ટ્રીકટ જજ દ્વારા પરિપત્ર પાછો ખેંચાયાનું જણાવતા વકીલ આંદોલનનો સુખદ અંત આવ્‍યો હતો

(3:36 pm IST)