Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ઇકો કારમાં મુસાફરોના ખીસ્‍સા હળવા કરતી ત્રિપુટીને ક્રાઇમ બ્રાંચે ગવરીદડ પાસેથી દબોચી

હેડ કોન્‍સ. ધર્મેશભાઇ ડાંગરની બાતમી : સુરેશ ડાભી, દિનેશ ડાભી અને કિશન વાંજાની ધરપકડ : દોઢ મહિનામાં છ મુસાફરોના પાકીટ ચોરી કર્યાની કબુલાત

રાજકોટ તા. ૨૩ : શહેરની બેડી ચોકડી પાસે ઇકો કારમાં બેઠેલા વાલ્‍મીકી વાડીના યુવાનની નજર ચૂકવી તેના ખીસ્‍સામાંથી છ હજારની રોકડ સાથેનું પાકીટ સેરવી લેનારા ત્રણ શખ્‍સોને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં રીક્ષા તથા પેસેન્‍જર વાહનોમાં બેસાડી મુસાફરોના પાકીટ ચોરીના બનતા બનાવો અટકાવવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, જોઇન્‍ટ પોલીસ કમિશનર શ્રી સૌરભ તોલંબીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.સી.સાકરીયા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે આઠ દિવસ પહેલા બેડી ચોકડી પાસે ઇકો કારમાં બેઠેલા પ્રજ્ઞેશભાઇ જેઠવાના ખીસ્‍સામાંથી રોકડ ભરેલા પાકીટની ચોરી કરનારા શખ્‍સો ગવરીદડ ગામ પાસે હોવાની હેડ કોન્‍સ. ધર્મેશભાઇ ડાંગરને બાતમી મળતા ગવરીદડ ગામમાંથી સુરેશ હરીભાઇ ડાભી (ઉ.૩૫) દીનેશ હરીભાઇ ડાભી (ઉ.વ.૨૨) (રહે. બંને બાપા સીતારામ ચોક જય જવાન જય કિશાન સોસાયટી) અને ગવરીદડ ગામમાં રહેતો કિશન મગનભાઇ વાંજા (ઉ.વ.૨૨)ને પકડી લઇ જીજે૩એલબી-૧૪૯૫ નંબરની ઇકો કાર કબ્‍જે કરી હતી. પોલીસની પૂછપરછમાં ત્રણેય શખ્‍સોએ દોઢ મહિનામાં મોરબી - માળીયા વચ્‍ચે કુલ છ મુસાફરોના રોકડ સાથેના પાકીટ ચોરી લીધાની કબુલાત આપી હતી. સુરેશ ડાભી ઇકો કાર ચલાવતો અને દિનેશ ડાભી અને કિશન વાંજા ઇકોના દરવાજા પાસે બેસતા હતા અને દીનેશ ઇકોમાંથી ઉતરી જતો અને મુસાફરને વચ્‍ચે બેસાડી તેની નજર ચુકવી રોકડ સાથેનું પાકીટ સેરવી લીધા બાદ મુસાફરને બહાનુ કરી ઇકોમાંથી ઉતારી દેતા હતા. સુરેશ ડાભી ડ્રાઇવીંગ તથા બકાલુ વેચે છે. કિશન વાંજા વાહનમાં ગ્રીસ કરવાનું કામ કરે છે. આ કામગીરી પીએસઆઇ ડી.સી.સાકરીયા, હેડ કોન્‍સ. અશોકભાઇ કલાલ, ધર્મેશભાઇ ડાંગર, હરદેવસિંહ રાઠોડ, કોન્‍સ. જયપાલભાઇ બરાલીયા અને શૈલેષભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

(3:37 pm IST)