Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

તાલુકાવાર ૫૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ : ઉત્‍સાહવર્ધક પરિણામ

૧૫ ઓગષ્‍ટ સુધીમાં ૧૦-૧૦ ગામ દિઠ પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષકો તાલીમ આપશે : ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ધારાસભામાં સંકલ્‍પ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૨૩ : ધારાસભ્‍ય હિરાભાઇ સોલંકીએ ગૃહમાં પ્રાકૃતિક ખેતીનો સંકલ્‍પ રજુ કરતા કહ્યું કે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજયએ સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આજે આપણા રાજય એ દેશના વિકસિત અને સક્ષમ રાજય તરીકેની સિધ્‍ધિ હાંસલ કરીને દેશના બાકીના રાજયો માટે દીવાદાંડીરૂપ કાર્ય કરેલ છે. ત્‍યારે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના થતા વધુ પડતા ઉપયોગના કારણે કૃષિ ક્ષેત્રે વધી રહેલ દરેક સમસ્‍યાઓનું સમાધાન છે, ‘પ્રાકૃતિક ખેતી'

ગુજરાત સરકારના કૃષિ વિભાગના ‘આત્‍મા' પ્રોજેકટ થકી સંલગ્ન ખાતાઓ તેમજ આ પધ્‍ધતિથી સ્‍વયં ખેતી કરવા તેના જાણકાર ખેડૂત સંયોજકો થકી પ્રત્‍યેક તાલુકામાં ૫૦૦ ખેડૂતોને આ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. જેના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને આ પધ્‍ધતિના ઉત્‍સાહજનક પરિણામો સામે આવી રહ્યા છે. આગામી તા. ૧૫ ઓગષ્‍ટ સુધીમાં રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્‍સાહન આપી આગળ વધારવા દરેક તાલુકાના ૧૦ ગામ દીઠ એક પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક દ્વારા ખેડૂતોને તાલીમ આપીને ચોક્કસ દિશામાં એક જન આંદોલન હાથ ધરવું જરૂરી જણાય છે. આ પધ્‍ધતિમાં દેશી ગાયનું ખૂબ મહત્‍વ છે.

આમ, આપણા રાજયના ખેડૂતોને કૃષિ ક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા, કુદરતી સંશાધનોની જાળવણીની સાથે રાસાયણિક ખાતરમુકત ખેત પેદાશોનું ઉત્‍પાદન વધારવા અને તેના ઉપયોગ થકી રાજયની જનતાના આરોગ્‍યમાં ઉત્તરોતર વધારો થાય તેવા આશય સાથે આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિતે રાજયનું પ્રત્‍યેક ગામ આ પ્રાકૃતિક કૃષિના જન આંદોલનમાં જોડાય અને તે માટે જરૂરી તમામ પગલાં ભરે તે માટે આ સભાગૃહ રાજય સરકારને અનુરોધ કરે છે. તેમ હીરાભાઇ સોલંકીએ વિધાનસભામાં સંકલ્‍પમાં જણાવ્‍યું હતું.

(3:58 pm IST)