Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

રાજકોટ હનુમંત ભક્‍તિમાં ઓળઘોળ : વાજતે ગાજતે શોભાયાત્રા

૧૦૦૮ કાર-બાઇકના કાફલા સાથે સાંજે શોભાયાત્રાને પ્રસ્‍થાન : શેરીએ શેરીએ દાદાના મંદિરોમાં અનેરા શણગાર : પાઠ-પૂજા-પ્રસાદના આયોજનો

 

રાજકોટ તા. ૨૩ : આજે હનુમાન જયંતી નિમિતે રાજકોટ દાદાની ભક્‍તિમાં ઓળઘોળ બન્‍યુ છે. શહેરભરમાં આવેલ દાદાના મંદિરોને અનેરા શણગાર સાથે સવારથી જ પાઠ-પૂજા-આરતી અને પ્રસાદના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

ભુપેન્‍દ્રરોડ ખાતેના શ્રી બાલાજી મંદિરે આજે ૫૧ કુંડી મહામારૂતિ યજ્ઞ યોજી ધ્‍વજા આરોહણ કરાયુ હતુ. સાંજે મહાઆરતી આતશબાજીના કાર્યક્રમો આયોજીત કરાયા છે. દરમિયાન શ્રી ફાઉન્‍ડેશન અને શેર વીથ સ્‍માઇલ એનજીઓ સહીતની સંસ્‍થાઓના સંયુકત ઉપક્રમે આજે ૧૦૦૮ કાર અને બાઇકના કાફલા સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. જેને સાંજે ૪.૩૦ વાગ્‍યે ચૌધરી હાઇસ્‍કુલ ખાતેથી પ્રસ્‍થાન કરાવવામાં આવેલ. અહીંથી ત્રિકોણબાગ, કોર્પોરેશન ચોક, મકકમ ચોક, ગોંડલ રોડ, આનંદ બંગલા ચોક, મવડી, બાલાજી હોલ, નાનામવા સર્કલ, મોકાજી સર્કલ થઇ સ્‍પીડવેલ ચોક ખાતે સમાપન થશે.

એજ રીતે શ્રી બડા બજરંગ મિત્ર મંડળ દ્વારા પણ હનુમાનજી મહારાજની નગરયાત્રાનું આયોજન કરાયુ છે. આ યાત્રા શ્રી બડાબજરંગ હનુમાનજી મંદિર રામનાથપરા-૧૬ ખાતેથી આજે સાંજે પ્રારંભ થઇ છે. અહીંથી ગરૂડની ગરબી ચોક, વિરાણી વાડી રોડ, હાથીખાના મેઇન રોડ, કેનાલ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી ચોક, પેલેસ રોડ , કરણપરા ચોક, પ્રહલાદ મેઇન રોડ થઇ ભુપેન્‍દ્ર રોડ શ્રી બાલાજી હનુમાન મંદિરે સમાપન પામશે.

શ્રી હનુમાન જયંતી નિમિતે રાજકોટ આખુ ભક્‍તિરસમાં ઓળઘોળ બન્‍યુ છે. ઠેરઠેર બટુક ભોજન અને મહાપ્રસાદના આયોજનો પણ થયા છે.

(3:58 pm IST)