Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

આજે ૨૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ વાંચે રાજકોટ : ૯ લાઇબ્રેરી : ૩૫૯૧૬ સભ્યો, ૩.૧૧ લાખ પુસ્તકો - રમકડા

જ્યારે નમાવવાનું થયુ મસ્તક, ત્યારે યાદ આવ્યા પ્રિય પુસ્તક: શહેરમાં વિવિધ વિસ્તારોમાં માત્ર વાંચવાની સુવિધા માટે ૬ વાંચનાલયો : સેંકડો લાભાર્થી : ૨ મોબાઇલ લાયબ્રેરી શહેરના વિવિધ વિસ્તારોમાં ઘુમે છે : નાનામવા રોડ પર મહિલા મલ્ટી એકવીટી સેન્ટરમાં બહેનો માટે ખાસ વાંચનાલય બનાવાયુ : વિદ્યાર્થીઓ માટે ખાસ બે એજ્યુકેશન મોબાઇલ પુસ્તકાલય : ૫ હજાર સભ્ય ૩૬ હજાર પુસ્તકો : કોર્પોરેશન દ્વારા કેનાલ રોડ પર પ્રથમ પુસ્તકાલય ૧૯૮૪માં બનાવાયુ હવે તે શિક્ષણ સમિતિ સંકુલમાં સ્થળાંતર કરાશે

યુનેસ્કોએ ૨૩ એપ્રિલ ૧૯૯૫ના રોજ પ્રથમ વખત વિશ્વ પુસ્તક દિવસની શરૃઆત કરી હતી : લોકોના મનમાં પુસ્તકો પ્રત્યેના પ્રેમને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે

રાજકોટ તા. ૨૩ : પુસ્તક એ જ્ઞાનની વાવ છે અને સાચા મીત્રની ગરજ સારે છે જે દરેક પરિસ્થિતિમાં માર્ગદર્શન આપી જીવનના અનેક પડાવમાં મદદરૃપ થાય છે. પુસ્તકોથી જ લોકો સંસ્કૃતિ, ઇતિહાસ અને જ્ઞાન-વિજ્ઞાન સાથે જોડાયેલા રહે છે. આ બાબત દરેકે અનુભવી હશે. તેથી જ આજે પણ લાયબ્રેરીઓનું સ્થાન માનવજીવનમાં જળવાયેલુ રહ્યું છે. જોકે વર્તમાન પેઢીને હવે પુસ્તકોના પાના ફેરવવાને બદલે મલ્ટીમીડિયા થકી ઝડપી જ્ઞાન મેળવવામાં રસ છે. કેમકે રાજકોટમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા સંચાલીત ૯ જેટલી લાયબ્રેરીઓમાં ૨.૩૨ લાખ પુસ્તકોનો જથ્થો છે અને સભ્યો ૨૭ હજાર છે.

પુસ્તકો માત્ર તત્વજ્ઞાનનો છે. લાયબ્રેરીઓમાં અભ્યાસલક્ષી, સ્પર્ધાત્મકલક્ષી, નોવેલકથાઓ, ઇતિહાસીક, ખગોળીય, કાવ્યાત્મક, સર્જનાત્મક, વિજ્ઞાનલક્ષી, ધાર્મિકગ્રંથો, મેગેઝીન, અખબારો, હાસ્ય લેખકોની હળવી રચનાઓના પુસ્તકો આ પ્રકારે જીવનના દરેક રસનું સાહિત્ય પુરૃ પાડતા અવનવા પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. રાજકોટ કોર્પોરેશનની જુની અને નવી અદ્યતન લાયબ્રેરીઓની હાલથી સ્થિતિ દર્શાવતા આંકડાઓ આ મુજબ છે.

પ્રથમ લાયબ્રેરી

કોર્પોરેશન દ્વારા ૧૯૮૪માં કેનાલ રોડ પર પ્રભાદેવી જે. નારાયણ પ્રથમ લાયબ્રેરી શરૃ કરવામાં આવી છે. હવે આ પુસ્તકાલયના સ્થળનું કરણપરામાં આવેલ શિક્ષણ સમિતિ સંકુલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં આજ સુધીમાં પુસ્તક, મેગેઝીન, રમકડા, નેટ કલબ સહિતના કુલ ૪૬૦૦ સભ્યો છે. આ લાયબ્રેરીમાં કુલ ૪૧,૯૨૦ પુસ્તકો છે. તદ્ઉપરાંત ૩૦૩૮ રમકડા, મેગેઝીન, ડીવીડી ઉપલબ્ધ છે.

અદ્યતન લાયબ્રેરી

શહેરના વોર્ડ નં. ૨ના શ્રોફ રોડ વિસ્તારમાં ૧૦ નવેમ્બર ૨૦૧૪થી દતોપંત ઠેંગડી પુસ્તકાલય શરૃ કરવામાં આવ્યું છે. આ પુસ્તકાલયમાં પુસ્તક, રમકડા, નેટ કલબ, મેગેઝીન, વાંચનાલય ખંડમાં ૯ હજાર સભ્યો ધરાવે છે. જેમાં ૫૫ હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. અત્રે નોંધનીય છે, શ્રોફ રોડ પુસ્તકાલયમાં વાંચનાલય ખંડમાં ઘસારો જોવા મળતા ત્રીજા માળનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

જ્યારે શહેરના રૈયા રોડ પર વોર્ડ નં. ૯ની ઓફિસ બાજુના વિસ્તારમાં ૨૦ જુલાઇ ૨૦૧૯થી બાબુભાઇ વૈદ્ય પુસ્તકાલય શરૃ કરવામાં આવ્યું છે. આ આધુનીક બે માળની લાયબ્રેરીમાં પુસ્તક, રમકડા, નેટ કલબ, મેગેઝીન, વાંચનાલય ખંડમાં ૯ હજાર સભ્યો ધરાવે છે. જેમાં ૫૬ હજારથી વધુ પુસ્તકો છે.

ફરતા પુસ્તકાલય

શહેરના બહેનો, બાળકો અને વિદ્યાર્થીઓને પુસ્તકોનો લાભ મળે તે માટે મહિલાઓ તથા બાળકો માટે ૨ મોબાઇલ લાયબ્રેરી શરૃ કરવામાં આવી છે જે નક્કી કરેલ દિવસ, સમય અને સ્થળ પર શહેરના વિવિધ વિસ્તારમાં ફરે છે.

મહિલાઓ અને બાળકો માટે બે મોબાઇલ લાયબ્રેરી ઉપલબ્ધ છે. જેમાં ૫ હજાર સભ્યો છે અને વિવિધ પ્રકારના ૩૬,૦૦૦ પુસ્તકો ઉપલબ્ધ છે.ઙ્ગ

લાયબ્રેરી સ્ટાફનું સુંદર સંચાલન

નોંધનિય છે કે, લાયબ્રેરીઓનો હવાલો સંભાળતા અધિકારી નરેન્દ્ર આરદેશણાએ અંગત રીતે શ્રોફ રોડ સહિતની લાયબ્રેરીઓમાં દિવસ - રાત એક કરીને વાંચકો માટે દરેક પ્રકારના પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો, ઇન્ટરનેટ સુવિધા, મીની થિયેટર, રેર ફિલ્મ સીડી ડ્રાઇવ, ઐતિહાસિક - ધાર્મિક સિરિયલોની વીડીયો કેસેટ સહિતનો ખજાનો ઉપલબ્ધ બનાવ્યો છે. પરિણામે આજે આ લાયબ્રેરી લોકપ્રિય થઇ રહી છે. આ ઉપરાંત આ સિસ્ટન્ટ લાયબ્રેરીયન શ્રી દેત્રોજા, રાજુલબેન શાહ (ટોયઝ લાયબ્રેરી) સહિતના સ્ટાફ લાયબ્રેરીનું સંચાલન સુપેરે સંભાળી રહ્યા છે.

નવી પેઢીને પુસ્તકોના પાનામાં નહી, ઇન્ટરનેટમાં વધુ રસઃ મલ્ટીમિડીયામાં ૫ હજાર સભ્યો

'પુસ્તકો' સારા મિત્રની ગરજ સારે છે. એકલતામાં એક સાચા સાથી તરીકે સાત આપે છે પરંતુ હવે ડીજીટલ યુગ આવ્યો છે. ઇન્ટરનેટની જાળથી દુનિયા હવે ખરેખર લોકોની મુઠ્ઠીમાં સમાવા લાગી છે ત્યારે માત્ર આંગણીના ટેરવાથી ગણતરીની સેકન્ડમાં જ જે જોઇએ તે માહિતી માર્ગદર્શન મળવા લાગ્યું છે સ્વાભાવિક છે.

આજની નવી પેઢી હવે પુસ્તકોના પાના ઉથલાવવામાં સમય ન બગાડે એટલે જ મ્યુ. કોર્પોરેશનની ત્રણ અદ્યતન લાઇબ્રેરીના મલ્ટીમિડીયા વિભાગમાં ૪ હજાર જેટલા સભ્યો નોંધાયા છે. આ વિભાગમાં ઓનલાઇન ઇન્ટરનેટ સુવિધા ઉપરાંત સીડી ડ્રાઇવ, ફિલ્મો, ગીત-સંગીત, સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન, વ્યવસાયલક્ષી માર્ગદર્શન સહિતના જ્ઞાનનો અખૂટ ભંડાર ઉપલબ્ધ બને છે. આથી હવે મલ્ટીમિડીયા અને ઇન્ટરનેટનો ક્રેઝ વધી રહ્યો હોવાનું નોંધાઇ રહ્યું છે.

ભુલકાઓમાં પ્રિય બની

રહી છે રમકડા લાયબ્રેરીઃ

૫૭૦૦થી વધુ બાળસભ્યો

મ્યુ. કોર્પોરેશન દ્વારા બાળકો માટે ખાસ ત્રણ રમકડા લાયબ્રેરી બનાવાઇ છે જે બાળકોમાં પ્રિય બની રહી છે. શ્રોફ રોડ અને કેનાલ રોડ ખાતેની લાયબ્રેરીઓમાં આ રમકડા વિભાગો છે. આ વિભાગમાં ૧૨ વર્ષ સુધીના બાળકોને મનગમતા ઇલેકટ્રોનિકસ રમકડાઓ, વિવિધ ગેમ્સ, સ્પોર્ટસ માટે આવતા રમકડાઓ, મોટર વગેરે પ્રકારના અવનવા વિવિધ રમકડાઓનો ખજાનો ઉપલબ્ધ બનાવાયો છે. જેને બાળકો ઘરે લઇ જઇ અને અઠવાડિયા સુધી રાખીને પરત લાયબ્રેરીમાં જમા કરાવી દયે છે. હાલમાં બંને લાયબ્રેરીમાં મળીને કુલ ૫ હજારથી વધુ રમકડાઓ છે અને ૬ હજાર જેટલા બાળકો આ રમકડા લાયબ્રેરીના સભ્ય છે.

 

મનપાના પુસ્તકાલય વિશે રસપ્રદ માહિતી

      લાયબ્રેરી            સ્થાપના       હાલ કેટલા      સભ્ય

                          કયારે થઇ    પુસ્તક ઉપલબ્ધ          સંખ્યા

શ્રીમતિ પ્રભાદેવી જે      ૨૬/૮/૧૯૮૫   ૪૧૯૨૦      ૪૬૭૭

નારાયણ - કેનાલ રોડ  

દંતોપત ઠેગડી           ૧૦/૧૧/૨૦૧૪  ૫૫૬૬૯      ૯૭૯૧

શ્રોફ રોડ

બાબુભાઇ વૈદ્ય           ૨૦/૦૭/૨૦૧૯  ૫૬૯૮૭      ૯૨૪૬

વોર્ડ નં. ૯ની ઓફિસ સામે

ડો. આંબેડકર ભવન     ૧૪/૨/૨૦૧૮   ૨૧૦૨૫      ૩૫૭

જિલ્લા ગાર્ડન

મહિલા વાંચનાલય       ૪/૮/૨૦૧૬     ૧૩૮૦        -

નાનામવા સર્કલ

મહાત્મા ગાંધી            ૩૦/૯/૨૦૧૮   ૨૮૫૬        -

મ્યુઝિયમ વાંચનાલય

ફરતા પુસ્તકાલય        ૨૬/૧/૧૯૮૪   ૨૦૩૭૯      ૨૯૪૭

યુનિટ-૧

ફરતા પુસ્તકાલય        ૨૫/૮/૧૯૯૦   ૧૮૩૨૨      ૧૯૭૧

યુનિટ-૨

 

(3:51 pm IST)