Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

બપોર બાદ ૧૦ હજાર ઇવીએમ-વીવીપેટ તથા ૭૦૦ માઇક્રો ઓબ્‍ઝર્વરનું બીજુ રેન્‍ડેમાઇઝેશનઃ પ્રભવ જોષી

માઇક્રો ઓબ્‍ઝર્વરમાં તમામ સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટ-એલઆઇસી-બેન્‍કનો સ્‍ટાફ લેવાયો : આ તમામ ડાયરેકટ ઓબ્‍ઝર્વરને રીપોર્ટ કરશેઃ મતદાનના દિવસે ૧૧૧૮ બૂથનું વેબકાસ્‍ટીંગઃ કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે સ્‍પે. કન્‍ટ્રોલ રૂમ

રાજકોટ તા. ર૩ : રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી સંદર્ભે કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે ‘અકિલા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્‍યું હતું કે, આજે બપોરે ૩-૩૦ કલાકે ઓર્બ્‍ઝવર તથા રાજકીય પક્ષોના ઉમેદવાર અને તેમના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં કલેકટર કચેરી ખાતે ૧૦ હજાર જેટલા ઇવીએમ-વીવીપેટનું બીજુ રેન્‍ડમાઇઝેશન થશે, અને આ સાથે કયુ મશીન કયા બૂથમાં જશે તે ફાઇનલ થશે.

શ્રી પ્રભવ જોષીએ ઉમેર્યુ હતું કે આ ઉપરાંત ૭૦૦ માઇક્રો ઓબ્‍ઝર્વરનું પણ બીજુ રેન્‍ડેમાઇઝેશન થશે. આ માઇક્રો ઓબ્‍ઝર્વર અત્‍યારે તથા મતદાનના દિવસે ડાયરેકટ ઓબ્‍ઝર્વરને રીપોર્ટ કરશે, જેમાં મોકપોલ બરાબર થયું કે, સંવેદનશીલ બૂથ, વન ટેબલ વિસ્‍તાર કે બૂથ હોય તો તે તમામ બાબતો ઉપર વોચ રાખશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે માઇક્રો ઓબ્‍ઝર્વરમાં સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટનો સ્‍ટાફ, એલઆઇસી, બેંકોનો સ્‍ટાફ લેવાયો છે.

કલેકટરે જણાવેલ કે કુલ રર૩૬ માંથી ૧૧૧૮ બૂથોનું વેબ કાસ્‍ટીંગ થશે, કલેકટર પોતે આ તમામ બૂથોનું મતદાન લાઇવ કવરેજ જોશે, આ માટે કલેકટર કચેરીના ત્રીજા માળે હોલમાં વેબકાસ્‍ટીંગ અંગેનો અને કોમ્‍યુનિકેશન અંગેનો સ્‍પે. કન્‍ટ્રોલ રૂમ ઉભો કરાશે. જે માટે તૈયારીઓ ચાલી રહી છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, ગઇકાલે રાત્રે જ ૪૭ હજાર પોસ્‍ટલ બેલેટ પેપર છાપવા આપી દેવાયા છે, જે આજે સાંજ સુધીમાં આવી જશે, જેમાં રર૩૬ બૂથો ઉપર એક એક બેલેટ પેપર લગાડાશે, આ ઉપરાંત દરેક બૂથ ઉપર ર૦-ર૦ અલગથી બેલેટ પેપર અપાશે, કોઇ મત અંગે ચેલેન્‍જ થાય તો ત્‍યારે ઉપયોગમાં લઇ શકાય.

અને બાકીના પોસ્‍ટલ બેલેટ પેપરનો ઉપયોગ ૧૮ થી ૧૯ હજાર ચૂંટણી કામમાં રોકાયેલા સ્‍ટાફના મતદાન અંગે લેવાશે.

દરમિયાન કલેકટર કચેરીના ટોચના અધિકારી સૂત્રો અને રાજકોટ શહેર - જીલ્લા પોલીસ તંત્રના ટોચના અધિકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ બેઠકની ચૂંટણી અંગે ૧ર થી વધુ અર્ધ લશ્‍કરી દળોની કંપની ફાળવાશે, એક કંપનીમાં ૮૦ થી ૧ર૦ જવાનો હોય છે, સાધનોએ ઉમેર્યુ હતું કે રાજકોટ શહેર માટે માત્ર ૩ કંપની આવવાની શકયતા છે, જો કે, ફાઇનલ વિગતો રાજયના ડીજી ફાઇનલ કરે પછી જાહેર થવાની શકયતા છે.

(3:57 pm IST)