Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

સામાકાંઠે ર૩ સ્‍થળોએથી છાપરા-ઓટલાનો કડુસલો

પેડક ચોકથી સંત કબીર રોડ દૂધેશ્વર વોંકળા કાંઠા સુધીમાં માર્જીન-પાર્કીંગની જગ્‍યામાં થયેલ ગેરકાયદે દબાણો હટાવી ૧૮પ૦ ચો. ફુટ જગ્‍યા ખુલ્લી

રાજકોટ તા. ૨૨:  શહેરના મુખ્‍યમાર્ગો ઉપર પાર્કિંગની સમસ્‍યા દુર કરવા દુકાનો તેમજ વ્‍યાપારી સંકુલોના માર્જીન - પાર્કિંગમાંથી છાપરાઓ - ઓટલાઓ ઉપર ફરી બુલડોઝર ફેરવી જગ્‍યા ખુલ્લી કરવામાં આવી રહી છે. જે અન્‍વયે મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે સવારે સામાકાંઠે વોર્ડ નં. પ માં પેડક રોડ ઉપરના ર૩ સ્‍થળોએથી છાપરા, ઓટલાનું ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવતા પાર્કીગ-માર્જીનની  ૧૮પ૦ ચો. ફુટ જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.

 શહેરના રાજય માર્ગો પર બહાર પાર્કિંગની જગ્‍યામાં છાપરા - ઓટલાના દબાણો થઇ ગયા છે એટલું જ નહી શહેરનાં અન્‍ય વિસ્‍તારોના મુખ્‍યમાર્ગો ઉપર પણ આજ સ્‍થિતિ છે.

જેનાં કારણે દુકાનોમાં આવનાર ગ્રાહકો રોડ ઉપર વાહન પાર્કિંગ કરે છે અને આડેધડ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિકજામ થઇ જાય છે.  આ સમસ્‍યા ઉકેલવા  શહેરના બજાર વિસ્‍તારો જેવા કે ગુંદાવાડી, પરાબજાર, સદરબજાર, યાજ્ઞીક રોડ, રેસકોર્ષ રીંગ રોડ, ગોંડલ રોડ, કેનાલ રોડ વગેરે રસ્‍તાઓ ઉપર માર્જીન અને પાર્કિંગની જગ્‍યામાંથી છાપરાઓ તેમજ ઓટલાઓ અને વ્‍યાપારી દ્વારા ફુટપાથ કે પાર્કિંગની જગ્‍યામાં રખાયેલ ચીજવસ્‍તુઓના દબાણો દુર કરવા વન વીક વન રોડ કડક ઝુંબેશ અંતર્ગત  દર મંગળવારે એક ઝોનમાં એક મુખ્‍ય માર્ગે પરના છાપરા-ઓટલાના દબાણો દુર કરવામાં આવી રહયા છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મ્‍યુનિ. કમિશ્નર આનંદ પટેલની સુચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પરવાહન પાર્કિંગની સમસ્‍યાને અંતર્ગત મંજુર કરાયેલ એકશન પ્‍લાન અંતર્ગત મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજ તા. ૨૩ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના સેન્‍ટ્રલ ઝોન વિસ્‍તારના વોર્ડ નં. પ માં સમાવિષ્ટ - પેડક રોડ, પેડક ચોકથી સંત કબીર રોડ દૂધેશ્વર વોંકળા કાંઠા સુધીના  રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જે અન્‍વયે કુલ ર૩ સ્‍થળોએ થયેલ છાપરા,ઓટાનું દબાણ દુર કરી પાર્કિંગ,માર્જીનની  ૧૮પ૦ ચો. ફુટ જગ્‍યા ખુલ્લી કરવામાં આવી છે.

(3:32 pm IST)