Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

વોર્ડ નં. ૧ ના વર્ધમાનનગરમાં પાણી, લાઇટ, સફાઇ, ગટર, બસ સેવા કયારે મળશેઃ સ્‍થાનીકોમાં રોષ

જાગૃત નાગરીક દ્વારા મ્‍યુ. કમિશ્‍નરને પત્ર લખી પ્રાથમીક સુવિધા આપવા માંગ

રાજકોટ તા. ર૩: શહેરમાં વોર્ડ નં. ૧ માં નવા ભળેલા વિસ્‍તારોમાં લોકોને પ્રાથમીક સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. નવા ૧પ૦ ફુટ રીંગ રોડ સ્‍થિત વર્ધમાન નગરમાં મનપા દ્વારા પાણી, ભુગર્ભ ગટર, સફાઇ, લાઇટ તથા બસ સેવાને લઇને જાગત નાગરીક સતિષભાઇ મહેતાએ મ્‍યુ. કમિશ્‍નરને પત્ર લખી સુવિધા આપવા માંગ કરી છે.

પત્રમાં જણાવ્‍યા મુજબ આ એરિયા અર્બન-એલગલમરેશન એકટ નીચે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં ભળેલ છે. અમો નવા વેરા પ્રમાણે વેરો પણ ચુકવતા આવીએ છીએ. હમણાંજ આ વર્ષે ટલેક્ષમાં ધરખમ વધારો કરેલ છે પરંતુ તેની સામે ખાસ કોઇ સગવડતા મળતી નથી. કોર્પોરેશનના અધિકારીઓ કોઇપણ પ્રશ્‍નને સકારાત્‍મક રીતે વિચારીને ઉકેલ આપતા નથી. હમણાં હમણાં નવી પાણીની પાઇપ લાઇન નાખવાનું કામ શરૂ થયેલ છે જે એકદમ કાચબાની ગતિએ ચાલે છે. ઘણીવાર બંધ પણ થઇ જાય છે. પાણી વિભાગના અધિકારીનો સંપર્ક કરીએ તો યોગ્‍ય જવાબ મળતો નથી. કયારે નવી પાઇપલાઇનમાંથી પાણી મળશે તેનો પણ પ્રત્‍યુતર મળતો નથી.

ઉપરાંત ઘણાં જુના ભૂતિયા કનેકશનો સોસાયટીમાં હાલ મોજુદ છે. સોસાયટીના એક સદસ્‍યએ આર.ટી.આઇ. મુજબ માહિતી માંગેલ તેનો યોગ્‍ય રીતે નથી મળેલ.

નવા કરવેરા ભર્યા પછી અમોને કયારે દરરોજ ર૦ મીનીટ પાણી મળશે, અમોને કયારે ફીલ્‍ટર વાળુ પાણી મળશે, (૩) અમોને કયારે ફીકસ ટાઇમે પાણી મળશે. અમારી જાણ મુજબ ભુગર્ભ ગટરની ગ્રાન્‍ટ પણ આવી ગયેલ છે અને કામના ટેન્‍ડરો પણ બહાર પડેલ છે તો આ ભુગર્ભ ગટરનું કયારે શરૂ થશે? તેની માહિતી પણ આપવી. છેલ્લા બે વર્ષથી ટેક્ષ ભરવા છતાં રોડ રસ્‍તાના નામે મીંડુ છે. સફાઇ કર ભરવા છતાં કોઇ સફાઇ થતા નથી લાઇટ બાબતે અનેક ફરીયઇાદો કરવા છતાં કોર્પોરેશન દ્વારા કેટલા થાંભલા ઉપર લાઇટો બંધ છે તે ચેક કરવા જ આવતા નથી. વળી લાઇટના થાંભલા ઉપર નંબર પણ અપાયેલ નથી. તો અમારે પણ કઇ રીતે ફરીયાદ કરવી અને કેવી રીતે કરવી?

ઉપરાંત અમારા એરીયામાં સાર્વજનિક પ્‍લોટો છે તો તે બાબતે યોગય કરી અને અમારા એરીયામાં એક સાર્વજનિક હોલ તેમજ લાઇબ્રેરી તેમજ એક બગીચો બનાવવામાં આવે તથા રસ્‍તાની તકલીફોને હીસાબે આર.એમ.ટી.એસ. બસ પણ અમારી સોસાયટી સુધી આવતી નથી અને સીનીયર સીટીઝનો હેરાન પરેશાન થાય છે તો બસની સુવિધા આપવા પણ પત્રના અંતે માંગ કરવામાં આવી છે.

(5:38 pm IST)