Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

રેલ્‍વે હોસ્‍પિટલના બાંકડે મૃત્‍યુ પામેલા વૃધ્‍ધને તબિબ અને ડ્રાઇવર સિવિલ હોસ્‍પિટલમાં મુકી રવાના થઇ ગયા

વૃધ્‍ધ રેલ્‍વેના જ નિવૃત કર્મચારી હોવાનું ખુલ્‍યું: સગાની ખબર કાઢવા આવ્‍યા હતાં: રેલ્‍વે હોસ્‍પિટલના તબિબ અને ડ્રાઇવરને હોસ્‍પિટલ ચોકીના કર્મચારીએ પરત બોલાવ્‍યા

રાજકોટ તા. ૨૩: જામનગર રોડ પર આવેલી રેલ્‍વે હોસ્‍પિટલના બાંકડા પર સવારે એક વૃધ્‍ધ બેભાન પડયા હોઇ તેને  રેલ્‍વે હોસ્‍પિટલના તબિબ અને એમ્‍બ્‍યુલન્‍સ ડ્રાઇવર સિવિલ હોસ્‍પિટલમાં ઇમર્જન્‍સી વિભાગમાં મુકીને જતાં રહ્યા હતાં. તબિબની તપાસમાં આ વૃધ્‍ધ મૃત હોવાનું જણાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફને જાણ કરવામાં આવતાં ચોકીના પોલીસમેને આ રીતે મૃત હાલતમાં વૃધ્‍ધને મુકીને જતાં રહેલા તબિબ અને ડ્રાઇવરને પરત બોલાવ્‍યા અને વિગતો મેળવી હતી.

એક વૃધ્‍ધને બેભાન હાલતમાં સવારે સિવિલ હોસ્‍પિટલમાં ઇમર્જન્‍સી વિભાગમાં લાવવામાં આવ્‍યા હતાં. જો કે તેમને લાવનારા રેલ્‍વે હોસ્‍પિટલના તબિબ અને એમ્‍બ્‍યુલન્‍સ ડ્રાઇવર કેસ કઢાવવા સહિતની વિધી કરાવ્‍યા વગર રવાના થઇ ગયા હતાં. આથી ઇમર્જન્‍સી વિભાગના તબિબે હોસ્‍પિટલ ચોકીમાં જાણ કરતાં કોન્‍સ. તોૈફિકભાઇ જુણાચ પાછળ ગયા હતાં અને આવુ વર્તન કરનાર તબિબ તથા ડ્રાઇવરે બોલાવી સમજાવ્‍યા હતાં. એ પછી એમ્‍બ્‍યુલન્‍સ ડ્રાઇવરના નામે કેસ કઢાવાયો હતો અને પ્ર.નગરમાં જાણ કરવામાં આવી હતી.

મૃત્‍યુ પામનાર વૃધ્‍ધ જંકશન પ્‍લોટ-૫/૧૧માં રહેતાં રેલ્‍વેના જ નિવૃત કર્મચારી મોહનલાલ વેન્‍સીલાલ ધાલવાણી (ઉ.વ.૬૪) હોવાનું ખુલ્‍યું હતું. તે દરરોજ સવારે મંદિરે દર્શને નીકળતાં હતાં. આજે રેલ્‍વે હોસ્‍પિટલમાં કોઇની ખબર કાઢવા આવ્‍યા બાદ બેભાન થઇ ગયા હતાં અને મૃત્‍યુ થયું હતું. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:53 pm IST)