Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કાગદડીના મહંતના આપઘાત કેસમાં ડોકટર અને વકીલની આગોતરી જામીન અરજી કોર્ટે રદ્દ કરી

મહંતના આપઘાતને કુદરતી મોતમાં ખપાવી ઢાંકપિછોડો કરવાનો બંને આરોપીઓ સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છે : એસ.કે.વોરા

રાજકોટ તા. ૨૩ : રાજકોટના સેશન્સ જજ શ્રી પી.એન. દવે મેડમે કાગદડીના મહત શ્રી જયરામદાસબાપુની વિવાદાસ્પદ આત્મહત્યાના કેસમા નાસતા ફરતા ડોકટર  અને વકિલની આગોતરા જામીન અરજીઓ રદ કરતા ઠરાવેલ છે કે, આ બંને આરોપીઓની આત્મહત્યાના દિવસે આશ્રમમાં ચોકકસ સમયે હાજરી જણાયેલ હતી અને ફરીયાદ નોધાયાના દિવસથી આ બને આરોપીઓ નાસતા ફરતા છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, તા.૩૦/૫/૨૦૨૧ના રોજ મોડી રાત્રીના સમયે કાગદડી આશ્રમના મહંતશ્રી જયરામદાસ બાપુએ ઘઉંમા નાખવાની ટીકડીઓ ખાઈ આત્મહત્યા કરી લીધેલ હતી. તા.૦૧/૬/૨૦૨૧ ના રોજ મહતના રસોયા ગણેશભાઈએ ચા આપવા માટે વહેલી સવારે મહંતના રૂમનો દરવાજો ખખડાવેલ જે નહી ખુલતા ગણેશભાઈએ જોર લગાવી દરવાજાને ધકકો મારેલ. આ રીતે દરવાજો ખુલી જતા ગણેશભાઈએ મહંતશ્રીને મરેલ હાલતમા હોવાનુ જાણેલ અને બાજુમા ઉલટીઓ પણ થયેલ હોવાનુ જણાયેલ. આથી ગણેશભાઈએ આશ્રમના ટ્રસ્ટીઓને જાણ કરેલ.

આ રીતે જાણ થતા ટ્રસ્ટીએ ડોકટરે આશ્રમે આવવા જણાવેલ ડો. નિમાવત આશ્રમે પહોચેલ અને મહંતના મૃતદેહની હાલત જોઈ આ મૃતદેહતુ પોસ્ટમોર્ટમ કરાવવા માટે જણાવેલ. બાદમા ડોકટરે એમ્બ્યુલન્સ બોલાવી મહંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આશ્રમેથી રવાના કરેલ. પરતુ આ મૃતદેહ સિવીલ હોસ્પિટલમા પોસ્ટમોર્ટમ માટે લઈ જવાના બદલે ડોકટરની હોસ્પિટલમા લઈ જવામા આવેલ અને ત્યા કોઈ પ્રકારનુ પોસ્ટ મોર્ટમ કર્યા વિના થોડીક ક્ષણો બાદ મૃતદેહને ફરીથી આશ્રમે લઈ આવવામા આવેલ. આ દરમ્યાન ડોકટરે કોવીડ સેન્ટરના મેડીકલ ઓફીસર શ્રી કમલેશ કારેલીયાને ફોન કરી મહંતના કુદરતી મૃત્યુ અંગેનુ પ્રમાણપત્ર આપવા જણાવેલ. કમલેશ કારેલીયાએ પોતાના આ સિનીયર ડોકટર ઉપર વિશ્વાસ રાખી મહંતનુ મૃત્યુ હૃદયરોગના હુમલાના કારણે થયેલ હોવાનુ પ્રમાણપત્ર આપેલ. આ પ્રમાણપત્ર મુજબ મહતશ્રીના મૃતદેહને કાગદડો આશ્રમમાં અગ્નિદાહ આપી દેવામા આવેલ.

મહંતના મૃત્યુના બીજા દિવસે મહંતશ્રી જયરામદાસજીઅ સ્યુસાઈડ નોટ લખેલ હોવાનુ આશ્રમના ટ્રસ્ટીઓની જાણમા આવેલ. પરતુ લાગતા વળગતા ટ્રસ્ટીઓએ આ સ્યુસાઈડ નોટ અંગે કોઈપણ કાર્યવાહી કરેલ નહી અને મહતનુ મૃત્યુ કુદરતી હોવાનુ જણાવેલ. આ દરમ્યાન મહંતના સ્યુસાઈડ નોટની નકલો વોટસએપ માઘ્યમથી જુદા જુદા ટ્રસ્ટીઓને મળતા આ અંગે વાતને દબાવી રાખવી યોગ્ય જણાયેલ નહી અને તે કારણે તા.૦૮/૦૬/ર૦૨૧ ના રોજ આશ્રમના એક ટ્રસ્ટીએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોધાવેલ જેમા ડોકટરે ખોટુ સર્ટીફીકેટ આપ્યાનુ તથા વકિલે અને અન્ય ટ્રસ્ટીઓએ ખોટા દસ્તાવેજો ફોર્જ કર્યાનુ જણાવવામા આવેલ.

શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી એસ.કે.વોરાએ દલીલો કરતા જણાવેલ કે, મહતશ્રીના મૃત્યુનુ પ્રમાણપત્ર મેડોકલ ઓફીસર કારેલીયાએ મૃતદેહને જોયા ચકાસ્યા વિના કુદરતી મૃત્યુ હોવાનુ પ્રમાણપત્ર આપેલ તે સમયે મહંતશ્રીનો મૃતદેહ ડોકટરની જહોસ્પિટલમાં હતો અને ડોકટરે પોસ્ટ મોર્ટમ કરાવ્યા વિના મૃતદેહને કાગદડી આશ્રમમાં પરત લઈ આવી અગ્નિદાહ અપાયેલ હતો. આ રીતે મહંતશ્રીનુ મૃત્યુ અકુદરતી હોવાનુ જાણવા છતા અને પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને મોકલવા છતા પોસ્ટ મોર્ટમ કરાવ્યા વિના મૃતદેહને પાછો આશ્રમમાં લઈ આપવવામા આવેલ હતો.

આ દરમ્યાન ડોકટરે મેડીકલ ઓફીસર કમલેશ કારેલીયાને કહી કુદરતી મૃત્યુનુ ખોટુ સર્ટીફીકેટ મેળવેલ. આ સમગ્ર કાર્યવાહી ડોકટરે સભાનપણે જ્ઞાનપુર્વક કરેલ હતી તેથી કુદરતી મરણનુ ખોટુ સર્ટીફીકેટ બનાવડાવેલ હોવાથી તેઓએ દેખીતી રીતે ફોર્જરીનો ગુન્હો કરેલ છે. ડોકટર વતી થયેલ દલીલોમા તેઓ વતી જણાવવામા આવેલ કે, આ સમગ્ર પ્રક્રિયામા વકિલે સક્રિય ભાગ ભજવેલ છે. આ રીતે સહઆરોપી ઉપર દોષનો ટોપલો ઓઢાડી પોતાનો બચાવ ઉભો કરેલ છે. શ્રી સરકાર તરફે આ અગે રજુઆત કરવામા આવેલ કે, જયારે આરોપીઓ બનાવ અંગે એકબીજા ઉપર દોષ લાદતા હોય ત્યારે બનાવવાળો ગુન્હો નિર્વિવાદીત બની જાય છે. આ ઉપરાંત જયારે આરોપીઓ નાસતા-ફરતા હોય અને તપાસમાં સાથ-સહકાર આપતા ન હોય ત્યારે સિધા કોર્ટમા આવી પોતાનો બચાવ રજુ કરવો તે કાયદા મુજબ માન્ય પ્રક્રિયા નથી.

આ તમામ રજુઆતો ઘ્યાનમા લઈ અધિક સેશન્સ જજે ડોકટર અને વકીલની આગોતરા જામીન અરજીઓ રદ કરેલ છે. આ કેસમા સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.

(11:44 am IST)