Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મોંઘવારીના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં આશ્ચર્યજનક કાર્યક્રમો

રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ખેડા, જામનગર સહિતના સ્થળોએ કર્યો વિરોધ : પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના કાર્યકરોની કરાઇ અટકાયત

રાજકોટ તા. ૨૩ : જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના અતિશય ભાવ વધારાને લઇને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના માર્ગદર્શન હેઠળ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં જિલ્લા મથકોએ વિરોધ સાથેના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

આજે અમદાવાદ શહેર, સુરત જિલ્લો, વલસાડ, નવસારી, વડોદરા જિલ્લો, ખેડા જિલ્લો, જામનગર શહેર, જામનગર જિલ્લામાં લાલપુર, સુરત શહેર, રાજકોટ તથા ભાવનગર શહેર કોંગ્રેસ મહિલા કાર્યકરો દ્વારા શાકભાજી, ખાદ્યતેલ સહિતની જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓના ભાવમાં થયેલ તોતીંગ વધારાના વિરોધમાં સરકાર નિષ્ફળ રહી છે. નારેબાજી સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કરાયો હતો ત્યારે અમદાવાદ શહેરમાં પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિત વિવિધ સ્થળોએ મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, સરકાર ૪મે થી આજદિન સુધીમાં પેટ્રોલ - ડીઝલમાં ૨૫ વખત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ઝીંકી સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો કરીને બેફામ નફાખોરી કરી રહી છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં ૭૩ વર્ષના સૌથી વધુ ઊંચા ભાવ છે. છેલ્લાં ૭ વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ ઉપર એકસાઈઝ ડ્યૂટી રૂ. ૯.૨૦ પ્રતિ લિટર (મે-૨૦૧૪) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૨.૯૮ કરી દીધી છે. એટલે કે પ્રતિ લિટર રૂ ૨૩.૭૮ અથવા તો. ૨૫૮ ટકા નો વધારો કર્યો છે. જયારે તે જ પ્રમાણે ડિઝલ ઉપરની એકસાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂ. ૩.૪૬ (મે-૨૦૧૪)થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૧.૮૩ કરી દીધી છે. એટલે કે, પ્રતિ લિટર રૂ. ૨૮.૩૭નો અથવા તો ૮૨૦ ટકા નો વધારો કર્યો છે. અને એ પણ તેવી પરિસ્થિતિમાં કે જયારે ફ્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ ૧૧૦ અમેરિકી ડોલરથી ઘટીને અત્યારે પ્રતિ બેરલ ૬૦ અમેરિકી ડોલર થયા છે.

વધુમાં ગાયત્રીબાએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે બે વર્ષમાં પેટ્રોલ ૮૩૮૧.૯૬ કરોડ અને ડીઝલ પર ૧૮૫૩૦.૨૬ કરોડ જેટલો ભારે વેરો વસૂલી મંદી, મોંઘવારી અને મહામારીમાં જનતાની મુશ્કેલી વધારનારગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલમાં ૨૫ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને પહોંચી છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન એમ કહેતા કે ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવીશું, આવા વચનોથી ઉલટ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦ થી ૪૨૦ ટકાનો વધારો થઈ ગયો છે ત્યારે સી.એન.જી. માં ૪૪ વખત ભાવ વધારો ઝીંકીને સામાન્ય અને મધ્યમ વર્ગની કમર તોડ મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે.પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને સરકાર ઉત્સવોમાં મસ્ત છે તેવા આક્ષેપો કર્યા હતા.

(1:19 pm IST)