Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ભાણેજવહુ સાથેનો 'પ્રેમ' મામાજી સસરાને 'મોત' સુધી દોરી ગયોઃ શિવનગરના રાજેશભાઇ ચોૈહાણની હત્યા

રિક્ષાચાલક રજપૂત પ્રોૈઢને માયાણીનગરમાં રહેતાં કોૈટુંબીક ભાણેજ જગદીશની પત્નિ સુધા સાથે દસેક વર્ષથી પ્રેમ હતોઃ પરમ દિવસે રાતે તે સુધાને મળવા ગયો ત્યારે નજીકમાં રહેતાં તેણીના ભાઇઓ રજનીશ અને લાલો જોઇ જતાં કરેલો હુમલો જીવલેણ નીવડ્યો : સુધાને તેનો પતિ બારેક વર્ષથી મુકીને જતો રહ્યો હોઇ તે મામાજી તરફ ઢળી હતીઃ દસકા સુધી પ્રેમ ખીલ્યો, છેલ્લે એક હત્યા સાથે થયો પ્રેમ પ્રકરણનો કરૂણ અંત

હત્યાનો ભોગ બનેલા રાજેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૦)નો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: શહેરના ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજ પાછળ શિવનગર-૧૧માં રહેતાં રિક્ષાચાલક રજપૂત પ્રોૈઢ રાજેશભાઇ બચુભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૦)ને દસેક વર્ષથી માયાણીનગરમાં રહેતી પોતાની ભાણેજવહુ સુધા જગદીશ પરમાર સાથે પ્રેમસંબંધ હોઇ આ પ્રેમ તેના મોતનું કારણ બન્યો છે. પરમ દિવસે પ્રેમિકાને તેઓ રાત્રીના સમયે મળવા ગયા ત્યારે નજીકમાં જ રહેતાં તેણીના બે ભાઇઓ રજનીશ અને લાલો સોઢા જોઇ જતાં લાકડી અને લોખંડના પાઇપથી ફટકાર્યા હતાં. સારવાર દરમિયાન રાજેશભાઇએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. માલવીયાનગર પોલીસે બંને આરોપીને દબોચી લીધા છે.

શિવનગરમાં રહેતાં રાજેશભાઇને પરમ દિવસે રાત્રીના સમયે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમણે પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર માયાણીનગર કવાર્ટર પાસે રજનીશ અને લાલો નામના બે ભાઇઓએ મારકુટ કર્યાનું કહેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. જે તે વખતે પીએસઆઇ આર. એલ. ખટાણાએ ઘાયલ રાજેશભાઇ બચુભાઇ ચોૈહાણ (ઉ.૫૦)ની ફરિયાદ પરથી માયાણીનગર કવાર્ટરમાં રહેતાં રજનીશ ધીરૂભાઇ સોઢા અને રાહુલ ઉર્ફ લાલો ધીરૂભાઇ સોઢા વિરૂધ્ધ આઇપીસી ૩૨૫, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન રાજેશભાઇએ દમ તોડી દેતાં હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કરાયો છે.

રાજેશભાઇએ એફઆઇઆરમાં લખાવ્યું હતું કે-હું પરિવાર સાથે રહુ છું અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવું છું. મારે દસેક વર્ષથી માયાણીનગર પાસે નહેરૂનગર-૩માં રહેતી સુધા જગદીશ પરમાર સાથે પ્રેમસંબંધ હોઇ આ બાબતે સુધાના ભાઇઓ રજનીશ સોઢા અને રાહુલ ઉર્ફ લાલાએ મને અગાઉ બે-ત્રણ વખત ટોકયો હતો અને કહ્યું હતું કે તું અમારી બહેન સાથે કોઇ પણ જાતનો સંબંધ રાખતો નહિ. દરમિયાન મંગળવારે રાતે હું સુધાને મળવા ગયો ત્યારે માયાણી કવાર્ટર પાસે પહોંચતા સુધાનો ભાઇ રજનીશ આવ્યો હતો અને મને જોઇ ગયો હતો. એ પછી રજનીશ અને તેના ભાઇ રાહુલ ઉર્ફ લાલાએ 'તને ના પાડી તો પણ તું કેમ સંબંધ રાખે છે?' કહી ગાળો દઇ મને લાકડી અને લોખંડના પાઇપથી માર માર્યો હતો.

આડેધડ ઘા પડતાં મને હાથ, શરીરે અને સાથળમાં ઇજા થઇ હતી. માણસો ભેગા થઇ જતાં કોઇએ મારા જમાઇ વિજય કેશુભાઇ પરમાર અને દિકરી તેજલ વિજય પરમારને તથા મારા પત્નિ જ્યોત્સનાને જાણ કરતાં બધા આવ્યા હતાં અને મને ૧૦૮ મારફત હોસ્પિટલે ખસેડ્યો હતો. એકસ-રે કરાવાતા સાથળમાં ફ્રેકચર આવ્યું હતું. સુધા સાથેના પ્રેમસંબંધને કારણે તેના ભાઇઓએ ખાર રાખી મને માર માર્યો હતો.

ઉપરોકત ફરિયાદને આધારે પીએસઆઇ આર.એલ. ખટાણા સહિતે બંને આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી. એ દરમિયાન સારવારમાં રાજેશભાઇએ દમ તોડી દેતાં હવે કલમ ૩૦૨નો ઉમેરો કરાયો છે.

હત્યાનો ભોગ બનનાર રાજેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. અન્ય બે ભાઇઓના નામ કિશોરભાઇ તથા નાનુભાઇ અને બહેનનું નામ ઉષાબેન છે. સંતાનમાં એક પુત્ર સંજય (ઉ.વ.૧૮) તથા ત્રણ દિકરીઓ તેજલ, પૂજા અને માધવી છે. આ ત્રણેય સાસરે છે. હત્યાના આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

હત્યાનો ભોગ બનેલા રાજેશભાઇના ભાણેજ ‌‌શિવમભાઇએ કહ્યું હતું કે મામા રાજેશભાઇને જેની સાથે દસેક વર્ષથી પ્રેમ હતો એ સુધા જગદીશ પરમાર તેની ભાણેજવહુ થાય છે. સુધાને પણ બે સંતાન છે. તેનો પતિ જગદીશ તેને છોડીને જતો રહ્યો હોઇ અને ઘરે જ આવતો ન હોઇ તેણી અને મામા રાજેશભાઇ દસેક વર્ષથી એક બીજા સાથે પ્રેમમાં હતાં.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ ખટાણા, અરૂણભાઇ બાંભણીયા, મયુરભાઇ મિંયાત્રા  સહિતના સ્ટાફે વિશેષ કાર્યવાહી કરી છે. પકડાયેલા આરોપીઓ રજનીશ અને રાહુલ ઉર્ફ લાલાએ કબુલ્યું હતું કે રાજેશભાઇને ના પાડવા છતાં તે અમારી બહેન સાથે સંબંધ રાખતા હોઇ ઝઘડો થતાં મારા મારી થઇ હતી. બંનેની વધુ પુછતાછ થઇ રહી છે.

હત્યાનો ભોગ બનનારના ભાણેજ શિવમભાઇએ કહ્યું-દગાથી હત્યા થઇ : સુધાબેનની દિકરીએ ફોન કરી 'મને મારા મામા મારકુટ કરે છે, તમે આવો' કહેતાં રાજેશભાઇ ત્યાં જતાં સુધાબેનના ભાઇઓ તૂટી પડ્યા

. હત્યાનો ભોગ બનેલા રાજેશભાઇ ચોૈહાણના ભાણેજ શિવમભાઇએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે-મારા મામા રાજેશભાઇને દગો કરીને હત્યા કરવામાં આવી છે. મંગળવારે રાતે સુધાની દિકરીએ મામા રાજેશભાઇને ફોન કર્યો હતો કે-મને મારા બે મામા મારકુટ કરે છે તમે આવો. જેથી મામા રાજેશભાઇ ત્યાં ગયા હતાં ત્યારે અગાઉથી પ્લાન ઘડીને ઉભેલા સુધાના બે ભાઇઓ રજનીશ અને રાહુલ ઉર્ફ લાલો તૂટી પડ્યા હતાં અને મામાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

(11:43 am IST)