Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

એડવોકેટ સંજય પંડિતના નામે ફેક ફેસબૂક આઇડી બનાવી તેનો પાટાપીંડી વાળો ફોટો પોસ્ટ કર્યોઃ મયુર પટેલની ધરપકડ

જમીન મકાન લે-વેંચનું કામ કરતાં મયુરને સાયબર ક્રાઇમ પોલીસે પકડતાં કહ્યું-વકિલ સતત ગમે તેની સામે આરટીઆઇ કરતાં હોઇ એનું ખરાબ દેખાય એટલે આમ કર્યુ!

રાજકોટ તા. ૨૩: શહેરના એડવોકેટ અને આરટીઆઇ એકટીવીસ્ટ જામનગર રોડ પર નાગેશ્વર શાંતિનગર-૧માં રહેતાં સંજયભાઇ હેમતભાઇ પંડિત (ઉ.વ.૪૫)ના નામે ફેસબૂક પર કોઇએ ફેક (ખોટુ) આઇડી બનાવી તેમાં સંજયભાઇનો પાટાપીંડી વાળો ફોટો મુકી દેવાયો હતો. પોતે આવો ફોટો પોતાના ફેસબૂક એકાઉન્ટમાં પોસ્ટ કર્યો ન હોઇ સંજયભાઇએ તપાસ કરતાં કોઇએ ફેક આઇડી ઉભુ કરી ફોટો મુકી દીધાનું જણાતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તેના આધારે તપાસ કરી પોલીસે ફેક આઇડી બનાવનાર જમીન-મકાન લે-વેંચના ંધંધાર્થી મયુર ભરતભાઇ રૂપારેલીયા (ઉ.વ.૨૪-રહે. સ્વામીનારાયણનગર-૧, જસદણ, હાલ કાલાવડ રોડ નિરાલી રિસોર્ટ સામે, તુલીપ પરપલ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૩)ની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

એડવોકેટ સંજયભાઇ પંડિતે અરજી આપી હોઇ તેના આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી સાયબર ક્રાઇમ જી. ડી. પલાસણાની રાહબરીમાં પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીઆઇ બી.એમ. કાતરીયા, એન. એન. ચુડાસમાએ ટીમ કામે લગાડી હતી. બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવી પ્રોફાઇલ પીકચરમાં જ એડવોકેટનો પાટાપીંડી વાળો ફોટો મુકી દેવાયો હતો.

તપાસને અંતે આ ફેક આઇડી મયુર રૂપારેલીયાએ બનાવ્યાનું સામે આવતાં તેની ધરપકડ કરાઇ હતી. તપાસમાં પીએસઆઇ એન. બી. ડોડીયા, એએસઆઇ જે. કે. જાડેજા, એમ. એમ. ચાવડા, કોન્સ. મનોજભાઇ, યોગરાજસિંહ, પિન્ટુભાઇ, જયદિપસિંહ સહિતના જોડાયા હતાં. આરોપી મયુરે પોલીસ સમક્ષ એવી કબુલાત આપી હતી કે સંજયભાઇ અવાર-નવાર ગમે તેની સામે આરટીઆઇ કરતાં હોઇ તેને પાટાપીંડી આવતાં તેનું ખરાબ દેખાય એ માટે બોગસ આઇડી બનાવી તેનો આવો ફોટો પોસ્ટ કર્યો હતો.

(12:58 pm IST)