Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

વ્યાજખોરીમાં ફસાઇ જતાં ડુંગળી બટેટાના ધંધાર્થી ભાવીન સોમમાણેકે પોલીસ કમિશનર કચેરી પાસે ફિનાઇલ પીધું

એકાદ વર્ષ પહેલા અલગ-અલગ લોકો પાસેથી વ્યાજે લીધા હતાં તેના કરતાં વધુ ચુકવી દીધા છતાં વધુ ઉઘરાણી કરી હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપઃ પ્ર.નગર પોલીસે આક્ષેપો અંગે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૩: રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ આવાસ યોજના કવાર્ટર નં. ૪૬૩માં ભાડેથી રહેતાં ડુંગળી બટેટાના ધંધાર્થી ભાવીનભાઇ પ્રફુલચંદ્ર સોમમાણેક (લોહાણા) (ઉ.વ.૩૨) નામના યુવાને પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. વ્યાજખોરીમાં ફસાઇ જતાં તેણે આ પગલુ ભર્યાનું તેના પત્નિ કોમલબેને જણાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ રૈયા રોડ આલાપ પાછળ કવાર્ટરમાં રહેતાં ભાવીનભાઇએ આજે સવારે અગિયાર આસપાસ પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પાસે પહોંચી ફિનાઇલ પી લતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં એએસઆઇ કનુભાઇ માલવીયાએ નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

ભાવીનભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં મોટો છે. સંતાનમાં બે પુત્ર છે. તે ડુંગળી બટેટાનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. ધંધાના કામે એકાદ વર્ષ પહેલા અલગ-અલગ લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. જે રકમ લીધી હતી તેના કરતાં વધુ ચુકવી દીધી છે આમ છતાં વધુને વધુ વ્યાજની ઉઘરાણી કરી હેરાનગતિ કરવામાં આવતી હોઇ જેથી આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

પોલીસની પ્રાથમિક પુછતાછમાં ભાવીનભાઇએ કહ્યું હતું કે એક વર્ષ પહેલા મહિપત રજપુત પાસેથી મેં રૂ. ૨૦ હજાર લીધા હતાં તેની સામે ૬૦ હજાર આપ્યા છે. સાત આઠ મહિના પહેલા ગુડ્ડી રાજપૂત લોન કરવાના બહાને મારી ૫૦ હજારની અલટો કાર લઇ ગઇ છે. રાણાભાઇ પાસેથી ૨૦ હજાર લીધા હતાં તેને ૩૦ હજાર ચુકવી દીધા છે. રતનબેન ભરવાડ મારફત આઠ મહિના પહેલા ૨૬ હજારની લોન લીધી હતી. તેનો ૧૪૦૦નો હપ્તો ચુકાઇ જતાં તેણીએ ઘરે આવી ધમકી આપી હતી. પોલીસ આ આક્ષેપો અંગે તપાસ કરી રહી છે.

(3:17 pm IST)