Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કોવિડ-૧૯ના ડોકટરોને દર્દીઓની સારવારમાં સતત વ્યસ્ત જોઇ કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા મળીઃ પીએસઆઇ ગોવિલ

ડાયાબિટીસ-બ્લડપ્રેસરની બિમારી ધરાવતાં બાવન વર્ષના દર્દી ૮'દિની સારવાર બાદ કોરોના સામે અજેય થયા : લોકોને સરકારની સુચનાનું ચુસ્ત પાલન કરવા અનુરોધઃ સિવિલમાંથી પાંચ દિવસમાં ૨૭ દર્દીઓ કોરોના મુકત

રાજકોટ તા. ૨૩: 'સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ સેન્ટરમાં દર્દીઓની સારવાર માટે સતત દોડધામ કરતાં સતત વ્યસ્ત રહેતાં ડોકટરો અને બીજા સ્ટાફને જોઇને મને કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા મળી હતી, મને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોવા છતાં જે રીતે સારવાર મળી અને તબિબો-સ્ટાફ તરફથી જે રીતે દેખરેખ રાખવામાં આવી તેના કારણે આઠ જ દિવસમાં હું કોરોના સામે જંગ જીતી ગયો છું'...આ શબ્દો છે જંકશન સ્ટેશન પર ફરજ બજાવતાં પીએસઆઇ અજયભાઇ ગોવિલના. કોરોના સામે આઠ દિવસમાં અજેય થયેલા પીએસઆઇ ગોવિલે લોકોને સરકારી સુચનાઓનો કડક અમલ કરવા અનુરોધ કર્યો હતો. સિવિલના કોવિડ સેન્ટરમાંથી પાંચ દિવસમાં ૨૭ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે.

કોરોનાને હરાવી સાજા થયેલા અજયભાઇ ગોવિલે કહ્યું હતું કે-'મને બ્લડપ્રેશર અને ડાયાબિટીસ તો પહેલેથી જ હતા, પણ કોરોના લાગુ પડતા મે મક્કમ મને નિર્ધાર કર્યો હતો કે હું કોરોનાનો હરાવીને જ રહીશ અને આજે હું કોરોના મુકત થઈ ગયો છું. મારા મક્કમ મનોબળ અને ડોકટરોએ મારી અને મારા જેવા અનેક દર્દીઓની રાત દિવસ કરેલી સેવા - સારવારને કારણે જ હું સ્વસ્થ થયો છું.' આ શબ્દો છે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને રાજકોટ રેલવે જંકશનમાં સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં બાવન વર્ષીય અજયભાઈ ગોવિલના. જેઓ માત્ર ૮ દિવસની સારવાર લઈને કોરોનામુકત બન્યાં છે.હાલ જયારે વૈશ્વિક મહામારી કોવિડ-૧૯નુ સંક્રમણ વિશ્વમાં સતત વધી રહ્યુ છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીનુ સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર તથા કોવિડ-૧૯ હોસ્પિટલના તમામ ડોકટર્સ, નર્સ, સફાઇ કર્મીઓ કોરોના યોધ્ધા બનીને સતત કામગીરી કરી રહ્યા છે.ઙ્ગ

તેવા સમયમાં તા. ૨૨ જુલાઈના રોજ ૫ પુરુષો અને ૩ મહિલાઓ સહિત ૮ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો છે. તેમાના જ એક અજયભાઈએ હોસ્પિટલમાં તેમને મળેલ સારવાર વિશે વાત કરતા જણાવ્યું હતુ કે, 'ડોકટરોને દર્દીઓની સારવાર માટે સતત વ્યસ્ત જોઈને મને કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા મળી હતી. કોરોના કરતાં કોરોનાનો ભય વધુ નુકશાન કરે છે. કોરોના વાઈરસથી બચવા માટે લોકોએ જાગૃતી કેળવી સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. આજે સરકારી વિભાગો, અધિકારીઓ અને કર્મચારીઓ રાતદિવસ આપણા જીવનને બચાવવામાં પ્રયત્નશીલ છે, ત્યારે જનતાએ સરકારી તંત્રને સાથ સહકાર આપવો એ આપણી પ્રાથમિક ફરજ બને છે. અહીં ઘર પરિવારની જેમ જ ડોકટરો અને આરોગ્ય કર્મીઓ દર્દીઓની સારસંભાળ રાખે છે. સમયસર જમવાનું, ગરમ દૂધ, નાસ્તો, બિસ્કીટ વગેરે આપવામાં આવે છે, ઉપરાંત દરેક દર્દીને સમયસર આયુર્વેદ ઉકાળો પણ આપવામાં આવતો હતો.'માહિતી ખાતા તરફથી જણાવાયા મુજબ ગઇકાલે તા. ૨૨ના રોજ જયદીપભાઈ વાળા (ઉ.વ.૩૧), મુકેશભાઈ રાઠોડ (ઉ.વ.૩૭), વિરલકુમાર રાજદેવ (ઉ.વ.૩૩), નૈમિશકુમાર લગનીજિયા (ઉ.વ.૪૩), દીપાબહેન ચૌહાણ (ઉ.વ.૨૧), રંજનબેન માનાણી (ઉ.વ.૫૫) અને મધુબેન વાનપરિયા (ઉ.વ.૬૫) સહિતના ૮ લોકો કોરોના મૂકત બનતાં તા.૧૮ થી ૨૨  સુધીના પાંચ દિવસ દરમિયાન કોરોના મુકત થયેલ વ્યકિતનો આંક ૨૭ થયો છે.

(3:31 pm IST)