Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

હોસ્‍પિટલ ચોકના બ્રિજના કામમાં વણથંભ્‍યો વિલંબઃ કોન્‍ટ્રાકટરે ફરી બે માસની મુદત માંગી

તારીખ પે તારીખ.... તારીખ પે તારીખ : ર૦ જુલાઇની મુદત સુધીમાં કામ પુરૂ કરવુ અશકયઃ પ્રજાની પરેશાની યથાવતઃ પદાધિકારીઓ ઓગષ્‍ટ અંત સુધીમાં કામ પૂર્ણ કરાવવા પ્રયત્‍નશીલઃ ૮૪ કરોડનો ખર્ચ ૧૦૯ કરોડે પહોંચ્‍યો

સિવિલ હોસ્‍પીટલ ચોકમાં ચોકથી ત્રણ તરફના માર્ગો પર ઓવરબ્રીજ નિર્માણ પામી રહયો છે. તસ્‍વીર ચોકના કામની હાલની સ્‍થિતિની છે. (૪.૧૬)

રાજકોટ, તા., ૧૪: શહેરના સિવિલ હોસ્‍પીટલ ચોકથી  જામનગર રોડ, જયુબેલી રોડ અને કેસરી હિન્‍દ પુલ તરફના રોડને જોડતો મોટો ઓવરબ્રીજ નિર્માણ પામી રહયો છે. આ ઓવરબ્રીજના કામ માટે કોન્‍ટ્રાકટરને કોરોના જેવા કારણોસર મુદત વધારો અપાયા પછી હજુ પણ આપેલી મુદતમાં કામ પુરા થવાની કોઇ શકયતા નથી. કોન્‍ટ્રાકટરે ફરી બે માસનો (સપ્‍ટેમ્‍બર અંત સુધી) મુદત વધારો માંગ્‍યાનું કોર્પોરેશનના વર્તુળોમાંથી જાણવા મળ્‍યું છે. બ્રીજ મંજુર થયો તે વખતે ૮૪ કરોડનો ખર્ચ નિર્ધારેલ હતો તે હવે વધીને ૧૦૯ કરોડે પહોંચ્‍યો છે.

ઓવરબ્રીજ પ્રજાની સુવિધા માટે બનાવાઇ રહયો છે પરંતુ કામ શરૂ થયું ત્‍યારથી મુખ્‍ય માર્ગો પર અવરોધના કારણે અવારનવાર ટ્રાફીક જામ થઇ જાય છે. કામ ચાલુ હોવાથી પ્રજા પરેશાન છે. પરેશાનીનો અંત હજુ નજીક દેખાતો નથી. બ્રીજ શરૂ થયા પછી કોન્‍ટ્રાકટરે મુદત વધારો માંગતા ર૦ જુલાઇ ર૦રર સુધીની મુદત અપાયેલ આ મુદતમાં કામ પુરૂ થઇ જાય અને ઓગષ્‍ટ પ્રારંભે બ્રીજનું ઉદઘાટન કરી નાખવાની શાસકોની ગણતરી હતી. કામમાં એકથી વધુ કારણસર વિલંબ થઇ રહયો છે.

ઓવરબ્રીજના કોન્‍ટ્રાકટરે વરસાદ, કપચીવાળાની હડતાલ વગેરે કારણો આગળ ધરી ર૦ જુલાઇ પછી પણ બે માસની મુદત વધારી દેવા કોર્પોરેશન સમક્ષ માંગણી કરી છે. જો આ માંગણી મુજબ કોર્પોરેશન સમય આપે તો સપ્‍ટેમ્‍બર અંત પહેલા પુલ ચાલુ થઇ શકે તેમ નથી. ધારાસભાની ચુંટણીની આચારસંહિતા લાગુ પડવાનો સમય નજીક આવી રહયો છે. પદાધિકારીઓ રાત-દિવસ કામ ચાલુ રખાવી ઓગષ્‍ટમાં જ કામ પુરૂ કરાવવા પ્રયત્‍નશીલ છે.  કામની હાલની સ્‍થિતિ જોતા ૧પ ઓગષ્‍ટ સુધીમાં પુલ ખુલ્લો મુકી શકાય તેમ જણાતુ નથી.  કેસરી પુલથી કોર્ટ ચોક સુધી બંન્ને તરફનો સર્વિસ રોડ શરૂ થઇ જતા રાહત થઇ છે પરંતુ વરસાદના કારણે ત્‍યાં પણ રસ્‍તો ખરાબ થઇ ગયો છે અને અવાર નવાર પાણી ભરાઇ જાય છે. કેસરી હિન્‍દ પુલથી બજારમાં આવવા-જવા માંગતા વાહન ચાલકો તોબા પોકારી ગયા છે. બસ-ટ્રક જેવા વાહનોએ અન્‍ય લાંબા રસ્‍તેથી આવ-જા કરવી પડે છે.

(4:29 pm IST)