Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

તબીબોની સજ્જડ હડતાલ : OPD - ઇમર્જન્‍સી સેવા ખોરવાઇ

આઇએમએના એલાનને બહોળુ સમર્થનઃ સરકારના અવ્‍યવહારૂ નિયમો સામે તબીબોનો રોષ ભભૂક્‍યો : સૌરાષ્‍ટ્રભરની ખાનગી તેમજ ટ્રસ્‍ટ સંચાલિત હોસ્‍પિટલના તબીબો પણ હડતાલમાં જોડાયા : તબીબો ગેરહાજર - હોસ્‍પિટલો ખાલીખમ

આઇએમએ ગુજરાત દ્વારા રાજ્‍ય સરકારના અવ્‍યવહારૂ નિર્ણય સામે સજ્જડ હડતાલ પાડી છે. હોસ્‍પિટલોમાં તબીબો આજે ગેરહાજર રહ્યા છે. દર્દીઓ વગર હોસ્‍પિટલો સુમસામ ભાસતી નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૨ : રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ફાયર એનઓસી, આઇસીયુ સહિતના પ્રશ્ને ઇન્‍ડિયન મેડિકલ એસોસીએશનની ગુજરાત બ્રાંચે આજે ઐતિહાસિક હડતાલનું એલાન આપ્‍યું હતું. જે ૩૦ હજારથી વધુ તબીબોએ સજ્જડ સમર્થન કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્‍યો છે.
ફાયર એનઓસી આઇસીયુના મુદ્દે અવ્‍યવહારૂ નિર્ણયો સામે આઇએમએ દ્વારા આજે હડતાલનું એલાન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રથમવાર ઓપીડી અને ઇમરજન્‍સી સેવા સજ્જડ બંધ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રની ૪ હજારથી વધુ ખાનગી હોસ્‍પિટલો તેમજ ટ્રસ્‍ટ સંચાલિત હોસ્‍પિટલોમાં ફરજ બજાવતા આઇએમએના તબીબો આજે દર્દીની સેવામાંથી સંપૂર્ણ અલિપ્‍ત રહ્યા છે.
આજે સવારથી રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ખંભાળિયા, મોરબી, પોરબંદર સહિતના વિસ્‍તારોમાં ખાનગી તબીબોએ દર્દીઓની સારવારથી દુર રહેતા અને દર્દીઓને નજીકની સરકારી હોસ્‍પિટલે સારવાર માટે ખસેડયા છે.
તબીબોના ઐતિહાસિક એલાન બાદ હવે સરકાર શું નિર્ણય કરે છે તેના પર સૌની મીટ મંડાણી છે.
હોસ્‍પીટલોમાં ગ્રાઉન્‍ડ ફલોર પર જ આઇસીયુ અને બિલ્‍ડીંગમાં કાચ દુર કરવા સહીતની જોગવાઇનું અઠવાડીયામાં પાલન કરવા માટે રાજયભરની હોસ્‍પીટલોને નોટીસ મળી રહી છે. આ જોગવાઇઓનો વૈજ્ઞાનીક  આધાર નથી. આ નિર્ણયના વિરોધમાં આજે શુક્રવારે ગુજરાતભરની ખાનગી હોસ્‍પીટલોના ૩૦ હજારથી વધુ ડોકટરોએ સજ્જડ હડતાળ પાડી છે. જેમાં ઇમરજન્‍સી સહીતની તમામ પ્રકારની સેવાઓ બંધ રહી છે. ખાનગી હોસ્‍પીટલો આ દિવસે ઇમરજન્‍સી સારવાર માટેના દર્દીઓને નજીકની સરકારી હોસ્‍પીટલોમાં મોકલી રહ્યા છે.
ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશનની ગુજરાત બ્રાંચને ગ્રાઉન્‍ડ ફલોરમાં જ આઇસીયુ હોવા જોઇએ અને કાચના ગ્‍લાસ દુર કરવા સહીતની જોગવાઇ લાગુ કરવા સરકારી તંત્ર દ્વારા સુચના અપાઇ છે. તબીબોનું કહેવું છે કે ગ્રાઉન્‍ડ ફલોર પર આઇસીયુના અમલથી દર્દીઓમાં ચેપની શકયતા વધશે. આઇસીયુમાં મૃત્‍યુનું પ્રમાણ વર્તમાન દર કરતા અનેક ગણો વધશે. ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન કે તેની અન્‍ય કોઇ શાખાને સાંભળવામાં આવ્‍યા નથી. આગની ઘટના રોકવા હોસ્‍પીટલો તૈયાર છે. પરંતુ રાજય સરકારના એકપક્ષીય નિર્દેશોનો સખત વિરોધ કરીએ છીએ.
સરકારના એક પક્ષીય નિર્દેશોનો વિરોધ કરવા આજે આઇએમએ સાથે સંકળાયેલા રાજયભરના ૩૦ હજારથી વધુ એલોપેથીક ડોકટરો હડતાળ પાડેલ. આ વખતે ઓપીડીની સાથે ઇમરજન્‍સી સેવાઓ પણ બંધ રખાશે. ઇમરજન્‍સીમાં જે દર્દીઓ આવશે તેને નજીકની સરકારી હોસ્‍પીટલોમાં મોકલવામાં આવશે.
રાજકોટ  આઇએમએ  પ્રમુખ ડો. સંજય ભટ્ટે જણાવ્‍યું હતું કે આજે રાજકોટ આઇએમએમાંં જોડાયેલા ર હજારથી વધુ તબીબો સંપુર્ણ શાંતિપુર્વક હડતાલમાં જોડાયા છે. લોકો સામે નહી પરંતુ સરકારની નીતી સામે હડતાલ પાડવામાં આવી છે. રાજકોટના તબીબો ઓપીડી અને ઇમરજન્‍સી સેવાથી દુર રહેશે. રેલી કે ધરણાનો કોઇ કાર્યક્રમ નથી.

 

(10:53 am IST)