Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

નુપુર શર્મા-વિધર્મીઓ સામે પગલા સહિતના મુદ્દે રાજકોટમાં સી.આર. પાટીલ સામે સાધુ-સંતોએ વ્‍યથા ઠાલવી

ભાજપ પ્રદેશ અધ્‍યક્ષે યોગ્‍ય કરવાની ખાત્રી આપી

રાજકોટઃ રાજકોટમાં ભાજપ અધ્‍યક્ષ સી.આર. પાટીલ સામે નુપુર શર્મા, વિધર્મીઓ સહિતના મુદ્દે સાધુ-સંતોએ વ્‍યથા ઠાલવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈ તમામ રાજકીય પક્ષો જુદા-જુદા પ્રવાસો કરી રહ્યા છે. જેમાં તાજેતરમાં સુરત ખાતેથી કેજરીવાલે ફ્રી 300 યુનિટ વીજળી આપવાની જાહેરાત કરી હતી. ત્યારે ગઈકાલથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા છે. આજરોજ સરકીટ હાઉસ ખાતેથી પોતાના કાર્યક્રમની વિગતો આપ્યા બાદ તેઓ હેમુગઢવી હોલ પહોંચ્યા હતાં. જ્યાં સાધુ-સંતો સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન સાધુ-સંતોએ ભાજપ અધ્યક્ષ પાટીલ સામે વ્યથા ઠાલવી હતી. તેમજ નુપૂર શર્માને લઈને વધેલી વિધર્મીઓની ધમકી મુદ્દે પગલાં લેવા માંગ કરી હતી. પાટીલે પણ આ મુદ્દે જરૂરી કાર્યવાહીની ખાતરી આપી હતી.

ભાજપ અધ્યક્ષ પાટીલે આજે સરકીટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ગઈકાલે ગોંડલમાં ભવ્ય બાઈક રેલી યોજીને કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. જેમાં હજારોની સંખ્યામાં ભાજપનાં કાર્યકરો હાજર રહ્યા હતા. અને 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત નક્કી હોવાનું કહ્યું હતું. 27 વર્ષથી અમે સત્તા પક્ષમાં છીએ અને સતત લોકોના પ્રશ્નો દૂર કરવા માટે કાર્યો કરી રહ્યા છીએ. જે અંતર્ગત આજે રાજકોટમાં સાધુ સંતો, ઉદ્યોગકારો, વેપારીઓ, વકીલો તેમજ ડોક્ટર્સ સહિત તમામ સાથે દિવસભર બેઠકો યોજી તમામના પ્રશ્નો જાણવામાં આવશે. અને તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે.

આ તકે રાજ્યકક્ષાનાં મંત્રી અરવિંદ રૈયાણીએ પણ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે હજ મામલે જગદીશ ઠાકોરનાં નિવેદન અંગે જણાવ્યું હતું કે, તેને સત્તાથી દૂર રહેવું લાગે છે. જો કે આ અંગે પોતે અંગત નિવેદન કરવાનું ટાળી મીડિયાને કહ્યું હતું " નો કૉમેન્ટ " તો ડૉક્ટર્સની હડતાળ અંગે તેમણે કહ્યું હતું કે, મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રસ્તો નીકળશે. અને લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે તેવો ઉકેલ લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પાટીલ આજે વન ડે. વન ડિસ્ટ્રિક અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેનાર છે. આ પૈકી હેમુગઢવી હોલ ખાતે સાધુ-સંતો સાથે બેઠક બાદ પાટીલે દિવ્યાંગો, લાભાર્થીઓ, વિધવા બહેનો, અને શ્રમિકો સાથે મુલાકાત કરી હતી. અને સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષકો, નિવૃત અધિકારીઓ-કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. બપોર બાદ 2.30 કલાકે તેઓ સહકારી આગેવાનો, ખેડૂતો, વિવિધ સમાજનાં પ્રતિનિધિ અને સંસ્થાઓ સાથે બેઠક કરશે. ઉપરાંત 04 કલાકે ડોકટરો, સી.એ., વકીલો, એન્જીનીયરો સહિત ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો સાથે પણ બેઠક કરશે.

(5:55 pm IST)