Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

રાજયના ૩૦ હજાર ખાનગી ડોકટરોની સંપુર્ણ શાંતિપુર્ણ હડતાળ : રાજકોટના બે હજાર ડોકટરો જોડાયા

આઇએમએ ગુજરાતના નેજા હેઠળ ઇમરજન્‍સી પણ બંધ

સરકાર દ્વારા અમલમાં આવનાર નિયમો હોસ્‍પીટલોમાં આઇસીયુ ગ્રાઉન્‍ડ ફલોર ઉપર રાખવુ, કાચના ફસાદ દુર કરવા, વેન્‍ટીલેટર-સ્‍પ્રીંકલરની સર્વિસ જરૂરી ન હોય તો પણ ચોક્કસ સમયે ફરજીયાત કરવી, બેડશીટ-પડદા-આવરણ વિગેરે ફાયર રેઝીસ્‍ટન્‍ટ રાખવા સહીતના નિયમો સામે ડોકટરોમાં ભારે દેકારો મચી ગયો, હડતાળમાં ટ્રસ્‍ટની તથા કોર્પોરેટ હોસ્‍પીટલો પણ જોડાઇ, ઇમરજન્‍સીના દર્દીઓને સરકારી સિવિલ  હોસ્‍પીટલ ખાતે રીફર કરાયા

રાજકોટ, તા., ૨૨:  સરકાર દ્વારા અમલમાં આવનાર નવા નિયમો જેવા કે હોસ્‍પીટલોમાં ઇન્‍ટેન્‍સીવ કેર યુનીટ (આઇસીયુ) ગ્રાઉન્‍ડ ફલોર ઉપર રાખવું. હોસ્‍પીટલોમાં કયાંય કાચ ન રાખવા અને કાચના ફસાદ દુર કરવા, વેન્‍ટીલેટર સ્‍પ્રીંકલર વિગેરેની સર્વિસ જરૂરી ન હોય તો પણ ચોક્કસ સમયે ફરજીયાત કરવી. બેડશીટ-પડદા-આવરણ વિગેરે ફાયર રેઝીસ્‍ટન્‍ટ હોવા જોઇએ સહીતના નિયમો સંદર્ભે સ્‍થાનીક કોર્પોરેશન દ્વારા ખાનગી ડોકટરોને સમયસર એફીડેવીટ (અન્‍ડર ટેકન) કરવા નોટીસો આપી દેવામાં આવી છે. જેના વિરોધરૂપે અને વ્‍યવહારીક રસ્‍તો નિકળે ઉપરાંત ડોકટરોને સાથે રાખીને દર્દીઓની સલામતીને ધ્‍યાનમાં રાખી માર્ગદર્શક કમીટીનું નિર્માણ થાય તેવા આશય સાથે ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન (આઇએમએ) ગુજરાત સ્‍ટેટ બ્રાન્‍ચ દ્વારા આજરોજ સમગ્ર રાજયમાં એક દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્‍યું છે.

આ હડતાળમાં રાજયના ૩૦ હજાર જેટલા ખાનગી ડોકટરો શાંતિપુર્ણ રીતે જોડાયા છે. જેમાં આઇ.એમ.એ.  રાજકોટના નેજા હેઠળ પણ બે હજાર જેટલા ખાનગી ડોકટરોએ પોતાની હોસ્‍પીટલો સંપુર્ણ બંધ રાખી છે. રાજકોટ ખાતે આવેલ વિવિધ ટ્રસ્‍ટની હોસ્‍પીટલો તથા કોર્પોરેટ હોસ્‍પીટલો પણ આજની હડતાળમાં જોડાઇ  હોવાનું આઇએમએ રાજકોટના હોદેદારો-અગ્રણી ડોકટરો જણાવી રહયા છે. ખાનગી હોસ્‍પીટલોમાં ઇમરજન્‍સી સારવાર માટે આવતા દર્દીઓને સરકારી સિવિલ હોસ્‍પીટલ ખાતે રીફર કરવામાં આવી રહયા છે. આવતીકાલે સવારે આઠ વાગ્‍યા સુધી ગુજરાતના ખાનગી ડોકટરો હડતાળ ઉપર રહેશે તેવુ જાણવા મળે છે.

આઇએમએ ગુજરાતના અને રાજકોટના હોદેદારો ડોકટરો જણાવે છે કે ફાયર એનઓસી-ફાયર સંદર્ભે અમલમાં આવનાર ઉપરોકત નિયમોના પાલન માટે ઇસ્‍યુ કરાયેલ નોટીસો સંપુર્ણ પાયાવિહોણી અને અતાર્કિક છે. અમુક જોગવાઇઓનો  કોઇ વૈજ્ઞાનીક  આધાર જ નથી અને તેનો અમલ પણ અશકય લાગી રહયાનું ડોકટરો જણાવે છે. આઇસીયુ ગ્રાઉન્‍ડ ફલોર ઉપર રાખવાથી દર્દીઓને ચેપ લાગવાની શકયતા વધુ રહે છે અને કદાચ રાજયમાં આઇસીયુ બેડની સંખ્‍યામાં પણ ભારે ઘટાડો થઇ શકે. ઉપરથી આઇસીયુમાં વર્તમાન દર કરતા અનેકગણો મૃત્‍યુદર પણ વધવાની સંભાવના વ્‍યકત કરવામાં આવી છે. આ રીતે અમલમાં આવનાર નવા નિયમો સંદર્ભે સમગ્ર ગુજરાતના હજારો ડોકટરોમાં ભારે દેકારો મચી ગયો છે.

(4:29 pm IST)