Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ન્યારી ડેમે આણંદપરની ગાર્ડી કોલેજની ત્રણ છાત્રાને હથીયાર બતાવી બૂકાનીધારી ૩ મોબાઇલ લૂંટી ગયો

મુળ પડધરી જીલરીયાની રિધ્ધી સોજીત્રા રાજકોટ રહી બીએચએમએસનો અભ્યાસ કરે છેઃ કોલેજમાં અગત્યના વર્ગો ન હોઇ બીજી બે સખી દિપાલી અને આશા સાથે ડેમ પર આંટો મારવા માટે પહોંચી અને લૂંટારો ભેટી ગયો : રિધ્ધીના કપાળે હથીયાર તાંકી મોબાઇલ લૂંટ્યા પછી તેની બહેનપણીઓને કહ્યું-જો કુછ હૈ વો દેદો વરના ગોલી માર દૂંગા!: તાલુકા પોલીસે અજાણ્યા ૨૫ થી ૩૦ વર્ષના શખ્સ વિરૃધ્ધ ગુનો નોંધી શોધખોળ આદરી

રાજકોટ તા. ૨૩: ભારે વરસાદને કારણે શહેરના આજી અને ન્યારી ડેમ ખાતે લોકો મોટા પ્રમાણમાં રજાના દિવસોમાં ફરવા પહોંચી જતાં હોય છે. દરમિયાન ગઇકાલે શુક્રવારે કાલાવડ આણંદપરની ગાર્ડી કોલેજની બીએચએમએસની ત્રણ છાત્રાઓ અગત્યના વર્ગો ન હોઇ અભ્યાસ પડતો મુકી ન્યારી ડેમે પહોંચતા અને ત્યાંથી પરત કોલેજ ખાતે જવા પગપાળા ન્યારી ડેમથી નીકળતાં અજાણ્યા બુકાનીધારી શખ્સે આવી એક છાત્રાના કપાળે કાળુ ચળકતું હથીયાર રાખી દઇ તેનો મોબાઇલ લૂંટી લઇ તેની બે સખીને પણ 'જો કુછ હૈ વો દે દો વરના ગોલી માર દૂંગા' કહી તેના પણ મોબાઇલ ફોન લૂંટી લેતાં અને ભાગી જતાં ચકચાર જાગી છે. પોલીસે લૂંટનો ગુનો નોંધી લૂંટારાની શોધખોળ શરૃ કરી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે મુળ પડધરીના જીલરીયા ગામની વતની અને હાલ ૧૫૦ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ બાલાજી પાર્ક-૭માં રહી કાલાવડ નજીકના આણંદપરની ગાર્ડી કોલેજમાં બીએચએમએસના થર્ડ યરમાં અભ્યાસ કરતી રિધ્ધી દિનેશભાઇ સોજીત્રા (પટેલ) (ઉ.૨૦)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૃધ્ધ લૂંટનો ગુનો નોંધ્યો છે.

રિધ્ધીએ વિગતો જણાવતાં કહ્યું હતું કે હું રાજકોટ રહી કોલેજમાં અભ્યાસ કરુ છું. મારા પરિવારજનો જીલરીયા રહે છે અને પિતા ઇમિટેશનનું કામ કરે છે. હું બસ મારફત કોલેજે આવ-જા કરુ છું. શુક્રવારે સવારે સાડા આઠેક વાગ્યે હું તથા સાથે અભ્યાસ કરતી આશા નિતીનભાઇ ચોૈહાણ અને અન્ય બહેનપણી દિપાલી મેણસીભાઇ નંદાણીયા એક જ કલાસમાં ભણતી હોઇ કોલેજ ખાતે ભેગી થઇ હતી. પરંતુ અગત્યના વર્ગ ન હોઇ જેથી અમે ત્રણેય બહેનપણીઓએ કોલેજના વર્ગમાં જવાનું માંડીવાળી ન્યારી ડેમે જઇ કોલેજને લગતો અભ્યાસ કરવાનું નકકી કર્યુ હતું.

સવારે નવેક વાગ્યે કોલેજથી નીકળી રીક્ષા બાંધી મેટોડા જીઆઇડીસી પાસે પાસે ઉતરી હતી. ત્યાંથી ન્યારી ડેમના પાટીયા સુધીની બીજી રિક્ષા બાંધી હતી અને રોડથી ન્યારી ડેમે સવા દસેક વાગ્યે અમે ત્રણેય પહોંચી ગઇ હતી. જ્યાં થોડીવાર અભ્યાસ કર્યો હતો અને નાસ્તો કર્યો હતો. બપોરે દોઢેક વાગ્યે ફરી અમારી કોલેજની બસ પકડવા જવા નીકળ્યા ત્યારે ન્યારી ડેમથી નીચે ઉતરતાં રસ્તા પર પહોંચતા આશરે ૨૫ થી ૩૦ વર્ષનો છોકરો આવ્યો હત. તેને મોઢા પર સફેદ રૃમાલ બાંધ્યો હતો. એ પણ અમારી સાથે સાથે ચાલવા માંડ્યો હતો. અમે બહેનપણીઓ ઝાડ પાસે ઉભા રહી ચુંદડી સરખી કરતા હતાં ત્યારે એ શખ્સે આવી કાળુ ચમકદાર હથીયાર મારા કપાળે રાખી દઇ મારો વીવો વાય-ફીફટી મોબાઇલ ફોન ખેંચી લીધો હતો.

આ શખ્સે હિન્દી ભાષામાં મારી બહેનપણીઓને પણ 'આપકે પાસ જો કુછ પૈસે વોલેટમેં હૈ વો મુજે દે દો વરના ગોલી માર દુંગા' તેવું કહી ધમકાવતાં બહેનપણીઓ ડરી જતાં દિપાલીનો રીયલમી સેવન મોબાઇલ ફોન અને આશાનો રેડમી મોબાઇલ ફોન ખેંચી લીધા હતાં. અમારા ત્રણેયના મળી ૧૭ હજારના મોબાઇલ ફોન લૂંટીને એ શખ્સ કાચા રસ્તા તરફ ભાગી ગયો હતો. તે શ્યામ વર્ણનો હતો અને લાલ-બ્લેક શર્ટ તથા કાળુ પેન્ટ પહેરેલા હતાં.

આ બનાવથતી અમે ત્રણેય ગભરાઇ ગઇ હતી. ન્યારી ડેમ આગળ રોડ પરથી પસાર થતાં એક કપલને અટકાવી તેની પાસેથી ફોન લઇ પોલીસને જાણ કરતાં પોલીસ આવી હતી અને અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં રિધ્ધીએ જણાવતાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, રમેશભાઇ સાંગાણી સહિતે ગુનો નોંધ્યો હતો. પોલીસે લૂંટારાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(1:47 pm IST)