Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

કાલાવાડરોડ ઉપર આવેલ 'ઇન્ફીનીટી હાઉસ'ના બિલ્ડર્સને બે માસની અંદર ફલેટ ધારકોને સુવિધા પુરી પાડવા ફોરમનો આદેશ

બે કરોડ ચુકવવા છતાં ફલેટોમાં એમેનીટીઝ પુરી નહિ પાડતા બિલ્ડર વિરૃધ્ધ ગ્રાહક ફોરમની લાલ આંખ : તમામ એમેનીટીઝ ઉભી કરાવી ખર્ચની તમામ રકમ બિલ્ડર પાસેથી વસુલાશે : મહત્વનો ચુકાદો

રાજકોટ તા. ૨૩ : બે કરોડ ના ફલેટમાં બિલ્ડર્સ દ્વારા જાહેરાત પ્રમાણેની એમીનીટીઝ ન આપીને છેતરપિંડી કરનાર બિલ્ડરને તમામ એમીનીટીઝ બે માસમાં પુરી પાડવા તથા શારીરીક, માનસીક, ત્રાસ પેટે રૃા.ર૦,૦૦૦ તથા ફરીયાદ ખર્ચના રૃા.પ,૦૦૦ ચુકવવા ગ્રાહક સુરક્ષા ફોરમે આદેશ કર્યો હતો.

આ બનાવની હકીકત જોતા રાજકોટના પોસ વિસ્તારમાં આવેલ કાલાવડ રોડ કેકેવી હોલ ચોક પાસે આવેલ લકઝરીયશ ફલેટ ઈન્ફીનીટી હાઉસના બિલ્ડર્સ લોભામણી જાહેરાતો આપી ફલેટ વેચ્યા બાદમાં પઝેશન સોંપતી વખતે ફલેટ ધારકને ખ્યાલ આવ્યો કે, જાહેરાતોમાં બતાવેલી અને જે શરતો હતી એ મુજબ પૂરતી સુવિધા ફલેટમાં અપાઈ નથી. જેથી ચોટીલા પાસે આવેલ જોલી રિસોર્ટના માલીક અને રાજકોટ રહેતા ફલેટધારક દિલીપભાઈ ધનજીભાઈ ઉમરાણીયાએ તથા અન્ય ચાર ફલેટ ધારકોએ બિલ્ડર ધીરેન અમૃતભાઈ ધોરડા સામે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ નોંધવી હતી.

આ અંગેની વિગત મુજબ સને ર૦૧૭માં કાલાવડ રોડ પર આવેલા પ,ન્યુ કોલેજવાડી વિસ્તારમાં આવેલા ઈન્ફ્રીનીટ હાઉસના બિલ્ડર ધીરેન ધોરડાએ હાઈરાઈઝ બિલ્ડીંગનો પ્રોજેકટ બહાર પાડયો હતો. જેની જાહેરાતમાં 'એમેનીટીઝ યુ ડીઝવ ફોર બીએચકે' પ્લાન તથા નકશા એલીવેશનનો આખો પ્લાન દર્શાવતો હતો. જેથી ચોટીલા પાસે આવેલા જોલી રિસોર્ટ એન્ડ વોટર પાર્કના માલિક રાજકોટમાં રહેતા દિલીપભાઈ ઉમરાણીયા તથા અન્ય ચાર ફલેટ ધારકોએ આ પ્લાનથી આકષાર્યને ફલેટ બુક કરાવ્યો હતો, ત્યારબાદ સને ર૦૧૮ બિલ્ડરે ફલેટ તૈયાર હોવાનું જણાવતા દસ્તાવેજ કરી આપ્યો હતો,પરંતુ ફલેટમાં જાહેરાત પ્રમાણે કોઈપણ સુવિધાઓ આપેલી નહતી.

આથી દિલીપભાઈ ઉમરાણીયાએ તથા અન્ય ચાર ફલેટ ધારકોએ તેમના વચન, વિશ્વાસ મુજબની એમેનીટીઝ પુરી ન પાડનાર બિલ્ડર ધીરેન ધોરડાને અવાર નવાર રજુઆતો કરી હતી, છતા બિલ્ડરે આ મામલે તકરારનુ હકરાત્મક અભિગમ અપનાવવા કોઈ ઠોસ પગલા નહિ ભરતા ફલેટ ધારકોએ ફરિયાદ કરી હતી.

જે ફરીયાદના કામે ફરીયાદીના એડવોકેટ મિહીર પી. દાવડા દ્વારા કાનુની લડતમાં જણાવેલ કે પ્રવર્તમાન સમયમાં સમાજમાં આવા કેસો બહોળી સંખ્યામાં વધી રહયા હોય બિલ્ડર્સો કાયદાઓનો ડર ન હોય લોભામણી જાહેરાતો આપી ફલેટો વહેંચી હાથ ઉંચા કરી દેતા હોય આવા બનાવ અવર નવર બની રહયા છે ત્યારે આવા છેતરપિંડી કરનાર બિલ્ડર્સોને સામે સીમાચીન રૃપ ચુકાદો આપવો જરૃરી હોય મહત્વની વાત તો એ છે કે આજ બિલ્ડર સામે અગાઉ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા ૧ર૦(બી) ગુન્હો નોંધાયેલ સાથે સાથે ગુજરાત રીયલ એસ્ટેટ ઓથોરીટી (રેરા) દ્વારા બિલ્ડર્સને રૃા.૧,ર૮,૦૦,૦૦૦ તા.૩૦/૧ર/ર૦૧૭ થી જયાં સુધી ચુકવે નહીં ત્યાં સુધી ૯% વાર્ષિક વ્યાજ સાથે ચુકવવાનો હુકમ થયેલ હતો. તથા વિવિધ કાયદાનો આધાર રાખી, જજમેન્ટસ, સ્ટેટ કમીશનર તથા નેશનલ કમીશનરના ઠરાવો રજુ કરેલ હતા. સમગ્ર ફરીયાદને ઘ્યાને લઈ રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા તમામ એમેનીટીઝ બે માસમાં પુરી પાડવા તથા શારીરક, માનસીક, દુઃખ, ત્રાસના વડતર પેટે રૃા.ર૦,૦૦૦ તથા ફરીયાદ ખર્ચ પેટે રૃા.પ૦૦૦ ચુકવવા આદેશ કરેલ તથા જો બે માસમાં તમામ એમેનીટીઝ પુરી ન પાડે તો ફરીયાદીએ સ્વખર્ચે તમામ એમેનીટીઝ ઉભી કરાવી તે તમામ ખર્ચની રકમ બિલ્ડર પાસેથી ૮% વ્યાજ સાથે વસુલ કરવા હકદાર રહેશે.

આ કામમાં ફરીયાદીના એડવોકેટ તરીકે રાજકોટના મિહીર પી. દાવડા, સહદેવ દુધાગરા, વિવેક ખુંટ, મયુર વેકરીયા, દર્શિત પીપળીયા, પાર્થ ધામેલીયા, જય પીપળીયા તથા સહાયક તરીકે શુભમ દાવડા, રોનક વેકરીયા રોકાયેલ હતા.

(4:22 pm IST)