Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

કેસરી પુલ પાસે મનોજ કોળીને સામુ જોવા મામલે પડખા-સાથળમાં છરીના ઘા ઝીંકાયા

રૃખડીયાપરાનો દીપો કોળી અને અજાણ્યો તૂટી પડ્યાઃ ગંભીર ઇજા

રાજકોટ તા. ૨૩: ભગવતીપરામાં રહેતાં કોળી યુવાન મનોજ કરસનભાઇ ગેડાણી (ઉ.૩૬)ને સાંજે કેસરી પુલ પાસે ભગીરથ પાન નજીક રૃખડીયાપરાના બે શખ્સોએ સામુ જોવા મામલે ગાળો દઇ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભગવતી પરા સ્વામિનારાયણ ડેરીવાળી શેરી શાંતિનગર-૩માં રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં ઘાયલ યુવાન મનોજના ભાઇ રોહિત બાબુભાઇ ગેડાણી (કોળી) (ઉ.૩૨)ની ફરિયાદ પરથી રૃખડીયાપરાના દીપો કોળી અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. રોહિતે જણાવ્યું હતું કે હું શુક્રવારે ઘરે હતો ત્યારે મને મારા મિત્ર લાલાનો ફોન આવ્યો હતો કે તારા ભાઇ મનોજને કોઇ અજાણ્યાએ છરી મારી છે તું જલ્દી પારેવડી ચોકમાં આવ. જેથી હું ત્યાં જતાં ૧૦૮ આવી ગઇ હોઇ મારા ભાઇ મનોજને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રસ્તામાં મને મારા ભાઇ મનોજે વાત કરી હતી કે તે સાંજે કેસરી પુલના છેડે ભગીરથ પાન નામની દૂકાને બેઠો હતો અને બાદમાં ઘરે જવા પુલના પગથીયા ઉતરતો હતો ત્યારે થાંભલા પાસે બેઠેલા દીપો કોળીએ સામુ કેમ જોવે છે? તેમ કહી ગાળો દઇ છરી કાઢી હુમલો કરી કમર, સાથળમાં ઘા ઝીંકી દીધા હતાં. જ્યારે તેની સાથેના શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો.  પીએસઆઇ કે. યુ. વાળાએ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(4:27 pm IST)