Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

રામપાર્કના યુવાન રવિ જોષીએ પોલીસ કમિશનર કચેરી પાસે ઇન્‍જેક્‍શન લઇ આપઘાતનો પ્રયાસ કર્યો

પત્‍નિ, પોલીસ, ડોક્‍ટર, એક યુવતિ હેરાન કરતાં હોવાનો આક્ષેપઃ રવિને હોસ્‍પિટલે ખસેડાતાં અહિ પહોંચેલી પત્‍નિ માધુરીએ કહ્યું-પતિ રવિના બે યુવતિ સાથેના લફરા મેં પકડી પાડતાં તેણે ખોટુ તૂત ઉભુ કર્યુ

રાજકોટ તા. ૨૩: મુળ જેતપુરના અને હાલ આજીડેમ ચોકડી પાસે રામપાર્કમાં રહેતાં અને નાનામવા સર્કલ નજીક મોકાજી સર્કલ પાસે આવેલી હોસ્‍પિટલમાં નોકરી કરતાં રવિ પ્રદિપભાઇ જોષી (ઉ.૩૦) નામના યુવાને આજે બપોરે શહેર પોલીસ કમિશનર કચેરી બહાર પોતાના હાથમાં એનેસ્‍થેસિયાનું ઇન્‍જેકશન લઇ લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ તેણે ચાર પાનાની સ્‍યુસાઇડ નોટ રજૂ કરી હતી. જેમાં સાથે નોકરી કરતી યુવતિ, એક પોલીસ કર્મચારી, એક ડોક્‍ટર તેમજ પોતાની પત્‍નિ પોતાને હેરાન કરતાં હોવાના આક્ષેપો કર્યા હતાં. જો કે પત્‍નિ પણ હોસ્‍પિટલે પહોંચી હતી અને તેણે કહ્યું હતું કે પતિના અન્‍ય છોકરીઓ સાથેના લફરાની પોતાને જાણ થઇ જતાં પોતે પુત્રને લઇ જતી રહી હોઇ પોતાને મળવા માટે પતિએ પોલીસ કમિશનર કચેરી પાસે બોલાવ્‍યા બાદ ઇન્‍જેક્‍શનનું તૂત ઉભુ કર્યુ હતું.

રવિ મુળ જેતપુરનો વતની છે. તેણે ચિઠ્ઠીમાં લખ્‍યું છે કે હું અગાઉ જેતપુર રહેતો હતો. આઠેક વર્ષ પહેલા માધુરી સાથે ઓળખાણ થતાં તેની સાથે જુનાગઢમાં આર્યસમાજમાં લગ્ન કર્યા છે. સંતાનમાં સાત વર્ષનો એક પુત્ર છે. હું હોસ્‍પિટલમાં નોકરી કરતો હોઉ ત્‍યાં ડોક્‍ટરની આસિસ્‍ટન્‍ટ યુવતિ સાથે પરીચય થતાં અમે બહાર મળવાનું ચાલુ કર્યુ હતું અને એ પછી મેં તેને કટકે કટકે અને વ્‍યાજે લઇને દોઢેક લાખની રકમ આપી હતી. એ પછી તેના અન્‍ય છોકરા સાથે લફરા હોઇ મને જાણ થઇ જતાં મેં તેને ઠપકો આપતાં તેણે હવે કોઇ સાથે નહિ બોલે તેમ કહ્યું હતું. મેં મારા પૈસા પાછા માંગતા તેણે ન આપી મારો ફોન નંબર બ્‍લોક કરી નાંખ્‍યો હતો.

હું તેની પાછળ પાછળ વાત કરવા જતાં મારો વિડીયો ઉતારી મારી પત્‍નિ અને પિતાને મોકલી હું તેને હેરાન કરુ છું એવું કહી દીધુ હતું. મારી વાઇફ મહિલા પોલીસ સ્‍ટેશને ગઇ હતી અને મારે લફરા છે તેવી ફરિયાદ કરી હતી. ત્‍યાં સમાધાન થતાં મેં એ યુવતિ સાથે બોલવાનું બંધ કરી દીધુ હતું. એ યુવતિ આમ છતાં મારી પત્‍નિને એવું કહેતી હતી કે હું તેને હેરાન કરુ છું. આ કારણે મારી પત્‍નિ મારા પર શંકા કરતી હતી. મેં તેને સમજાવતાં તેની શંકા ઓછી થઇ હતી. એ પછી ફરી એ સાથે રહેવા આવી હતી અને ફરી ઝઘડો થયો હતો. પોલીસમાં અરજી થતાં મને પોલીસે બોલાવ્‍યો હતો અને મારકુટ થઇ હતી. આ વખતે મારો સાત વર્ષનો દિકરો પણ હતો તે રડવા લાગ્‍યો હતો. એ પછી મારી અટકાયત થઇ હતી. મને સતત હેરાન કરવામાં આવતો હોઇ અને મારી વાઇફ પાસે મારો સાત વર્ષનો દિકરો હોઇ તેને મળવા દેવામાં આવતો ન હોઇ હું કંટાળી ગયો હતો. મારા દિકરા સ્‍મીતને મારા મમ્‍મી પપ્‍પાને આપી દેજો.

ઉપરોક્‍ત સહિતનું આક્ષેપો સાથેનું લખાણ રવિએ ચાર પેઇજ ભરીને લખ્‍યું છે. જો કે રવિ હોસ્‍પિટલમાં દાખલ થતાં તેની પત્‍નિ માધુરી પણ હોસ્‍પિટલે પહોંચી હતી અને જણાવ્‍યું હતું કે પતિને એક નહિ બબ્‍બે છોકરીઓ સાથે લફરા હોઇ મને તેની જાણ થઇ જતાં તેણે ખોટુ તૂત ઉભુ કર્યુ છે. 

(3:23 pm IST)