Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

રાજકોટ ગુરૂકુળને વિશ્વકક્ષાનો ગોલ્‍ડન બુક એવોર્ડ

વિશ્વમાં વ્‍યાપેલી પ્રતિભાઓને ઉજાગર કરવાથી અન્‍યને પ્રેરણા મળે છે : પ્રભુ સ્‍વામી : દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી ગુરૂકુળના વિદ્યાર્થી અને ગુરૂકુળ માટે જ જીવન સમર્પિત

રાજકોટ સ્‍વામિનારાયણ ગુરૂકુળના વડા શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીને ગોલ્‍ડન બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ વતી જીજ્ઞેશ વોરાએ એવોર્ડ અર્પણ કરેલ તે પ્રસંગની તસ્‍વીરમાં શ્રી પ્રભુ સ્‍વામી અને અન્‍ય સંતો ઉપસ્‍થિત છે.

રાજકોટ તા. ૨૩ : પ્રોત્‍સાહિતાથી જ માણસ કે સંસ્‍થા સમાજમાં વિશિષ્ટ રીતે ઉભરી આવે છે, એમ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ ખાતે શ્રી પ્રભુ સ્‍વામીએ જણાવ્‍યું હતું. વધુમાં તેઓએ કહ્યું હતું કે વિશ્વ પુષ્‍કળ પ્રતિભાવોથી ભરેલું છે, આ પ્રતિભાઓની પ્રતિભા અને કલા કૌશલ્‍યને ઉજાગર કરવાથી અન્‍યને પ્રેરણા મળે છે.

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાન વિશ્વમાં એક એવી સંસ્‍થા છે કે જેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમાં પોતાનું સમગ્ર જીવન સમર્પણ કરી રહેલ છે. જેઓનું બેંકમાં કોઈ એકાઉન્‍ટ નથી. કપડામાં પોકેટ નથી. પૈસાનો સ્‍પર્શ પણ કરતો નથી. વિના વેતને જીવન જીવતાં સંતો સહુ સાથે જમીન ઉપર જ સૂએ છે. નિત્‍ય સમૂહમાં જ કાસ્‍ટના પાત્રમાં ભોજન લે છે. આવા સંતો- ભૂતપૂર્વ વિદ્યાર્થીથી સંચાલિત વિશ્વની આ પ્રતિભાવંત સંસ્‍થા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટને એવોર્ડ અર્પી વિશ્વ સમક્ષ ઉજાગર કરતા અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ એમ ગોલ્‍ડન બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ વતી સ્‍વામી શ્રી વિરક્‍તજીવનદાસજી સ્‍વામીએ કહ્યું હતું.

શ્રી પ્રભુ સ્‍વામીએ કહ્યું હતું કે ગુરૂવર્ય શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી એક એવા સંત છે કે જેઓએ ૧૯૬૦માં ગુરૂકુલમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ લીધો. કોલેજકાળ દરમ્‍યાન ૧૯૬૬માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ રાજકોટના સંસ્‍થાપક ગુરૂદેવ શાષાીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીના ચરણોમાં એમણે જીવન સમર્પણ કર્યું. ગુરૂએ એમની પ્રતિભા પીછાણી. ૨૮ વર્ષના શિષ્‍ય શ્રીદેવકૃષ્‍ણદાસજી સ્‍વામીને શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલના ટ્રસ્‍ટી તરીકે લીધા. એમના દેહવસાન બાદ ૧૯૮૮માં ટ્રસ્‍ટી મંડળે મેનેજિંગ ટ્રસ્‍ટી તરીકે નિમણુંક કરી.

એ સમયે રાજકોટ ઉપરાંત જુનાગઢ અને અમદાવાદ એમ બે સંસ્‍થાઓ હતી. ૭૦ સંતો હતા. આજે શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીની નિશ્રામાં ૨૭૫ ઉપરાંત સંતો અને ૫૦ ઉપરાંત સંસ્‍થાઓ છે. જેમના આદેશ અનુસાર મહંત સ્‍વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામી તથા શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામીના માર્ગદર્શન અનુસાર સંતો કાર્યો કરે છે. આગામી ૨૨ થી ૨૬ ડિસેમ્‍બર દરમિયાન શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્‍થાનનો અમૃત મહોત્‍સવ ઉજવાશે. જેમાં  સમાજ સ્‍વસ્‍થ અને સુખી બને એ માટે ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સેવાઓના કાર્યો કરાવી રહ્યા છે.   

વધુમાં શ્રી પ્રભુસ્‍વામીના જણાવ્‍યા અનુસાર ગુરૂકુલના ઇતિહાસમાં પ્રથમ વખત આ રીતે સંસ્‍થાને વિશ્વ પ્‍લેટફોર્મ અપાવવામાં નિમિત બનનાર ગોલ્‍ડન બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ વતી શ્રી જીગ્નેશભાઈ ગોપાલભાઈ વોરાએ આ રેકોર્ડ શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીને અર્પણ કર્યો હતો. આ સમયે ઉપસ્‍થિત સેંકડો સંતો અને હજારો હરિભક્‍તો તથા વિદ્યાર્થીઓએ આનંદ અને હર્ષની લાગણી અનુભવી હતી.

(3:33 pm IST)