Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

રાજકોટમાં ત્રણ મકાનમાં ૨.૫૦ લાખના દાગીના અને પાઉન્‍ડની ચોરી

તસ્‍કરો સરકારી કર્મચારી સોસાયટીમાંથી રૂા.૧.૯૧ લાખના દાગીના અને ૧ હજારનો પાઉન્‍ડ, રૂા.૪૦ હજાર અને મોચીબજાર સ્‍કુલના કવાર્ટરમાંથી રૂા.૭૧ હજારની માતમતા ઉઠાવી ગયા

રાજકોટ, તા.૨૩: શહેરના ત્રણ અલગ-અલગ વિસ્‍તારમાં તસ્‍કરોએ તરખાટ મચાવી ત્રણ મકાનને નિશાન બનાવી સરકારી કર્મચારી સોસાયટીમાંથી રૂા.૧.૯૧ લાખ, સિતારામનગરમાંથી રૂા.૪૭ હજાર અને મોચીબજાર સ્‍કુલના કવાર્ટરમાંથી રૂા.૭૧ હજારની માલમતા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા ચોકડી પાસે સરકારી કર્મચારી સોસાયટી શેરી નં.૧માં રહેતા રાજેન્‍દ્રભાઇ ગોવિંદભાઇ ટાકોદરા (ઉ.વ.૬૬) એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે પત્‍નિ સાથે રહી નિવૃત જીવન ગુજારે છે. પોતાની બે પુત્રી સાસરે છે તા.૨૧ના રોજ પત્‍નિ નિરૂબેનના મોટા બહેન વસંતબેન વાડીયા જે લંડનમાં એલસબરીમાં રહે છે. તે ઘરે રોકાવા માટે આવ્‍યા હતા અને પંદરેક દિવસ રોકાયા બાદ પોતાની નાની દીકરી જે અમરેલીમાં સિવિલ હોસ્‍પિટલમાં બાયો મેડિકલ એન્‍જિનિયરની નોકરી કરતી હોઇ, તેને મળવા માટે જવાનુ હોઇ તેથી વસંતબેનનો જરૂરી સામાન સોનાના દાગીના તથા ચીજવસ્‍તુઓ અમારા ઘરે રાખ્‍યા હતા. બાદ પોતે તથા પત્‍નિ અને પાટલા સાસુ વસંતબેન ગઇ તા.૧૪ના રોજ ઘરના દરવાજાને તાળુ મારી બધા અમરેલી દીકરીના ઘરે ગયા હતા. બાદ પરમ દિવસે પરત આવ્‍યા ત્‍યારે ઘરની ડેલીનું તાળુ ખોલીને અંદર જોતા મુખ્‍ય દરવાજાનું તાળુ તુટેલુ જોતા અંદર જતા સામાન વેરવીખેર જોવા મળ્‍યો હતો. બાદ તપાસ કરતા કબાટમાં રાખેલ રૂા.૧.૯૧ લાખના સોનાના દાગીના અને યુ.કે.ના ૧૬ હજાર પાઉન્‍ડ ગાયબ જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ પોતે પોલીસમાં જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.આર.ઝાલા સહિતે તપાસ હાથ ધરી છે.

 જયારે બીજા બનાવમાં મોચી બજાર સ્‍કુલની અંદર કવાર્ટરમાં રહેતા સંદીપભાઇ જગદીશભાઇ જોષીએ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે પ્‍લાસ્‍ટિકની બંગડીનું મજુરી કામ કરે છે. માતા-પિતા સાથે રહે છે. ગઇકાલે પોતે ઘરેથી નોકરી એ જવા નીકળેલ અને માતા શારદાબેન જંકશનમાં શાળા નં.૨૬માં નોકરીએ ગયા હતા. વૃધ્‍ધ પિતા ઘરે એકલા હતા અને તે સાંભળી શકતા નથી અને ચાલી શકતા નથી તે ઘરે હતા અને ઘરનો દરવાજો ખુલ્લો હતો. માતા સાંજે નોકરીએથી ઘરે આવ્‍યા ત્‍યારે ઘરમાં ત્રણ કબાટ ખુલ્લા હતા અને તેના કપડા તથા સામાન વેરવીખેર જોવા મળતા તેણે ફોન કરતા પોતે તાકીદે ઘરે આવીને તપાસ કરતા સોનાના દાગીના તથા રૂ.૨૨૦૦ રોકડા મળી રૂા.૭૧,૭૦૦ની માલમતા ગાયબ જોતા ચોરી થઇ હોવાની ખબર પડતા પોતે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે હેડ કોન્‍સ આર.એલ.વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

જયારે ત્રીજા બનાવમાં કોઠારિયા સોલવન્‍ટ સિતારામનગર શેરી નં.૭માં રમણીકભાઇ લીંબાસીયાના મકાનમાં ભાડે રહેતા યાસીનબેન દાનેશભાઇ સીરા (ઉ.વ.૨૭) એ આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં તા.૧૯ના રોજ પોતે ઘરેથી દરવાજાને તાળુ મારીને જુનાગઢ હર્ષદનગરમાં પીયરે ગયા હતા. પતિ વડોદરા કામ અર્થે ગયા હતા બાદ ગઇકાલે પોતે પરત આવ્‍યા ત્‍યારે ઘરના મેઇન ગેઇટનું લોક ખોલીને અંદર જતા ઘરના દરવાજાનો લોક જોવામાં આવેલ નહી. દરવાજાનો આગળયો ખોલી અંદર જતા સામાન વેરવીખેર જોવા મળ્‍યો હતો. તપાસ કરતા કબાટનો લોક તુટેલો હતો અને તેમાં રાખેલા સોના ચાંદીના દાગીના તથા રૂા.૧૨૦૦૦ કરોડ રોકડા કુલ રૂા.૪૭૦૦૦ની માલમતા જોવા ન મળતા કોઇ અજાણ્‍યા શખ્‍સો ચોરી ગયાની ખબર પડી હતી બાદ પોતે આજી ડેમ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.સ પરમારે તપાસ હાથ ધરી છે.

(3:37 pm IST)