Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ઓનલાઇન ચીટીંગનો ભોગ બનેલા બે વ્‍યક્‍તિને રોકડ પરત અપાવાઇ

રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે રૂા. ૧.૭૦ લાખ અને રૂા. ૯૩૬૨૮ પરત અપાવતાં અરજદારો રાજીના રેડ : રોકાણમાં વધુ રિટર્ન અને યોનો એપ ચાલુ કરાવવાના બહાને ઠગાઇ થઇ હતી

રાજકોટ તા. ૨૩: ઓનલાઇન છેતરપીંડી માટે ગઠીયાઓ નીતનવા નુસ્‍ખાંઓ અજમાવી લોકોના રૂપિયા ખાઇ જતાં હોય છે. સાયબર ક્રાઇમ પોલીસ આવા ઘણા કિસ્‍સાઓમાં ભોગ બનનારને રકમ પરત અપાવે છે. ઓનલાઇન ચીટીંગનો ભોગ બનેલા બે લોકોને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે રૂા. ૧,૭૦,૦૦૦ અને રૂા. ૯૩૬૨૮ પરત અપાવતાં આ બંનેએ પોલીસનો આભાર માન્‍યો હતો.
અજીશ પટેલ નામના એક અરજદારને અજાણ્‍યા શખ્‍સે વેલ્‍થ ક્રિએશન કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી ૧૦૦ રોકાણકારોએ ઇન્‍વેસ્‍ટ કરેલી ટોટલ રકમ કોઇ મોટી કંપનીમાં રોકાણ કરી ૪૪ દિવસમાં રિટર્ન સહિતન રકમ પરત કરવાના પ્‍લાન બતાવી અલગ અલગ રીતે રૂા. ૧,૭૦,૦૦૦ પોતાના ખાતામાં ટ્રાન્‍સફર કરાવી ૪૪ દિવસ બાદ રકમ ન આપી ઠગાઇ કરતાં સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરતાં અરજી નોંધ ટેકનીકલ એનાલિસીસ કરી જે તે ગેટવેને લીગલ નોટીસ આપી અરજદારની ગયેલી પુરેપુરી રકમ પરત અપાવી હતી.
બીજા કિસ્‍સામાં અરજદાર નિલેષભાઇ બલભદ્રભાઇ શુક્‍લ જીએસઆરટીસીમાં મિકેનિકલ તરીકે નોકરી કરતાં હોઇ તેમને અજાણ્‍યા નંબર પરથી મેસેજ આવ્‍યો હતો કે-એસબીઆઇ બેંકની યોનો એપ્‍લીકેશન બંધ થઇ ગઇ છે જેથી કેવાયસી અપડેટ કરવું પડશે. નિલેષભાઇ વિશ્વાસમાં આવી જતાં તેણે ગઠીયાની સુચના મુજબ પાસવર્ડ, ઓટીપી સહિતની વિગતો મોકલી હતી. એ પછી તેના ખાતામાંથી રૂા. ૧,૨૧,૭૨૬ ટ્રાન્‍સફર થઇ ગયા હતાં. ઠગાઇના આ કિસ્‍સામાં પણ  રૂા. ૯૩૬૨૮ પરત આપાવાયા છે.
પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની રાહબરી અને એસીપી વી. એમ. રબારીના માર્ગદર્શનમાં આ કામગીરી પીએસઆઇ ડી. બી. કાકડીયા, હેડકોન્‍સ. હરિભાઇ સોંદરવા, ઉષાબેન પરમાર, કોન્‍સ. પુજાબેન વાળા, પિયુષ મુળશીયા અને દિવ્‍યાબેન ચોહાણે તથા મોૈનિકભાઇ ટંકારીયા, ભાવેશભાઇ સિરોડીયા, રાહુલભાઇ જળુ સહિતે કરી હતી.
સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન તરફથી અનુરોધ કરાયો છે કે બેંક કદી પણ ઓનલાઇન માહિતી માંગતી નથી. બેંકની માહિતી આપવાનું થાય તો રૂબરૂ બેંક ખાતે જવું જેથી ઠગાઇનો ભોગ બનતાં અટકી શકાય.

 

(4:07 pm IST)