Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

માંડા ડુંગર પાસે તિરૂમાલાની પારૂલ પરમારે ઝેર પીધું: પતિ-સાસરિયાના ત્રાસનો આક્ષેપ

પોલીસ કમિશનર વિરૂધ્‍ધ પણ પરિણીતાએ કર્યા ચોંકાવનારા આક્ષેપો

રાજકોટ તા. ૨૩: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે આવેલી તિરૂમાલા સોસાયટીમાં રહેતી પારૂલબેન રાજેશભાઇ પરમાર (ઉ.વ.૩૭) નામની મહિલાએ ગત સાંજે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. પારૂલબેને પતિ, સાસુ, સસરા સહિતના ત્રાસ આપતાં હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ પોતે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવા જતાં ત્‍યાં પણ યોગ્‍ય ન્‍યાય નહિ મળ્‍યાનો અને ઘરે જઇ દવા પી લેવાય તેવું કહેવાતાં પોતાને માઠુ લાગતાં દવા પી ગયાનું તેણીએ કહ્યું હતું. પોલીસ કમિશનર વિરૂધ્‍ધ ચોંકાવનારા આક્ષેપો થતાં ચર્ચા જાગી છે.
પારૂલબેન પરમારે ગત સાંજે ઝેર પી લીધી હતી. તેણી ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી છે અને સંતાનમાં બે પુત્ર છે. તેણીના માવતર રાજકોટમાં જ રહે છે. તેણીએ આક્ષેપો સાથે કહ્યું હતું કે મને લાંબા સમયથી પતિ, સાસુ, સસરા સહિતનો ત્રાસ છે. શંકા કરી નાની નાની વાતે હેરાન કરવામાં આવતી હતી. આ મામલે મેં મહિલા પોલીસમાં પણ અગાઉ અરજી કરી હતી. પરંતુ ન્‍યાય મળ્‍યો નહોતો. દિયર પોલીસમાં નોકરી કરતાં હોઇ પખવાડીયા પહેલા અમને પોલીસ કમિશનર કચેરીએ બોલાવવામાં આવ્‍યા હતાં. ત્‍યાં પણ યોગ્‍ય ન્‍યાય મળ્‍યો નહોતો. અધિકારીએ દવા પી લેવાય તેવું કહ્યાનો આક્ષેપ પણ પારૂલબેને કર્યો છે.

 

(4:08 pm IST)