Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

રાજકોટ જીલ્લાના જુદા-જુદા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં લમ્‍પી વાયરસના 126 કેસ આવતા પશુપાલકોમાં ચિંતાઃ 49 ટીમો દ્વારા રસીકરણ કામગીરી

પશુઓમાં આ રોગના લક્ષણો જોવા મળે તો પશુ ડોક્‍ટરનો સંપર્ક કરવા અપીલ

રાજકોટઃ રાજકોટ સહિત જીલ્લામાં જુદા-જુદા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં લમ્‍પી ાવયરસના 126 કેસ આવતા પશુપાલકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

ગુજરાતની જેમ રાજકોટ જિલ્લામાં પણ લમ્પી વાયરસનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને સત્તાવાર આંકડા મુજબ ગતસાંજ સુધી લમ્પી વાયરસનાં 126 કેસ રાજકોટ જિલ્લામાં નોંધાઈ ચુક્યા છે. જો કે તંત્ર દ્વારા આ વાયરસને રોકવા માટેની વેકસીનેશનની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. અને અત્યાર સુધીમાં પડધરી, લોધીકા, ગોંડલ જસદણ તેમજ રાજકોટ તાલુકા વિસ્તારમાં પ્રભાવિત 24,800 પશુઓને વેક્સીન આપવામાં આવી ચૂકી છે. સાથે-સાથે બેનર્સ, પોસ્ટર્સ તેમજ મીડિયાના માધ્યમથી પશુપાલકોની જનજાગૃતિ અર્થે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં માખી, મચ્છર, જૂ, ઇતરડી દ્વારા આ વાયરસ ફેલાતો હોવાથી સાફસફાઈ તેમજ રોગી પશુને અલગ રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લા પશુપાલન નાયબ નિયામક ડો. કે. યુ. ખાનપરાના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં લમ્પી સ્કીન રોગના 126 કેસ નોંધાયા છે. જે વિસ્તારમાં આ કેસ જોવા મળે છે તે પંથકની આસપાસના વિસ્તારમાં વેક્સિનેશન ઝડપી બનાવાયુ છે. હાલ તો રાજકોટ જિલ્લામાં પડધરી, લોધીકા, જસદણ, ગોંડલ તેમજ રાજકોટ તાલુકા વિસ્તારમાં કેસ વધુ જોવા મળતા હોઈ આ વિસ્તારોમાં 49 ટીમો દ્વારા 24,800 જેટલા વેક્સીનના ડોઝ છેલ્લા 10 દિવસમાં અપાઈ ચુક્યા છે. આ ઉપરાંત 1962 મોબાઈલ પશુ દવાખાનાને પણ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત પશુઓની સારવારમાં જોડી દેવામાં આવેલી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, સહકારી સંસ્થાઓ, ડેરીઓ પણ પશુઓને વેક્સિનેશન કાર્યક્રમમાં જોડાયેલા છે. તો ખાસ કરીને પશુપાલકો આ રોગ અંગે જાગૃત બને તે માટે ગામમાં બેનર્સના માધ્યમથી તકેદારી અંગે માહિતી આપવામાં આવી રહી છે. ઉપરાંત મીડિયાના માધ્યમથી પણ જાગૃતિ અર્થે વિગતો આપવામાં આવી રહી છે. આ રોગ માખી, મચ્છર, જૂ, ઇતરડી દ્વારા તથા સીધા સંપર્ક દ્વારા ફેલાતો હોઈ પશુઓની આસપાસ સાફ સફાઈ રાખવી, પશુમાં આ બીમારીના લક્ષણ જણાયે તેને અલગ રાખવું તેમજ તુર્તજ સારવાર માટે નજીકના દવાખાનમાં જાણ કરવાની અપીલ પણ તેમણે કરી છે.

(5:34 pm IST)