Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

એસટી બસ સ્ટેશન પાછળ ડો. અમર કાનાબારની હોસ્પિટલમાં જુલાઇ મહિનામાં ચોરી થઇ'તી

સત્કાર કોવિડ હોસ્પિટલમાં થયેલી ૩.૭૫ લાખની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યોઃ રીઢો તસ્કર જયેશ ઉર્ફ ડેવિલ પકડાયો

મુળ પ્રાંચીના વાસાવડનો શખ્સ અગાઉ રાજકોટ અને સુત્રાપાડામાં એક એટીએમ અને બે બેંકમાં ચોરીના પ્રયાસમાં સંડોવાયો હતોઃ ચોરી કરતાં પહેલા સીસીટીવીનું ડીવીઆર કાઢી સંડાસના પોખરામાં મુકી પાણીનો નળ ચાલુ રાખી દીધો હતો : જ્યાં ચોરી કરી હતી એ જ હોસ્પિટલમાં અગાઉ નોકરી કરી હતી પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમની કામગીરીઃ પ્રદિપસિંહ જાડેજા અને અમિતભાઇ અગ્રાવતની બાતમી : પ્રાંચીમાં દસ જ દિવસના અંતરે બબ્બે બેંકોમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો

રાજકોટ તા. ૨૩: એસટી બસ સ્ટેશન પાછળ આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં જુલાઇ મહિનામાં રૂ. ૩,૭૫,૦૦૦ની રોકડની ચોરી થઇ હતી. તસ્કરે સીસીટીવીનું ડીવીઆર ખેંચી કાઢી હોસ્પિટલના સંડાસના પોખરામાં નાંખી દઇ હાથફેરો કર્યો હતો. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી નાંખી મુળ ગીર સોમનાથના સુત્રાપાડાના પ્રાંચી તાબેના વાસવાડ ગામના જયેશ ઉર્ફ ડેવિલ વિઠ્ઠલભાઇ ઝાલા (કારડીયા રજપૂત) (ઉ.વ.૧૯)ને દબોચી લીધો છે. જ્યાં ચોરી કરી એ હોસ્પિટલમાં કોવિડ સમયે તે નોકરી ચુકયો હતો. અગાઉ પણ તે સુત્રાપાડા અને રાજકોટમાં ચાર એટીએમ તોડવાના પ્રયાસના ગુનામાં પકડાયો હતો.

આ બનાવમાં પોલીસે યુનિવર્સિટી રોડ પર શિવધામ સોસાયટી-૧માં રહેતાં અને એસટી બસ સ્ટેશન પાછળ કનક રોડ પર સત્કાર કોવિડ હોસ્પિટલ ચલાવતાં ડો. અમર જગદીશભાઇ કાનાબાર (લોહાણા) (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો.

ડો. અમર કાનાબારે પોલીસને જણાવ્યું હતું કે હું ૨૦/૭ના રોજ બપોરે બારેક વાગ્યે હોસ્પિટલના પહેલા માળે હતાં ત્યારે હોસ્પિટલના હોમકેરના જુના પેમેન્ટના રૂ. ૩,૭૫,૦૦૦ આવ્યા હોઇ તે તે હોસ્પિટલ સત્કાર કોવિડમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતાં જીજ્ઞાબેન ઝાલાને મારી ચેમ્બરના ટેબલના ખાનામાં મુકવા માટે આપ્યા હતાં.  આ રૂપિયાનું સાંજે અલગ અલગ પેમેન્ટ કરવાનું હતું. પણ કામમાં રોકાયેલ હોવાથી પેમેન્ટ કરી શકાયું નહોતું. ૨૨/૭ના સવારે નવ વાગ્યે હોસ્પિટલના સ્વીપર મીનાબેન સાફસફાઇ કરતાં હતાં ત્યારે સડાસના પોખરામાંથી હોસ્પિટલનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર જોવા મળતાં તેણે તુરત રિસેપ્શન પર તેજસ ગોસ્વામીને જાણ કરી હતી. એ પછી મને જાણ થતાં હું નીચે આવ્યો હતો. ડીવીઆર પલળીગયું હોઇ ખરાબ થઇ ગયું હોઇ અમે આઇસીયુ રૂમ ચેક કરતાં બધુ બરાબર જણાયું હતું.

એ પછી મારી ચેમ્બરમાં પેમેન્ટના ૩,૭૫,૦૦૦ રાખ્યા હોઇ તે યાદ આવતાં ત્યાં જોઇ જોતાં આ રૂપિયા જોવા મળ્યા નહોતાં. આથી અમે અમારી રીતે સ્ટાફને બોલાવી આજ સુધી પુછતાછ ચાલુ રાખી હતી. પરંતુ સગડ મળ્યા નહોતાં. અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એ-ડિવીઝન અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસ શરૂ કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના પ્રદિપસિંહ જાડેજા અને અમિતભાઇ અગ્રાવતને મળેલી બાતમીને આધારે જયેશ ઉર્ફ ડેવીલ ઝાલાને પીડીએમ કોલેજ નજીકથી સકંજામાં લઇ આકરી પુછતાછ કરવામાં આવતાં તેણે ચોરી કબુલી હતી. તેની પાસેથી રોકડ રકમ રૂ. ૩,૭૫,૦૦૦ કબ્જે કરવામાં આવી છે.

જયેશ ઉર્ફ ડેવિલ અગાઉ ૫/૭/૨૧ના રોજ સહકાર રોડ નારાયણનગર ત્રિશુલ ચોકમાં એસબીઆઇ બેંકનું એટીએમ તોડવાના પ્રયાસમાં પકડાયો હતો. એ પહેલા ૧૭/૬ના રોજ સુત્રાપાડાના પ્રાચી ગામે બેંક ઓફ ઇન્ડિયા ઘંટીયા શાખા બેંકની પાછળની બારી તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ ૨૭/૬ના રોજ ફરીથી પ્રાંચી ગામે જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન શાખાનું શટર લોખંડની ગ્રીલના દરવાજા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પ્રાંચીમાં દસ જ દિવસમાં બે વખત બેંકોમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લે રાજકોટની સત્કાર હોસ્પિટલમાં કે જ્યાં પોતે અગાઉ નોકરી કરી ગયો હતો ત્યાંના ભૂગોળથી તે જાણકાર હોઇ ત્યાં આવી રોકડની ચોરી કરી ગયો હતો. ચોરી કરતાં પહેલા સીસીટીવીનું ડીવીઆર કાઢી લઇ તેને સંડાસના પોખરામાં મુકી માથે પાણી રેડી દઇ નળ ચાલુ રાખીને બાદમાં રોકડ ચોરી ભાગી ગયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શનમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. સંજયભાઇ રૂપાપરા, નગીનભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી. 

(3:31 pm IST)