Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

તારો પતિ સારો માણસ નથી, એની હારે લગ્ન કરવાની જરૂર નહોતી...ફઇના દિકરાની પત્નિને ફસાવી કિશને સર્વસ્વ લૂંટ્યું

પરિણિતા ના પાડે તો મરવાની ધમકી દેતોઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી

રાજકોટ તા. ૨૩: 'તારો ઘરવાળો જરાય સારો માણસ નથી, તેની સાથે લગ્ન કરવાની જરૂર જ નહોતી'...પોતાના ફઇના દિકરાની પત્નિને આવી વાતો કરી પોતાની મોહજાળમાં ફસાવી અવર-નવાર શરીર સંબંધ બાંધી શારીરિક શોષણ કરી તેમજ મારકુટ કરી ધમકી આપનારા કિશન મનસુખભાઇ સોલંકી નામના મુળ લીંબડીના શખ્સ વિરૂધ્ધ માલવીયાનગર પોલીસે આઇપીસી ૩૭૬ (૨), (એન), ૩૨૩, ૫૦૪ મુજબ ગુનો નોંધી સકંજામાં લીધો છે.

ભોગ બનેલી પરીણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરણીને આવી ત્યારે મામાજીનો દિકરો કિશન સોલંકી સાથે જ રહેતો હતો. તેણે મને મારા પતિ વિશે નેગેટિવ વાતો કરવાનું શરૂ કર્યુ હતું. એ મને કહેતો કે તમારા પતિ સારા માણસ નથી, તેની સાથે લગ્ન કરવાની જરૂર નહોતી. અવાર-નવાર આ રીતે મારા પતિ વિશે તે વાતો કરી તેના તરફ આકર્ષણ થાય તેવા પ્રયાસ કરતો હતો. ધીમે ધીમે મારા પતિ સાથે મારા સંબંધ ઓછા થવા માંડ્યા હતાં અને કિશનથી હું નજીક આવી જતાં તે ઘરમાં કોઇ ન હોય ત્યારે એકલતાનો લાભ લઇ ના કહેવા છતાં બળજબરીથી શરીર સંબંધ બાંધી લેતો હતો અને મારજુડ કરી ગાળો પણ દેતો હતો. હું ના પાડુ તો મરી જવાની ધમકી આપતો હતો.

નાના બાળકો હોઇ અને સંસાર ન બગડે તેથી મેં ઘરમાં વાત કરી નહોતી. પણ પતિને મારા અને કિશન પર ઘણા સમયથી શંકા હતી. પછી મને હકિકત પુછતાં મેં તમામ વાત કરી દીધી હતી. એ પછી આજથી દસેક દિવસ પહેલા કિશનને ઘરમાંથી કાઢી મુકયો હતો. જતાં જતાં કિશને મારા વિરૂધ્ધ મારા પતિને ખોટી વાતો કરી હતી. એ પછી પતિ મારી સાથે ઓછુ બોલતા હોઇ ૨૧મીએ મેં કિશનને ફોન કરી મારા પતિને કેમ ખોટી વાતો કહી તેવું પુછવા પ્રયાસ કર્યો હતો પણ એ ફોન બીજાએ ઉપાડ્યો હતો. એ પછી મને માઠુ લાગતાં મેં ઝેરી ટીકડી પી લીધી હતી. પતિએ મને હોસ્પિટલમાં ખસેડી હતી.

પોલીસે ઉપરોકત કથનને આધારે કિશન વિરૂધ્ધ ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ કરી હતી. પીઆઇ કે. એન. ભુકણ, રાઇટર મયુરભાઇ મિંયાત્રા, અરૂણભાઇ બાંભણીયા સહિતે વધુ તપાસ હાથ ધરી છે.

(3:17 pm IST)