Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ડોમેસ્‍ટીક વાયોલન્‍સ એકટની ફરીયાદ રદ કરવાના હુકમ સામે થયેલ અપીલ નામંજુરઃ સેસન્‍સ કોર્ટનો ચૂકાદો

પતિ-પત્‍નિ વચ્‍ચેના વિવાદમાં બન્ને પક્ષની રજૂઆત બાદ સેસન્‍સ કોર્ટે અપીલ રદ કરી

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટમાં નવલનગર વિસ્‍તારમાં ભાડે મકાન રાખી રહેતા અરજદાર પત્‍નીએ તેમના પતિ રાજુ ઉર્ફે મનોજભાઈ ભૂપેન્‍દ્રભાઈ ત્રિવેદી સામે ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એકટ હેઠળ અરજી કરેલ અને તેમા વિવિધ કલમો હેઠળની માંગણી કરેલ. સદરહું કામમાં પુરાવાના અંતે નીચેની અદાલત દ્વારા ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એકટ હેઠળ અરજદારની ફરીયાદ રદ કરેલ સદરહું ફરીયાદ સામે અરજદાર પત્‍નીએ સેશન્‍સ અદાલતમાં અપીલ દાખલ કરેલ અને નીચેની અદાલતનો હુકમ રદ કરવા માંગણી કરેલ સદરહુ અપીલ ચાલી જતા રાજકોટના સેશન્‍સ જજશ્રી બી.બી. જાદવે અરજદાર પત્‍નીનની ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એકટ હેઠળ ફાઈલ કરવામાં આવેલ અપીલ રદ કરવાનો હુકમ ફરમાવેલ છે.
આ કેસની હકીકત એવી છે કે આ કામના અરજદાર પત્‍નીએ સિવિલ અદાલતમાં ફરીયાદ દાખલ કરી એવી રજૂઆત કરેલ કે, આ કામના સામાવાળા તથા તેના કુટુંબીજનો પોતાની માનસિકતા મુજબ અરજદારને મેણાટોણા મારતા તેમજ મારકુટ કરતા હતા તેમજ તા. ૩૦-૩-૨૦૧૮ના રોજ સવારના સામાવાળાઓએ ઢીકાપાટુનો માર મારી પહેરેલ કપડે કાઢી મુકેલાની તેમજ રૂા. ૫,૦૦,૦૦૦ લીધા વગર નહીં આવવા જણાવેલ અને અરજદારને ભાડાના મકાનમાં રહેવા માટે ફરજ પાડેલ. જેથી આ કામના અરજદાર પત્‍નીએ સામાવાળા પતિ તથા કુટુંબીજનો પાસે વિવિધ કલમો હેઠળ ડોમેસ્‍ટીક વાયોલન્‍સ એકટ હેઠળ દાદ માંગતી ફરીયાદ દાખલ કરેલ.
આ કામમાં અરજદાર પત્‍ની તરફે એવી રજૂઆત કરેલી કે આ કામના સામાવાળા ગ્‍લાસ એન્‍ડ ગ્રાફીકસના નામે ડેકોરેટીવ ગ્‍લાસ, સન ગ્‍લાસ, કાસ્‍ટીંગ ગ્‍લાસનું ખૂબજ મોટાપાયે કામ કરી દર માસ રૂા. ૧,૫૦,૦૦૦થી વધુની આવક મેળવે છે. તેમજ પોતાની માલિકીની હુંડાઈ કંપનીની અમેઝ કાર પણ ધરાવે છે. તેમજ સામાવાળાની માતા કેટરીંગનો ધંધો કરીને રૂા. ૫,૦૦,૦૦૦ ઉપર આવક ધરાવે છે અને સામાવાળાના ઘરમાં ભૌતિક સુખ સગવડના તમામ સાધનો છે. સામાવાળા ઉપર અન્‍ય કોઈની જવાબદારી નથી જેથી ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એકટની વિવિધ કલમો હેઠળ દાદ માંગેલ.ᅠ
સામાવાળા પતિ તરફે એવી રજૂઆત કરવામાં આવેલ કે અરજદાર પત્‍ની તા. ૩૦-૩-૨૦૧૮ના રોજ સવારના ૧૦.૩૦ વાગ્‍યે ઘરેથી સ્‍વેચ્‍છાએ નીકળી ગયેલ છે. સાંજ સુધી પરત નહીં આવતા સામાવાળાએ ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં ગુમસુદાની જાહેરાત કરેલ અને ત્‍યાર બાદ સીસીટીવી ફુટેજ ચેક કરતા અરજદાર પત્‍ની તેના મિત્ર સાથે ઘરમાંથી તમામ ચીજવસ્‍તુઓ લઈને સ્‍કૂટર પર જતા રહેલ છે. તેવી હકીકત આવતા ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં અરજદાર પત્‍ની તથા તેના મિત્ર સામે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી નો ગુન્‍હો પણ નોંધાયેલ જે વિગતો જોતા અરજદાર પત્‍નીના કહેવા મુજબ તા. ૩૦-૩-૨૦૧૮ના રોજ સામાવાળા તથા તેમના કુટુંબીજનોએ માર મારી કાઢી મુકેલની હકીકત સ્‍વીકારવા લાયક નથી.
ઉપરોકત રજૂઆત ધ્‍યાનમાં લઈ નામદાર સેશન્‍સ અદાલત એવા મંતવ્‍ય ઉપર આવેલ કે, સામાવાળા પતિએ અરજદાર પત્‍નીનો વિના કારણે ત્‍યાગ કરેલ હોવાનું પુરવાર કરવામાં અરજદાર પત્‍ની નિષ્‍ફળ ગયેલ હોય સામાવાળા પતિની આવકના પુરતા સાધનો ધરાવતા હોવા છતા અરજદાર પત્‍ની સામાવાળા પતિ પાસેથી ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એકટ હેઠળની કોઈપણ કલમ હેઠળ દાદ મેળવવા હક્‍કદાર બનતા ન હોય ઉપરોકત કામમાં બન્ને પક્ષની વિગતવારની દલીલો તેમજ નામદાર નીચેની અદાલતમાં લેવામાં આવેલ પુરાવાઓ તેમજ દસ્‍તાવેજી પુરાવાઓ તેમજ નામદાર ઉચ્‍ચ અદાલત તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્‍યાનમાં રાખી રાજકોટના મહે. સેશન્‍સ જજ બી.બી. જાદવે અરજદાર પત્‍ની દ્વારા ફાઈલ કરવામાં આવેલ ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એકટ હેઠળની અપીલ રદ કરવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામમાં સામાવાળા પતિ રાજુભાઈ ઉર્ફે મનોજભાઈ ભૂપેન્‍દ્રભાઈ ત્રિવેદી વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરિયા, હર્ષિલભાઈ શાહ, વિશાલભાઈ સોલંકી, વિજયભાઈ પટગીર, જીતેન્‍દ્રભાઈ ધૂળકોટીયા, રાજેન્‍દ્રભાઈ જોષી, પરાગભાઈ લોલારીયા તથા કિશનભાઈ ચાવડા રોકાયેલા હતા.


 

(3:49 pm IST)