Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

સગીરા ઉપર દુષ્‍કર્મ આચરી કુંવારી માતા બનાવવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા., ૨૪: અત્રે સગીરા પર દુષ્‍કર્મ આચરી કુંવારી માતા બનાવવાના ગુનામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત મુજબ થોરાળા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ લખાવેલ કે આરોપીઓ દ્વારા તેમની સગીર વયની દિકરી ઉપર દુષ્‍કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી આરોપીઓ દ્વારા ગુનો આચરવામાં આવેલ. આ ગુનામાં ફરીયાદીએ બે આરોપી સામે ફરીયાદ દાખલ કરેલ અને બંને આરોપીઓએ તેમની સગીર વયની દિકરી ઉપર દુષ્‍કર્મ આચર્યાની ફરીયાદ કરેલ.

આ ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. જેલમાં રહેલ આરોપી ઇરફાન હુસેનભાઇ આમરોણીયા રહે. ગંજીવાડા, રાજકોટવાળા, હાલ રહે. જીલ્લા જેલ રાજકોટ વાળાએ જામીન ઉપર છુટવા પોકસો અદાલતમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીઓ સામે સમાજ વિરોધી ગંભીર ગુનાનો આરોપ છે અને આરોપીઓ સગીરા ઉપર દુષ્‍કર્મ આચરી ગર્ભ રાખી દીધેલ અને સગીરાને હાલ બાળકનો પણ જન્‍મ થયેલ છે. તેથી સગીરાને કુંવારી માતા બનાવી દીધેલ છે. આવા સમાજ વિરોધી અને ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઇએ નહી. તેવી રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજશ્રી સુથારે જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:22 pm IST)