Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

૧૫૦ મહાનુભાવોના હસ્‍તાક્ષરો અને ૧૮૦ દેશોના સિકકાઓનું કલેકશન ધરાવે છે રાજકોટના રક્ષિત પાંભરઃ સ્‍વખર્ચે ગુજરી બજાર, સ્‍ક્રેપ માર્કેટમાંથી મેળવ્‍યા હસ્‍તાક્ષરો અને સિકકા

‘સફળતા ત્‍યારે કહેવાય જયારે તમારી સહી હસ્‍તાક્ષરમાં પરિવર્તિત થાય' : જાણીતા વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રી અબ્‍દુલ કલામ : હોકીના જાદુગર પદ્મભૂષણ મેજર ધ્‍યાનચંદ, પૂ. મહાત્‍મા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્રપસાદ સહિતના મહાનુભાવોના અસલ હસ્‍તાક્ષરનું વોટસન મ્‍યુઝિયમમાં ત્રિદિવસીય પ્રદર્શન યોજાયું

રાજકોટ તા.૨૧ : સફળતા ત્‍યારે જ કહેવાય જયારે તમારી સહી હસ્‍તાક્ષરમાં પરિવર્તિત થાય' આ વાકય જાણીતા વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રી અબ્‍દુલ કલામનું છે. હસ્‍તાક્ષરો કોને કરવા ન ગમે? ઓટોગ્રાફ અને સિગ્નેચર વચ્‍ચેની ભેદરેખા પાતળી છે. સિગ્નેચરમાં સત્તાનો સમાવેશ છે, જયારે ઓટોગ્રાફમાં આશીર્વાદ, લાગણી, લોકપ્રિયતા અને સફળતા સમાયેલી છે. તે અન્‍યોને પ્રેરિત કરે છે. હસ્‍તાક્ષર વિશ્‍લેષણના અભ્‍યાસુઓ પણ હોય છે. જેઓ હસ્‍તાક્ષર ઉપરથી વ્‍યક્‍તિ કેવો હોઈ શકે તેની સચોટ આગાહી પણ કરી શકે છે.

દેશ અને દુનિયાના આવા જ ૧૫૦ જેટલા મહાન અને લોકપ્રિય વ્‍યક્‍તિવિશેષના હસ્‍તાક્ષરો ધરાવતા રાજકોટના સંગ્રાહક રક્ષિત પાંભરના દુર્લભ સંગ્રહનું ત્રિદિવસીય પ્રદર્શન વોટસન મ્‍યુઝિયમ ખાતે વર્લ્‍ડ મ્‍યુઝિયમ ડે' નિમિતે યોજાયુ હતું.

શ્રી પાંભર વીસ વર્ષથી મહાનુભાવોના હસ્‍તાક્ષરો(નકલ કરેલા નહિ પણ અસલ)નું કલેકશન કરે છે. તેઓ આ સંદર્ભે વાત કરતાં કહે છે કે, ‘૧૨ વર્ષની વયથી દુનિયાભરના નકશાઓના અભ્‍યાસ કરતાં કરતાં તે દેશના ચલણ અને સિકકાઓનો સંગ્રહ કરવાની મેં શરૂઆત કરી. ધીમે ધીમે તેમાં વિવિધ દેશોના મહાનુભાવોના હસ્‍તાક્ષરો એકઠા કરવાનો પણ શોખ જોડાયો. હાલમાં મારી પાસે ૧૮૦ દેશોના સિકકા અને ૧૫૦ મહાનુભાવોના હસ્‍તાક્ષરોનું કલેકશન છે, જે પૈકી ૧૦૦ જેટલા દેશના જ મહાન હસ્‍તીઓના હસ્‍તાક્ષરો છે.'

મહાનુભાવોના હસ્‍તાક્ષરો મેળવવા આસાન નથી આ દુર્લભ કામ અંગે રક્ષિતભાઇ કહે છે કે, ‘અનેક રૂબરૂ મુલાકાતો પછી સ્‍વખર્ચે જૂની પુસ્‍તકોની બજાર, ગુજરી બજાર, વગેરે ખાતેથી મેં આ હસ્‍તાક્ષરો મેળવ્‍યા છે. વિદેશી મહાનુભાવોના કેટલાક હસ્‍તાક્ષરો પત્રલેખન અને ઓનલાઇન માધ્‍યમથી મેળવ્‍યા છે. વિદેશમાં મહાનુભાવોના ઓટોગ્રાફ અને સિગ્નેચર સાચવતી અનેક સંસ્‍થાઓ કાર્યરત છે. ત્‍યાં ઓટોગ્રાફનું મૂલ્‍ય વિશેષ હોય છે. આપણે ત્‍યાં સોના, ચાંદી, વસ્ત્રો, સિકકાઓનું મૂલ્‍ય છે ખરૂં, પરંતુ હસ્‍તાક્ષરને સંગ્રહ કરવાની કે તેનું મૂલ્‍ય જાળવવાની પ્રણાલિ વિદેશો જેટલી પ્રચલિત નથી.'

અસલ હસ્‍તાક્ષરો કઈ રીતે મળી શકે તેના જવાબમાં રક્ષિતભાઈ કહે છે કે, ‘મહાન હસ્‍તીઓએ તેમના હસ્‍તાક્ષરો તેમના વારસદારો કે ચાહકોને આપ્‍યા હોય છે, તેઓ તે સાચવી નથી શકતા અથવા તેના ગયા પછી તેમના વારસદારો આ હસ્‍તાક્ષરોનો નિકાલ કરી દેતાં હોય છે. જયાં નિકાલ કરે ત્‍યાં સંપર્ક સાધીને હું અમૂલ્‍ય હસ્‍તાક્ષરો મેળવતો હોઉં છું.'

મહાનુભાવોના ભાવભર્યા હસ્‍તાક્ષરના પ્રદર્શનમાં રાષ્ટ્રપિતા પૂ.મહાત્‍મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી, સ્‍વરસામ્રાજ્ઞી લતા મંગેશકર, ક્રિકેટર સચીન તેંડુલકર, ધર્મગુરૂ દલાઇ લામા, ભારતના પ્રથમ અવકાશયાત્રીશ્રી રાકેશ શર્મા, ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રીશ્રી જીવરાજ મહેતા, નવલકથાકાર અને તંત્રી સ્‍વ.હરકિસન મહેતા સહિતના મહાન હસ્‍તીઓના હસ્‍તાક્ષરનું દુર્લભ કલેકશન શ્રી પાંભર પાસે છે.

આ ઉપરાંત શ્રી પાંભરના હસ્‍તાક્ષર સંગ્રહમાં રાષ્ટ્રપતિ અને ભારતરત્‍ન ડો.રાજેન્‍દ્રપ્રસાદ જે દિવસે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્‍યા તે ૨૬ જાન્‍યુઆરીના દિવસે તેઓએ કરેલા હસ્‍તાક્ષર પણ ઉપલબ્‍ધ છે. ૧૯૩૬માં ભારતની હોકી ટીમ પદ્મભૂષણ મેજરશ્રી ધ્‍યાનચંદની આગેવાનીમાં જર્મની ખાતે યોજાયેલ ઓલીમ્‍પિકમાં વિજેતા બની હતી. તે તમામ ખેલાડીના તેમજ ૨૦૨૦માં ટોકીઓમાં યોજાયેલ પેરા ઓલમ્‍પિકમાં પણ જે ખેલાડીઓએ ભાગ લીધો તે તમામના હસ્‍તાક્ષર પણ શ્રી પાંભર પાસે ઉપલબ્‍ધ છે.

રક્ષિતભાઈએ અગાઉ બે વાર કાલાવડમાં સિક્કાઓનું પ્રદર્શન કર્યું હતું. પરંતુ અનેક વિશ્વ વિખ્‍યાત હસ્‍તીઓના ઓટોગ્રાફના - ‘મહાનુભાવોના ભાવભર્યા હસ્‍તાક્ષર'નું પ્રદર્શન પ્રથમ વખત રાજકોટમાં કરવાની તક વોટ્‍સન મ્‍યુઝિયમ દ્વારા મળી હતી. આ મ્‍યુઝિયમના કયુરેટરશ્રી સંગીતા એન. રામાનુજે કહ્યું હતું કે, અભિલેખિત વસ્‍તુઓને કેવી રીતે સુરક્ષિત કરવી, તેનું કલેક્‍શન કરવું, આવી ઉત્તમ કલાકૃતિઓ અને દસ્‍તાવેજની જાળવણી માટે યુવાઓને પ્રોત્‍સાહન અને પ્રેરણા મળેᅠ તેમજ મહાન વ્‍યક્‍તિઓ તથા તેઓના કાર્યમાંથી પ્રેરણા મળે એવા ઉમદા ઉદ્દેશ્‍યથી આ પ્રદર્શનનું આયોજનᅠ કર્યુ હતું.

(11:58 am IST)