Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

અમારે લોકોમાં મીઠાશ વહેંચી, હૈયે ટાઢક પહોંચાડવી છે : રાહુલભાઇ - ચુનીલાલભાઇ દુબરિયા

ગુજ્જુઓને ગજવા હળવા કરવા મજબૂર કરતી દૂધ અને ફ્રૂટની દેશી નેચરલ કુલ્‍ફી : ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે, ગામડાના ચોખ્‍ખા દૂધ, ગાયના દૂધનો માવો અને કોઇપણ ફલેવર ભેળવ્‍યા વિના બનતી નેચરલ પ્રખ્‍યાત ‘બાપા સીતારામ કેન્‍ડી' : કેન્‍ડી એકદમ તાજીજ બને છે તેનો સ્‍ટોક કરતા નથી : ઉપરાંત કોઇજાતની મીલાવટ કરતા નથી : તમામ વસ્‍તુઓનો નેચરલ જ ઉપયોગ :દુબરિયા પરિવાર સાથે મળી ૫ થી ૬ કલાકની મહેનત પછી દરરોજ ૩૦ લીટર દૂધ અને ઓરીજનલ ફ્રૂટ માંથી બનાવે છે ૭ થી ૮ ફલેવરની ૫૦૦ થી ૬૦૦ લાજવાબ કુલ્‍ફી : આ સ્‍વાદિષ્ટ કુલ્‍ફીની કિંમત ૧૫ રૂપિયાથી શરૂ કરી ૨૫ રૂપિયા સુધી છે જયારે ડ્રાયફ્રુટ કુલ્‍ફી રૂ. ૩૦ માં મળે છે : આપણા ગુજરાતીઓની ગળથૂથીમાં વસેલા ગળપણનો જો રીયલ ટેસ્‍ટ કરવો હોય તો કંઇપણ વિચાર્યા વિના ભૂતકોટડા પહોંચી જાવ : સરનામુ : બાપા સિતારામ કેન્ડી ‘ખોડિયાર ­પ્રોવિઝન’, રાજકોટ મોરબી હાઇવે, ગામ ભૂતકોટડા, ગામમાî ­વેશદ્વારની અîદર ­વેશતાî જ પહેલી દુકાન રાહુલભાઇ - ૯૬૩૮૦૨૪૪૫૫

આમ તો ખાવા પીવા માટે શ્રેષ્ઠ સિઝન શિયાળો છે પણ આપણે ગુજ્જુઓ માટે તો ૩૬૫ દાડા અને ગમે તે ઋતુ સ્‍વાદોત્‍સવ મનાવવા કાયમ હોટ જ હોય છે. હોટ - હોટ ઉનાળો પણ એ...ય ને ટેસડાથી જ પસાર થાય છે. હાલ આ ગ્રીષ્‍મ ઋતુમાં જયારે સૂરજદાદાએ તેમનો મિજાજ બતાવવો શરૂ કર્યો અને જાણે ખાસ ગરમીની રાહ જોઈને બેઠેલા જીભના જીવડાઓ જીવંત થઈ ગયા. ન સમજયા..!? અરે જેને જોઈને જ લાળ ટપકવા માંડે તેવા મધુર આઈસ્‍ક્રીમ અને કુલ્‍ફી એ ગુજ્જુઓને ગજવા હળવા કરવા મજબૂર કરી દીધા છે. અમે સ્‍વાદ શોખીનો માટે રાજકોટ નજીક આવેલા ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામની મુલાકાતે જઇ ચડ્‍યા. ત્‍યાં દાઢે વળગે એવી દૂધ અને ફ્રુટની દેશી કુલ્‍ફી ની બોલબાલા છે. ગામેગામ થી લોકો અહીં કુલ્‍ફીનો આસ્‍વાદ માણવા આવે છે. કોઈપણ ફલેવર ભેળવ્‍યા વિના એકદમ તાજે તાજી કુલ્‍ફી માટે પ્રખ્‍યાત છે બાપા સીતારામ કુલ્‍ફી' વાળા ચુનીલાલભાઇ દુબરિયા અને રાહુલભાઇ દુબરિયા.

મૂળ ખેતીના વ્‍યવસાય સાથે સંકળાયેલા ચુનીલાલભાઈ પટેલે જણાવ્‍યું કે, અમે વર્ષોથી ખેતી કરીએ, પરિસ્‍થિતિ નબળી એટલે સાથે સાથે કંઈક નવું કરવા વિચાર્યું. એમાં લોકોને મીઠાશ વહેંચવી એવું નક્કી કર્યું એટલે ઘરબેઠા થઇ શકે અને લોકોને ચોખ્‍ખી વસ્‍તુ મળે માટે લગભગ ૧૫ વર્ષ પહેલા કેન્‍ડી બનાવવાનું શરૂ કર્યું. જયારે કેન્‍ડી બનાવવાની શરૂઆત કરી ત્‍યારે આપણા ઘરના ફ્રીઝ હોય તેમાં બનાવતા. ચૂલામાં દૂધ ગરમ કરી અને કેન્‍ડી જમાવવા મુકતા પણ સામાન્‍ય ફ્રિઝમાં ટેમ્‍પરેચર હળવે હળવે વધે એટલે જયારે કેન્‍ડી હાથમાં લઈએ ત્‍યારે દૂધ અને માવો નીચે રહી જાય અને ઉપર બરફ લાગતો એટલે ફ્રીઝ વાળા વ્‍યક્‍તિની સલાહ લીધી. તેમણે કહ્યું કે, આમાં આ સામાન્‍ય ફ્રીઝ નહીં પણ તેના અલગ ફ્રીઝ આવે અને કુલ્‍ફીને કઈ રીતે સાચવવી તેની પદ્ધતિ બતાવી. આ જાણ્‍યા પછી વચ્‍ચે લગભગ ૮ થી ૧૦ વર્ષ કુલ્‍ફી બનાવવાનું બંધ કરી દીધું. એ પછી એકવાર ગાંધીનગરમાં લાગેલા ફૂડ એક્‍ઝિબિશનમાં અમે જઈ ચડ્‍યા અને ત્‍યાં કુલ્‍ફી જમાવવાના ફ્રીઝ જોયા. એ પછી જુના ફ્રીઝ ખરીદી અને ફરી કુલ્‍ફી બનાવવાનું શરૂ કર્યું અને હવે છેલ્લા ચાર - પાંચ વર્ષથી અત્‍યારની ટેકનોલોજી મુજબ કુલ્‍ફી બનાવીએ છે. આ માટે આ વર્ષે નવો પ્‍લાન્‍ટ ખરીદી અને પદ્ધતિસર લાજવાબ દેશી કુલ્‍ફી બનાવી રહ્યા છીએ.

 રાહુલભાઈ કહે છે, અમારે ગામડામાં સાંજે ૮ વાગે તાજે તાજુ દૂધ આવે એટલે દરરોજનું દૂધ લઈ અને એકદમ તાજેતાજી કુલ્‍ફી બનાવીએ છીએ પરિણામે લોકોને વસ્‍તુ ફ્રેશ જ મળે છે. તેમાં કેમિકલ નાખતા નથી. અમે બધાની હેલ્‍થનું ધ્‍યાન રાખીએ છીએ. ચૂનીલાલભાઇ કહે છે, પહેલા અમારે દેશી નળિયાવાળા મકાન હતા. પરિસ્‍થિતિ ખુબજ નબળી હતી. ૧૫ વિઘા ખેતી છે જેમાં જાત મહેનત કરી આજે પાકા મકાન બાંધ્‍યા છે. હાલ તેમને ત્‍યાં બે ગીર ગાય છે. જેના દૂધમાંથી તૈયાર થતો શુધ્‍ધ માવો આ કુલ્‍ફીનો ટેસ્‍ટ ઓર વધારે છે.

બાપા સીતારામ કેન્‍ડી દ્વારા વિવિધ ફેલવરની કેન્‍ડી બનાવવામાં આવે છે. જેમાં ચીકુ, પિસ્‍તા, કેસર અને માવા સૌથી વધુ વેંચાય છે. આ કેન્‍ડી ભૂતકોટડાથી બની અને હરીપર, હડબટીયાળી, ટંકારા, સરાયા, સાઉડી, જયનગર, ગણેશપર, કલ્‍યાણપર, પ્રભુનગર, મોરબી, રાજકોટ (કણકોટ પાટિયા પાસે માધવ પાન) વગેરે ૧૨ થી ૧૫ ગામોમાં સપ્‍લાય થાય છે. દરરોજ કુલ્‍ફી બની અને આ જગ્‍યાએ સપ્‍લાય થાય છે. આ લાજવાબ સ્‍વાદિષ્ટ કુલ્‍ફીની કિંમત ૧૫ રૂપિયાથી શરૂ કરી ૨૫ રૂપિયા સુધી, જયારે ડ્રાયફ્રુટ કુલ્‍ફી રૂપિયા ૩૦ માં મળે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે દુબરિયા પરિવારના સભ્‍યો જ આ કુલ્‍ફી સાથે મળીને બનાવે છે. જેમાં ચુનીલાલભાઈ તેમના પત્‍ની વજીબેન તથા રાહુલભાઈ અને તેમના પત્‍ની નીધાબેન સાથ આપે છે. ચુનીલાલભાઇ કહે છે, અમારા બાળકો ૨ થી ૩ કેન્‍ડી ખાઇ જાય તો પણ આ ગરમ પડતી નથી. હાલ દરરોજ ૩૦ લીટર દૂધ ની ૫૦૦ થી ૬૦૦ કુલ્‍ફી દરરોજ બનાવે છે. જો ઓર્ડર આવે તો તે મુજબ વધુ પણ બનાવી આપે છે. શિયાળામાં તેની માંગ સ્‍વાભાવિક ઓછી થઇ જાય છે. જયારે અત્‍યારે સિઝનમાં ભરપુર માંગ રહે છે. રાહુલભાઇ કહે છે, અમે જરૂરિયાત મુજબજ માલ બનાવીએ છીએ. અમને ૨૦૦ લીટર દૂધની કુલ્‍ફી બનાવતા પણ આવડે છે પણ કમાઇ લેવાની અમારી નીતિ નથી. અમારે લોકોને ચોખ્‍ખો માલ આપવો છે જેથી ક્‍વોલિટી જળવાય. અમારાથી શક્‍ય ન હોય તો અમે ઓર્ડર પણ કેન્‍સલ કરી નાંખીએ છીએ. ૩૦ લીટર કુલ્‍ફી બનાવતા ૫ થી ૬ કલાક જેટલો સમય લાગે છે. દરરોજ રાત્રેજ પરિવાર સાથે મળી કેન્‍ડી બનાવે છે. અત્‍યાર સુધીમાં સૌથી મોટો ઓર્ડર ૭૦૦ કેન્‍ડીનો મળ્‍યો હતો.

 આટલું વાંચીને જો મધલાળ ટપકી હોય તો વિચારો તેનો સ્‍વાદ ચાખીને કેવી મજ્જા આવે? આપણા ગુજરાતીઓની ગળથૂથીમાં વસેલા ગળપણનો જો રીયલ ટેસ્‍ટ કરવો હોય તો કંઇપણ વિચાર્યા વિના ભૂતકોટડા પહોંચી જાવ. અહિં અદભૂત કેન્‍ડીઓની મીઠાસ સાથે લોકોને શુધ્‍ધતા, ક્‍વોલિટી અને પ્‍યોરીટી સાથે વિશ્વાસ પણ મળે છે. મનલુભાવન કુલ્‍ફીનો મધુરસ એવો છે કે મોંમાં ખાધા પછી પણ ઝરતો રહે છે. ચીકુની કેન્‍ડી મોમાં મુકતા જાણે ચીકુ શેક પિતા હોઇએ તેવું લાગે તો પિસ્‍તા અને કેસર કુલ્‍ફીની અસર સ્‍વાદની કોઇ કસર છોડતી નથી. 

રાહુલભાઇ કહે છે, પહેલા મારે ઇમીટેશનનો ધંધો હતો. તેમાં મજુરી કામ કરતો પછી તે બંધ કરી આ ધંધામાં લાગી ગયો. કુલ્‍ફી બનાવવાનું કામ છેલ્લા પાંચ વર્ષથી નિયમીત ચાલે છે. જયાં અમારી કેન્‍ડી સપ્‍લાય કરીએ છીએ તે ગામડાઓ આ વર્ષથી વધાર્યા છે. હું પોતેજ ઇકોવાનમાં ગામડે ગામડે ફરી ઓર્ડર મળ્‍યા હોય તે મુજબ માલ પહોંચાડવા જાઉં છું. બીજી કંપની કરતા અમારી કેન્‍ડી એકદમ તાજીજ બને છે. તેનો સ્‍ટોક કરતા નથી. ઉપરાંત કોઇજાતની મીલાવટ કરતા નથી. અમે તમામ વસ્‍તુઓનો નેચરલ જ ઉપયોગ કરીએ છીએ. અમારે કોઇની સાથે સ્‍પર્ધાજ નથી કારણ બીજાની કેન્‍ડી ઓગળે અને પાવડર દેખાય જયારે અમારી કેન્‍ડી ઓગળે તો સીધુ દૂધ જ થઇ જાય તેવી હોય છે. આપણે આપણા માલની કિંમત ન કરીએ તો લોકો પણ નહીં કરે. અમે કુલ્‍ફી બનાવતા ક્‍યારેય હિસાબ નથી કર્યો કે કેટલો નફો થાય છે. અમારે તો બસ લોકોને દિલથી ખવરાવવું છે.

હાલ તો કેન્‍ડીમાં ૭ થી ૮ ફલેવર આપીએ છીએ પણ થોડી વ્‍યવસ્‍થા થાય પછી ભવિષ્‍યમાં સુગર ફ્રિ કેન્‍ડી, કપમાં આઇસ્‍ક્રીમ વગેરે પણ શરૂ કરીશું. રાહુલભાઇનું કહેવું છે કે, ભવિષ્‍યમાં શહેરમાં પણ કેન્‍ડી લાવશું પણ ગામડું મૂકીને નહીં આવીએ. પ્રકૃતિ પ્રેમી રાહુલભાઇએ વર્ષો પહેલા ૭૫૦ વૃક્ષ વાવ્‍યાઙ્ખતા. હજી પણ વાવે છે. તેમના ઘરે ૮ થી ૧૦ ચકીલાના માળા પણ છે. તેઓ કહે છે, ગામડું છે તો બધું છે. ચુનીલાલભાઇના મોટા દિકરા અમિતભાઇ દુબરિયા રાજકોટ ખાતે બી.ટી. સવાણી હોસ્‍પીટલમાં એચ.આર મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ દુબરિયા પરિવાર કુલ્‍ફી બનાવી લોકોમાં મીઠાશ વેંચી હૈયે ટાઢક પહોંચાડવાનું કામ કરે છે. સ્‍વાદસિયાઓએ એકવાર આ કુલ્‍ફી નો અદભૂત ટેસ્‍ટ અચૂક માણવા જેવો છે.

ગરમી મે ઠંડી કા અહેસાસ કરાવતી કુલ્‍ફીની આ છે ફલેવર્સ

ચીકુ, પિસ્‍તા, માવા, કેસર, ગુલકંદ, કોકોનટ, સિતાફળ (સિઝનલ), ચોકલેટ (ઓર્ડર મુજબ), તરબુચ (પાણીની કેન્‍ડી) ઉપરાંત ઓર્ડર પ્રમાણે આમાંથી જે ફલેવર્સ શક્‍ય બને તે બનાવી આપે છે. અનેક લોકો અહિં આવી સ્‍વાદ માણે છે તો કેટલાય લોકો ઘરે પણ લઇ જાય છે.

 

વિદેશીઓ દેશી કેન્‍ડીનો સ્‍વાદ ચાખી બોલી ઉઠ્‍યા બ્‍યુટી ફુલ.. વી વોન્‍ટ મોર..'

ગુલ્‍ફીને લઈને એક કિસ્‍સો યાદ કરતા ચુનીલાલભાઈ દુબરીયાએ જણાવ્‍યું હતું કે, ૭ વર્ષ પહેલા અમારા ભૂતકોટડા ગામમાં કેટલાક વિદેશીઓ અમેરિકાથી આવ્‍યા હતા. એ લોકો અહીં અલગ અલગ જાતના પથ્‍થર ઉપર સંશોધન કરવા આવ્‍યા હતા.

તેઓ ફરતા ફરતા અમારા ખેતરે આવી ચડ્‍યા અને મેં તેમને અમારા ખેતરમાંથી નીકળતા કેટલાક પથ્‍થર બતાવ્‍યા. તેઓએ એક પથ્‍થર હાથમાં લઈ હથોડીથી ભાંગ્‍યો અને ચાટ્‍યો અને બોલ્‍યા કે ધીસ સ્‍ટોન ઇસ વેરી ફાઈન.

તેમ કરી તેઓએ મને ડોલર આપ્‍યા એટલે મેં કહ્યું, મારે આ ડોલરને શું કરવા છે. તેમની સાથે તેમનો ડ્રાઇવર હતો તેમણે તે વિદેશીઓને કહ્યું કે આને રૂપિયા આપો. એ અમેરિકાનો એ મને ૫૦૦ રૂપિયા આપ્‍યા. મારી સાથે એક ભાઈ હતા તેને પણ ૫૦૦ રૂપિયા આપ્‍યા.

અમે કહ્યું અમારે આ રૂપિયાની જરૂર નથી અમે આ રૂપિયામાંથી ગાયોને ચારો નાખી દેશું. અમે ગાયોને હજાર રૂપિયાનો ચારો નાખ્‍યો. એ વખતે મેં એ વિદેશીઓને અમારી દેશી કુલ્‍ફી ખવડાવી.

એ સ્‍વાદ એમને ડાઢે વળગી ગયો અને કહેવા લાગ્‍યા બ્‍યુટીફૂલ.. વી વોન્‍ટ મોર.. વેરી નાઇસ' કરી એક બે ફલેવરની કુલ્‍ફી ખાઈ ગયા અને ખૂબ રાજી થયા.

 

આ રીતે બને છે દાઢે વળગે તેવી દેશી કુલ્‍ફી

ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામની પ્રખ્‍યાત બાપાસીતારામ કેન્‍ડી એ બજારમાં મળતી વિવિધ કંપનીઓની કેન્‍ડી ને ટક્કર મારે એવી છે. ઘણીવાર એવું બનતું હોય કે લોકો પોતાની રેસીપી ન જણાવે પણ ચુનીલાલભાઈ અને રાહુલભાઈ દુબરિયાએ તેમની ટેસ્‍ટફૂલ કેન્‍ડી કઈ રીતે બને છે તે એકદમ ખુલ્લા મને જણાવ્‍યું હતું. તેઓએ કહ્યું કે, સૌ પહેલા ગામમાંથી તાજે તાજુ દૂધ લાવીએ, પછી એને પ્રમાણસર ગરમ કરી તેમાં ગાયના દૂધમાંથી બનેલો માવો નાખીએ, એજ રીતે તેમાં માપસર ખાંડ નાખવાની. અમે સેકરીનનો ઉપયોગ કરતા નથી. ખાંડ નાખ્‍યા બાદ દૂધને ખૂબ જ ઉફાળો આવે એટલું ઉકાળી અને હલાવતા રહીએ જેથી માવો તળિયે જામી ન જાય. પછી તેને યોગ્‍ય રીતે ઠરવા દઇએ. એ પછી તેમાં અલગ અલગ ફ્રુટની ફલેવર ઉમેરીએ. એમાં કોઈ કેમિકલ નો ઉપયોગ કરતા નથી. જે ફલેવર આવે તે ઓરીજનલ ફ્રુટ ને મિક્‍સરમાં ક્રશ કરી ભેળવીએ. એ બાદ કેન્‍ડીના ફર્મા સાફ કરી તેમાં તૈયાર લિક્‍વીડ ફરી જામવા મૂકે અને અંતે તૈયાર થાય સ્‍વાદિષ્ટ દેશી કુલ્‍ફી. આ ફલેવરમાં ચીકુ, નાળિયેર, ગુલકંદ, પિસ્‍તા, કેસર, માવા, સીતાફળ સીઝનલ, તરબૂચ ની પાણીની કેન્‍ડી વગેરે સાત થી આઠ ફલેવરની કેન્‍ડી અમે બનાવીએ. જો કોઈનો ઓર્ડર હોય તો તે મુજબ ચોકલેટ કેન્‍ડી પણ અમે બનાવીને આપીએ છીએ. અમે કુલ્‍ફી પબ્‍લીકની સામેજ બનાવીએ છીએ.

 

જયેશ ભટાસણા

ટંકારા

મો. ૮૧૪૧૨ ૦૮૮૭૩

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

 

(3:00 pm IST)