Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

રાજકોટમાં એક મહિનાની અંદર હિટ સ્‍ટ્રોકના ૭૩૭ કેસ નોંધાયા

બેભાન થવું, ચક્કર આવવા, લુ લાગવી જેવા કેસો વધ્‍યાઃ આરોગ્‍ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેરઃ બપોરે બહાર ન નીકળવુ, ગરમીથી શરીરનું રક્ષણ કરવુ

રાજકોટ તા. ૨૪: ઉનાળાની કાળઝાળ ગરમીમાં અસહ્ય તાપ પડી રહ્યો છે. માનવી તો ઠીક પશુ-પક્ષી પણ ગરમીને લઇને ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે. આ ગરમીમાં સવારે ૯ વાગ્‍યે પણ બહાર નીકળીએ તો ૧૨ વાગ્‍યા જેવો તાપ સહન કરવો પડે છે. આરોગ્‍ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે અને બપોરે બહાર ન નીકળવાની તેમજ પાણી વધુ પીવા જેવા સલાહ સૂચન આપવામાં આવ્‍યા છે. આ ઉનાળામાં હાલ રાજકોટમાં ગરમી ૪૪ ડિગ્રીને પાર પહોંચી છે. જેને લઇને લોકોમાં ઝાડા, ઉલ્‍ટી, બેભાન, ચક્કર, લુ લાગવી જેવા કેસો વધ્‍યા છે. શહેરમાં એક મહિનામાં હિટ સ્‍ટ્રોકના ૭૩૭ જેટલા કેસ નોંધાયા છે.

રાજકોટ જિલ્લાના ૧૦૮ પ્રોગ્રામ મેનેજરના જણાવ્‍યા અનુસાર, ઉનાળામાં ૧૦૮ના ફોન કોલ્‍સમાં વધારો થયો છે. વધતી જતી ગરમીને લઇને ચકકર આવવા, લુ લાગવી, બેભાન થવાના, ઝાડા, ઉલ્‍ટી જેવા કેસ વધ્‍યા છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો રાજકોટમાં ૭૩૭ કેસ હિટ સ્‍ટ્રોકના નોંધાયા છે. ખાસ તો હિટ સ્‍ટ્રોકના કેસ ખુલ્લામાં કામ કરતા શ્રમિકો, તડકામાં કામ કરતા ડિલિવરી બોય, સેલ્‍સ મેન સહિતનામાં જોવા મળ્‍યા છે. ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સમાં પણ ગરમીને લઇને વિશેષ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. ૧૦૮ની અંદર જ લોકોને પાણીના પોતા, ગ્‍લુકોઝ સહિતની વ્‍યવસ્‍થા આપવામાં આવી રહી છે.

(3:09 pm IST)