Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

નાગબાઇપરા સોસાયટી પાસેથી ૩૮ હજારના દારૂ ભરેલી કાર સાથે બુટલેગર નિર્મળ ઉર્ફે બાલો પકડાયો

આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ. કૃણાલસિંહ, કોન્‍સ. પ્રદિપસિંહ અને વિરેન્‍દ્રસિંહની બાતમીઃ ત્રંબાથી રાજકોટ આવતો'તો : દારૂની ૩૪૮ બોટલ અને કાર મળી રૂા. ૩૮૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૪ : ગોંડલથી રાજકોટ તરફ આવતા રોંગ સાઇડમાં સર્વિસ રોડ પર નાગબાઇપરા સોસાયટી પાસે આજીડેમ પોલીસે બાતમીના આધારે રૂા. ૩૮૪૦૦ની કિંમતની વિદેશી દારૂની ૩૪૮ બોટલ ભરેલી કાર સાથે બુટલેગરને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલથી રાજકોટ તરફ દારૂનો જથ્‍થો ભરેલી કાર આવતી હોવાની આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ. કૃણાલસિંહ ઝાલા, કોન્‍સ. પ્રદિપસિંહ ગોહિલ અને વિરેન્‍દ્રસિંહ જાડેજાને બાતમી મળતા સ્‍ટાફ સાથે વોચમાં હતા ત્‍યારે ગોંડલથી રાજકોટ તરફ આવતા રોંગ સાઇડ સર્વિસ રોડ પર આવેલી નાગબાઇપરા સોસાયટીના ખૂણા પાસેથી જીજે૧કેડી-૩૪૦ નંબરની વોકસવેગન પોલો કારને રોકી તલાશી લેતા તેમાંથી રૂા. ૩૮૪૦૦ની કિંમતની વિદેશી દારૂની ૩૪૮ બોટલ સાથે બુટલેગર નિર્મળ ઉર્ફે લાલો હંસરાજભાઇ માણેક (ઉ.વ.૩૫) (રહે. લલુડી વોકળી અક્ષર શેરી નં. ૧ કેવડાવાડી પાસે)ને પકડી લીધો હતો. પોલીસે દારૂનો જથ્‍થો અને કાર મળી રૂા. ૫,૩૮,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. નિર્મળ ઉર્ફે લાલો અગાઉ આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં ફરાર હતો. આ કામગીરી પીઆઇ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.કે.ગઢવી, હેડ કોન્‍સ. કૃણાલસિંહ ઝાલા, કોન્‍સ. પ્રદિપસિંહ ગોહિલ તથા વિરેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી

(3:54 pm IST)